• સોમવાર, 23 નવેમ્બર, 2026

રણોત્સવમાં સુવિધા સુદ્રઢ બનાવવા તાકીદ

ભુજ, તા. 22 : ધોરડો રણોત્સવમાં આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને સુરક્ષિત અને યાદગાર અનુભવ મળી રહે તે માટે કલેક્ટરે શનિવારે રણોત્સવની મુલાકાત લઈ સુવિધાઓ ચકાસી હતી. રણોત્સવ કોર કમિટી અંતર્ગત તંત્ર દ્વારા વિવિધ કામગીરી કરાય છે અને કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ધોરડો સફેદ રણની મુલાકાત લઈ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ અને તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. કલેક્ટર, અધિકારીઓએ ગેટ વે ટુ રણ રિસોર્ટ અને ટેન્ટ સિટી, સફેદ રણ ધોરડો ખાતે પ્રવાસીઓ સાથે સંવાદ કરીને પ્રતિભાવો જાણ્યા હતા. રણોત્સવ કોર કમિટીના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી ધોરડો ખાતે સફાઈ અને સ્વચ્છતાલક્ષી કામગીરી, પ્રવાસીઓ માટે બસની સુવિધા, રણ પરમિટ, પીવાના પાણીની વ્યવસ્થા, પાર્કિંગ મેનેજમેન્ટ, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, નો સ્પાટિંગ ઝોન અને નો પ્લાસ્ટિક ઝોનના જાહેરનામાનું અમલીકરણ, પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સેનિટેશન સુવિધાઓ, નવા ટોયલેટ બ્લોકના નિર્માણ કામગીરીની પ્રગતિ, પ્રવાસીઓને માહિતગાર અને સ્વચ્છતા અંગે જાગૃત કરવા માટે મોબાઈલ માવિંગ ટીમ, સ્ટોલ ફાળવણી, ઊંટગાડી અને ઘોડાગાડી નિયમન, વોચ ટાવર ખાતે 108 ઈમરજન્સી સેવા સહિત ધોરડો ખાતે ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ, અવિરત વીજળી સપ્લાય, રોડ રસ્તાની સમયાંતરે મરામત વગેરે કામગીરીની સમીક્ષા કરી હતી. પ્રવાસીઓને સ્વચ્છતા જાળવવા અંગે અપીલ કરીને જરૂર જણાય ત્યાં દંડનીય કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીશ્રીઓને કલેક્ટરે સૂચના આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ સબરસ બસ સ્ટેન્ડ ધોરડો ખાતે બસ ટિકિટ તેમજ રણ પરમિટ બાકિંગ કરવાની પ્રક્રિયાનો જાત અનુભવ કર્યો હતો. સરહદી વિસ્તારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કલેક્ટરે બીએસએફ અધિકારીઓ સાથે સંવાદ કરી સુરક્ષા વ્યવસ્થા તેમજ પોલીસ વિભાગ સાથેના સુચારુ સંકલન અંગે ચર્ચા કરી હતી. ઉપરાંત, તેમણે પાર્કિંગ-2 વિસ્તાર સહિત જરૂરિયાત મુજબ નવા પોઈન્ટ ઊભા કરીને પ્રવાસીઓ માટે પીવાના પાણીની પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવા,  ભુજથી ધોરડો સુધીના સમગ્ર રૂટનું નિરીક્ષણ કરીને ટ્રાફિક નિયમન, જરૂરી માર્ગ મરામત અને સ્વચ્છતા અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપીને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા, આરટીઓ  અનિલ ગોસ્વામી, ભુજ પ્રાંત અધિકારી એમ.જે.નાકિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી માધુરી પટેલ, ભુજ ગ્રામ્ય મામલતદાર એમ.ડી.માલી, જિલ્લા આયોજન અધિકારી જિતેન્દ્ર રાવલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd