ગાંધીધામ,તા.22 : કચ્છ જિલ્લામાં રખડતા શ્વાન, બિલાડીઓ અને અન્ય નાના અબોલ જીવોની સેવા માટે
કાર્યરત કચ્છની પ્રથમ રજિસ્ટર્ડ `િનર્ભય ફાઉન્ડેશન' દ્વારા જીવદયા ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ
કદમ ઉઠાવવામાં આવી રહ્યું છે. સંસ્થા દ્વારા કચ્છમાં 1,000થી વધુ ઘાયલ અને બીમાર અબોલ
જીવોને એકસાથે રાખીને સારવાર આપી શકાય તેવા વિશાળ અને અત્યાધુનિક પ્રાણી આશ્રયસ્થાન
(એનિમલ શેલ્ટર) અને હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 13 ડિસેમ્બરના આ નવા પ્રકલ્પનું
ભૂમિપૂજન કરવામાં આવશે નિર્ભય ફાઉન્ડેશનના
સ્થાપક અને અધ્યક્ષ મનીષ દેવનાનીએ પત્રકાર પરિષદને સંબોધતા સંસ્થાની સફર અંગે જણાવ્યું
હતું કે, સંસ્થાનું સત્તાવાર રજિસ્ટ્રેશન જાન્યુઆરી 2021માં થયું હતું, પરંતુ અબોલ જીવોની સેવાનું આ કાર્ય છેલ્લા 10 વર્ષથી અવિરત ચાલી રહ્યું છે.
શરૂઆતના તબક્કામાં ગાંધીધામના ભારતનગર ખાતે નાના ક્લિનિક અને સપેડા ખાતે શેલ્ટરની શરૂઆત
કરવામાં આવી હતી. મર્યાદિત સંસાધનો અને સ્ટાફની અછત વચ્ચે પણ કાર્યકરો ઇજાગ્રસ્ત શ્વાનોને
એક્ટિવા પર બેસાડીને સાપેડા શેલ્ટર સુધી સારવાર માટે લઈ જતા હતા. અત્યાર સુધીમાં સંસ્થાએ
47,000થી વધુ અબોલ જીવોનો ઈલાજ કરીને
તેમનો જીવ બચાવ્યો છે.ભારત નગર સ્થિત ક્લિનિક તૂટ્યા બાદ સંસ્થા સામે મોટો પડકાર ઊભો
થયો હતો. તે કપરા સમયમાં `કામધેનુ ગૌશાળા' ના સહયોગથી સારવાર માટે વૈકલ્પિક જગ્યા મળી
રહી હતી. ત્યારબાદ, ત્રણ વર્ષ અગાઉ ખરીદાયેલી ખુલ્લી જમીન પર
અસ્થાયી વ્યવસ્થા ઊભી કરીને તમામ પશુઓને ત્યાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા એક વર્ષથી
સંસ્થાની ટીમ ખુલ્લા આકાશ નીચે, તડકો કે વરસાદ જોયા વિના અબોલ
જીવોની સારવાર કરી રહી છે. - નવો પ્રકલ્પ અને વિશ્વનું પ્રથમ 64 સ્વરૂપ ધરાવતું કાળ ભૈરવ મંદિર : કચ્છના કોઈપણ ખૂણે ઘાયલ થયેલા નાના પશુઓને તાત્કાલિક અને શ્રેષ્ઠ
તબીબી સુવિધા મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે હવે આ જમીન પર પાકા શેલ્ટર અને હોસ્પિટલનું
નિર્માણ શરૂ થઈ રહ્યું છે. આ સેવાકીય પ્રકલ્પની સાથે જ અહીં એક અનોખો આધ્યાત્મિક સંકલ્પ
પણ સાકાર થવા જઈ રહ્યો છે. આ સંકુલમાં વિશ્વનું પ્રથમ એવું કાળ ભૈરવ મંદિર નિર્માણ પામશે, જ્યાં ભગવાન શ્રી કાળ ભૈરવના તમામ 64 સ્વરૂપોની પ્રતિમાઓની પ્રાણપ્રતિષ્ઠા
કરવામાં આવશે, જે સમગ્ર કચ્છ માટે ગૌરવની
વાત બની રહેશે. તેમ જણાવ્યું હતું. આ પરિષદમાં ટ્રસ્ટી પ્રીતિ મુનશીયાની, જ્હાન્વી કોઠારી, પ્રફુલભાઈ હમીરપરા, પ્રભુભાઈ ઠાકોર, દિવ્યેશ આવતરામાણી, ધવલ કપ્તા, સંદીપ દવે ઉપસ્થિત રહ્યા હતા.