• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

સમય સાથે બંધારણમાં સુધારા થવા જોઈએ

પ્રિયેન અજાણી દ્વારા : ભુજ, તા.25 : દેશમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલે `ભારતીય બંધારણ દિવસ' ઊજવવામાં આવશે.આ વેળાએ કચ્છના જાણીતા કાયદાવિદ્ના મતાનુસાર બંધારણના લીધે કાયદો સર્વોપરી છે તેવું જણાવાયું હતું.નાગરિકોના હક્કો અને ફરજોનું સમતોલ પ્રમાણ બંધારણમાં જળવાયેલું છે. બીજી બાજુ છેવાડાના માનવીઓ સુધી હજુ તેની જાણકારીનો અભાવ વર્તાય છે.- કાયદો બંધનકર્તા  : આ બાબતે કચ્છમિત્ર સાથે વાત કરતા કચ્છ અને ભુજ બાર એસોસીએશનના પ્રમુખ સચિન ગોરે જણાવ્યું હતું કે, બંધારણ યોગ્ય જ છે.જે સમયે તેની રચના થઈ તે પરિસ્થિતિમાં સુસંગત હતું અને આજે  પણ છે,  પરંતુ હાલમાં સમય -સંજોગો મુજબ તેમાં સુધારો કરવો પણ જરૂરી જણાય છે, જેમ કે યુસીસી.બંધારણ સર્વોપરી છે.બંધારણના લીધે દેશના દરેક નાગરિક માટે કાયદો બંધનકર્તા છે.તેનું ચુસ્તપણે પાલન થવું જોઈએ.બંધારણમાં દર્શાવાયેલી કેટલીક જોગવાઈઓના અર્થઘટનની અણઆવડત અને સમજણના અભાવે સ્થાનિકે ન્યાય મળી શકતો નથી.તેથી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી અરજ કરવાની ફરજ પડે છે.આ માટે સામાન્ય માનવી બંધારણની ઉપયોગિતાથી અવગત થાય તેવા હેતુથી તે અંગેની સમજ માટે માહિતીનો પ્રસાર કરવો જરૂરી છે.આ માટે જાગૃતિ કાર્યક્રમો કે સોશિયલ મીડિયાનો ઉપયોગ અથવા સ્થાનિક અખબારોનાં માધ્યમે લોકોમાં બંધારણના જ્ઞાનની વૃદ્ધિ  અર્થે પ્રયાસોની તાતી જરૂર છ.- સમતોલ હોવું જોઈએ : વરિષ્ઠ ધારાશાત્રી ભરતભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે,  નાગરિકોના હક્કો અને ફરજોનું સમતોલ પ્રમાણ બંધારણમાં જળવાયેલું છે.તેમાં હાલ કોઈ મહત્ત્વના ફેરફારો કરવા જેવા નથી, પરંતુ તેનું ચુસ્ત પાલન થાય તે આવશ્યક છે.હાલમાં 30થી 40 ટકા કેસોમાં સરકારી એજન્સીઓ પક્ષકાર હોય છે, તેઓ જો યોગ્ય અમલીકરણ કરે, તો આ કેસોની ટકાવારી ઘટતાં લીટીગેશનનું પ્રમાણ ઘટાડી શકાય.બંધારણમાં સુધારો એ જટિલ પ્રક્રિયા છે, પણ બંધારણ તેનો લવચિક છે.હા, તેમાં સમયોચિત સુધારા થઈ શકે છે, જેમ કે  370ની કલમ દૂર કરાઈ હતી.આમ મહદઅંશે બંધારણ મુજબ વર્તવું એ દરેક નાગરિકની ફરજ છે.શ્રેષ્ઠ છે વરિષ્ઠ ધારાશાત્રી દેવરાજભાઈએ જણાવ્યું હતું કે, ભારતનું બંધારણ બીજા દેશોની સરખામણીએ શ્રેષ્ઠ છે.તેને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવ્યું છે.આ માટે દરેક પાસાં તપાસીને સારી જોગવાઈઓ કરવામાં આવી છે.તેથી તેનો પાયો મજબૂત છે અને તેમાં માળખાંગત સુધારા કરવાના કોઈ કારણ રહેતાં નથી.તેમ છતાં તે માનવજાત સાથે સંકળાયેલો હોવાથી જીવનમાં આવતા પરિવર્તનો-સંજોગો મુજબ  સુધારાનો પણ અવકાશ છે.જેમ કે, હાલમાં થયેલા સર કાયદાનો સુધારે.અકંદરે બંધારણ મજબૂત છે.

Ram Katha

Vyapar Utsav

Panchang