• સોમવાર, 23 નવેમ્બર, 2026

50 ટકા મહિલા અનામત પાછળ સશક્તીકરણનો ઉદ્દેશ, પણ વાસ્તવિકમાં કેટલું સશક્તીકરણ ?

દિવ્યેશ વૈદ્ય દ્વારા : મુંદરા, તા. 22 : ગ્રામ પંચાયતોનાં રોટેશન જાહેર થવાથી ફરી ચૂંટણી ગરમાવો જામ્યો છે અને ગ્રામ્ય મહિલા સશક્તીકરણ માટે રોટેશનમાં 50 ટકા મહિલા અનામત બેઠકો ફાળવાઇ છે, પરંતુ વર્તમાન ગ્રામ પંચાયત હોય કે તાલુકા - જિલ્લા પંચાયત કે પછી નગરપાલિકા હોય, ચૂંટાયેલી મહિલાની દૈનિક વહીવટી કાર્યોમાં સામેલગીરી કેટલી, શું મોટાભાગની ચૂંટાયેલી મહિલા માત્ર ચોપડે જ હોદ્દેદાર રહે છે ? એ મોટો પ્રશ્ન છે. બીજું ઠીક, અરે.., હાલમાં દિવાળી શુભેચ્છાઓમાં પણ છતી થયેલી આ માનસિકતાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા છેડી છે.  તાજેતરમાં સરપંચ પદ અને ગામની વોર્ડવાર બેઠકોનું રોટેશન જાહેર થયું એ સાથે રોટેશનમાં વસ્તીના ધોરણોનું પાલન ન થવા તેમજ મહિલા અનામત હોય છતાં એવા ગામમાં પુરુષ પોતે મૂરતિયા હોવાનો સોશિયલ મીડિયામાં પ્રચાર કરાતો હોવાની વાત બહાર આવી, પરંતુ ચૂંટાયા પછી વહીવટમાં તો પતિદેવોનો અંકુશ રહે જ છે, પણ હદ તો એ હતી કે, હાલમાં પૂરા થયેલા દિવાળી-નૂતન વર્ષ તહેવારોની શુભેચ્છાઓમાં પણ પતિદેવોએ સાચા અર્થમાં પદ પર છે એવી અને ઘરનું તમામ વહીવટીતંત્ર ચલાવે છે એવી એમની ધર્મપત્નીના ફોટા તો ઠીક નામ સુદ્ધાં નહોતા લખ્યા અને આશ્ચર્યની વાત એ છે કે, માત્ર વિવિધ તંત્રનાં માળખાંની ત્રિમાસિક સામાન્ય બેઠકો જ નહીં, પક્ષીય ધોરણે થતી સંગઠન-મંડલની બેઠકોમાં પણ પતિદેવો મંચ પર ચડી જાય છે ને શાલ સન્માન પણ સ્વીકારી લે છે અને આ બધું ઉચ્ચ મોવડી મંડળ દેખતાં જ થાય છે.  ગામમાં મહિલા બેઠક રોટેશનમાં આવવા છતાં જાહેરમાં કોઈ દરકાર વિના પ્રચાર શરૂ કરી દીધાની વાત બહાર આવ્યા બાદ કેટલાક સાચું બોલવામાં માનતા નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું  કે, તાજેતરમાં હેપી દિવાળી અને નૂતન વર્ષાભિનંદનની વોટસઅપ,  ફેસબુક, ઈન્સ્ટા જેવા સોશિયલ મીડિયામાં મુકાયેલી શુભેચ્છાઓમાં આ પતિદેવોએ પોતાનું જ નામ, ફોટો અને પત્નીનો હોદ્દો દર્શાવ્યો હતો, જ્યાં ખરેખર ધર્મપત્નીનો ફોટો, હોદ્દો અને નામ હોવા જોઈએ, પણ પત્નીનો ફોટો તો ઠીક, નામ લખવું પણ યોગ્ય નથી ગણ્યું, પછી ભલે એ જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય કે નગરપાલિકામાં વિવિધ કારોબારી હોદ્દેદારો કે સદસ્ય હોય કે કોઈ સમિતિના ચેરમેન હોય..,  પણ મહિલા સશક્તીકરણની વાતો વચ્ચે સમાજમાં પુરુષપ્રધાન માનસિકતા કેટલી હદે વ્યાપ્ત છે એ છતું થાય છે. નવાઈની વાત તો એ છે કે, આ બધી શુભેચ્છાઓ જે માધ્યમમાં શેર થતી હતી એવા વોટસઅપ ગ્રુપોમાં વરિષ્ઠ લોકપ્રતિનિધિઓ અને અન્ય ચૂંટાયેલા હોદ્દેદારો તેમજ સંગઠનના વરિષ્ઠ હોદ્દેદારો પણ મોજુદ છે, પણ બધું જોઈ રહ્યા હતા. પંચાયતો કે સુધરાઈની સામાન્ય સભાઓમાં પણ હાલ એવા જ હોય છે. ક્યારેક તો મૂળ હોદ્દેદારોની હાજરી નથી હોતી અને હોય છે તો કંઈ બોલવાનું હોતું નથી. બધું આગળથી ગોઠવી લેવાય છે. અરે, પંચાયતો કે સુધરાઇની ચેમ્બરમાં જાવ તો પ્રમુખ, ઉપપ્રમુખ કે કારોબારી ચેરમેનની મહત્ત્વની ખુરશી પર પણ મહિલા હોદ્દેદારના પતિ જોવા મળે છે અને બિન્ધાસ્ત સહી પણ કરી નાખે છે. બહાર વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેવાનું હોય ત્યારે પણ હોદ્દેદારને બદલે પતિદેવો શાલ પણ ઓઢી લે છે અને સ્મૃતિ ભેટ-સન્માન પણ સ્વીકારી લે છે. આ તો સત્તાધારી તંત્રની વાત થઈ, પરંતુ પક્ષીય સ્તરે થતી બેઠકમાં પણ અપેક્ષિત હોદ્દેદારોની હાજરી હોય છે. એમાં પણ હોદ્દાની રૂએ મહિલાના સ્થાને પ્રતિનિધિ પતિદેવો ઉપસ્થિત હોય છે. આમ માત્ર વહીવટી તંત્રમાં નહીં પણ પક્ષ પણ એમની બેઠકોમાં આ બધું પ્રેમથી ચલાવે છે, તો પ્રશ્ન એ થાય છે કે, મહિલા સશક્તીકરણના નારા કયા મોઢે લગાવવામાં આવે છે ? અને આ બધું કચ્છમાં જ વધુ છે, ત્યારે 50 ટકા  મહિલા અનામત નીતિનો વાસ્તવમાં અર્થ શું છે એ પ્રશ્ન ઊઠે છે. આ મુદ્દે ગાંધીનગર સ્તરેથી કોઈ સૂચના આવે કે સ્થાનિક ઉચ્ચ સરકારી અધિકારીઓ કે ઉચ્ચ મંડલ કડક બને તો જ કંઈક અસર દેખાય એવી સ્થિતિ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd