ગાંધીધામ/રાપર, તા.26 : કેન્દ્રીય
ગૃહમંત્રી અમિત શાહના આદેશ અનુસાર રાજ્યના સરહદી વિસ્તારનાં ગામોમાં બે દિવસ પ્રવાસ
તથા આઇપીએસ અધિકારીઓનું રાત્રિ રોકાણ તથા ગ્રામસભા,
સરહદી ગામોમાં લોકોને પડતી હાલાકી સહિતની સમીક્ષા માટે પોલીસના ઉચ્ચ
અધિકારીઓએ મુલાકાત લીધી હતી.આ કાર્યક્રમ અંતર્ગત પૂર્વ કચ્છમાં વડોદરાના રેન્જ આઇ.જી.સંદીપસિંહ, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધીક્ષક સાગર બાગમારે ખડીરના
કલ્યાણપર તથા બાંભણકા ગામની મુલાકાત લીધી
હતી, જ્યારે પશ્ચિમ કચ્છમાં સુમરાપોર અને મોટા પૈયામાં અમદાવાદ
શહેર ક્રાઇમના સંયુકત પોલીસ કમિશનર શરદ સિંઘલે મુલાકાત લીધી હતી.તેમની સાથે પશ્ચિમ
કચ્છ જિલ્લા પોલીસ અધીક્ષક વિકાસ સુંડા સહિત પોલીસ કાફલો જોડાયો હતો.અધિકારીઓએ ગામની
શાળાઓની મુલાકાત લીધી હતી અને ગ્રામજનો સાથે ખાટલા બેઠક યોજીને આરોગ્ય, શિક્ષણ, રસ્તા સહિતની વિવિધ પ્રાથમિક સુવિધાઓ અને સ્થાનિક
સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી.બાલાસર પોલીસ મથક હેઠળ આવતા ધબડા, વેરસરા ગામમાં જામનગરના પોલીસવડા ડો.
રવિ મોહન સૈની, ગુપ્તચર વિભાગ ભુજના અધિકારી સહિતના કાફલાએ મુલાકાત લીધી હતી.અહીં રાત્રે
યોજાયેલી ખાટલા બેઠકમાં ગ્રામજનોએ મોબાઇલ નેટવર્ક,
ટાવરનો અભાવ, આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ અને
માર્ગ, પીવાનાં પાણીની સમસ્યા વગેરે અંગે અધિકારીઓ સમક્ષ વિસ્તૃત
રજૂઆત કરી હતી.ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગામમાં ફરજ બજાવતા તલાટી, શિક્ષકો, આંગણવાડી બહેનો, આરોગ્ય
વિભાગના કર્મીઓ સાથે પણ બેઠક યોજીને કામગીરીની સમીક્ષા કરી હતી.ઉપરાંત સ્થાનિક કલા
અને રોજગારીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ભરતકામ કરતી મહિલાઓનાં ઘરે જઇને તેમની સાથે
સંવાદ કર્યો હતો.સરહદી વિસ્તારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ ખાસ કરીને
યુવાનોને ગામમાં કોઇ અજાણી વ્યક્તિ કે શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત સ્થાનિક પોલીસ
અને સરહદી સુરક્ષા એજન્સીઓને જાણ કરવા સૂચના આપી હતી તથા દેશની સુરક્ષા માટે સુરક્ષા
એજન્સીઓ સાથે તાલમેલ જાળવી રાખવા જણાવાયું હતું.આ અધિકારીઓ રાત્રિરોકાણ બાદ સરહદી વિસ્તારની ચોકીઓ, સંવેદનશીલ
વિસ્તારોની મુલાકાત લેશે.આ વિસ્તારોની મુલાકાત બાદ સરકારમાં વિસ્તૃત અહેવાલ સુપરત કરાશે એમ જાણવા મળ્યું હતું.