• સોમવાર, 23 નવેમ્બર, 2026

નલિયામાં પારો ગગડી 11 ડિગ્રીએ પહોંચ્યો

ભુજ, તા. 22 : કચ્છમાં છેલ્લા ત્રણેક દિવસથી ઠંડીનાં પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મોડી સાંજથી લઇ વહેલી સવાર સુધી લોકોને ગરમ કપડાં પહેરવા પડે તેવો ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. કચ્છી કાશ્મીર નલિયામાં અડધો ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ પારો ગગડી 11 ડિગ્રીએ પહોંચતાં અહીં ઠંડીની અનુભૂતિમાં વધારો થતો જોવા મળ્યો હતો. 11 ડિગ્રીએ નલિયા રાજ્યનું સૌથી શીતમથક બન્યું હતું. હવામાન વિભાગે લઘુતમ પારો ઊંચકાતાં ઠંડીમાં રાહત મળવાની શક્યતા દેખાડી છે. જિલ્લા મથક ભુજમાં 18.3, કંડલા પોર્ટમાં 17.9, તો અંજાર-ગાંધીધામને આવરી લેતા કંડલા (એ.)માં 12.7 ડિગ્રી તાપમાને ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.મહત્તમ તાપમાન 31થી 33 ડિગ્રીની વચ્ચે રહેતાં દિવસે વાતાવરણમાં થોડી ઉષ્ણતા જળવાઇ રહી હતી. ઠંડીનાં પ્રમાણમાં થયેલા વધારાનાં કારણે હાલ જિલ્લામાં શરદી, કફ અને તાવના કેસમાં ઉછાળો આવેલો જોવા મળ્યો છે. હવામાન નિષ્ણાતોના મતે પશ્ચિમી વિક્ષોભના પ્રભાવથી આગામી દિવસોમાં ઠંડકનું પ્રમાણ વધશે. જો કે, કડકડતી કાતિલ ઠંડી માટે હજુ ડિસેમ્બરના અંત સુધી રાહ જોવી પડશે. જો કે, લઘુતમ પારો તો ડિસેમ્બરની શરૂઆતમાં જ એકલ આંકમાં પહોંચવાની સંભાવના દેખાઇ રહી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd