ભુજ, તા. 22 : ભુજથી ખાવડા રોડ પર સર્જાયેલા
દુ:ખદ માર્ગ અકસ્માતમાં સાચ લોકોનાં અકાળે અવસાન થતાં શોકની લાગણી ફેલાઈ છે. માર્ગ
અકસ્માતની આ ગમખ્વાર ઘટનાને ગંભીરતાથી લઈને
જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાનાં માર્ગદર્શન હેઠળ માર્ગ સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી આજે
જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ ભુજથી ખાવડા સુધીના સમગ્ર રાષ્ટ્રીય ધોરીમાર્ગની સંયુક્ત મુલાકાત
લઈને પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન માર્ગ પરના જોખમી વળાંકો, સાઈન બોર્ડ, ટ્રાફિક નિયંત્રણ
અને અન્ય સુરક્ષાલક્ષી બાબતોની ઝીણવટપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. સંયુક્ત મુલાકાત દરમિયાન ભુજ પ્રાદેશિક વાહનવ્યવહાર
અધિકારી અનિલ ગોસ્વામી તથા આરટીઓના અન્ય અધિકારીઓ, ભુજ પ્રાંત
અધિકારી એમ. જે. નાકિયા, ભુજ ડીવાયએસપી વિશ્વા શાહ, કાર્યપાલક ઈજનેર નેશનલ હાઈ-વે ડિવિઝન બી. ડી. પ્રજાપતિ, માધાપર તથા ધોરડો પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ
સબઇન્સ્પેક્ટર આર. વી. જોષી જોડાયા હતા. ઉચ્ચ અધિકારીઓએ ભુજ ખાવડા રોડ તેમજ ગતરોજના
અકસ્માત સ્થળની સંયુક્ત મુલાકાત લઈને ભવિષ્યમાં આ પ્રકારના અકસ્માતના બનાવો અટકે તે
માટે જરૂરી પગલાં લેવાં નેશનલ હાઈ-વે ઓથોરિટી, રોડ એજન્સી,
જિલ્લા ટ્રાફિક તથા પોલીસને જરૂરી સૂચનો આપ્યાં હતાં. - વડાપ્રધાન-મુખ્યમંત્રીએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું : સહાયની જાહેરાત
: ભુજ-ખાવડા માર્ગ પર વેકરિયા રણ પાસે ગોઝારા
માર્ગ અકસ્માતની ઘટનામાં સાત લોકોનાં મોતે અરેરાટી ફેલાવી છે. આ ઘટના અંગે વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ પોતાના `એક્સ' હેન્ડલ પર હતભાગીઓને શ્રદ્ધાંજલિ પાઠવતાં કહ્યું
કે, કચ્છમાં ઘટેલી જીવલેણ માર્ગ અકસ્માતની આ ઘટનાથી વ્યથિત અને
દુ:ખી છું. મોદીએ પ્રધાનમંત્રી રાહત કોષમાંથી દરેક મૃતકના નજીકના સ્વજનને બે લાખ તો
ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની
જાહેરાત કરી છે, તો ગુજરાતના મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના `એક્સ' હેન્ડલ
પર જણાવ્યું હતું કે, દુ:ખની આ ઘડીમાં રાજ્ય સરકાર અસરગ્રસ્ત
પરિવારોની પડખે છે. શ્રી પટેલે રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને ચાર લાખ અને
ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય
આપવાની જાહેરાત કરી હતી.