• બુધવાર, 18 નવેમ્બર, 2026

મુખ્યમંત્રીની તાકીદ : દબાણ હટાવો, વર્ષ દરમ્યાન કચ્છમાં 3300 સ્થળે બુલડોઝર

પશ્ચિમ અને પૂર્વ કચ્છમાં 1.35 કરોડ ચોરસમીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઈ  : અંદાજે 500 કરોડની જમીન મુકત, પેશકદમીનાં દૂષણને જડમૂળથી દૂર કરવા માટે ઘણું કરવાનું બાકી

હેમાંગ પટ્ટણી દ્વારા

ભુજ, તા. 16 : કચ્છમાં સરકારી ખરાબાની જમીન જાણે કે બોડી બામણીનું ખેતર બની હોય તેમ બેરોકટોક દબાણો થઈ રહ્યાં છે, ત્યારે છેલ્લા એકાદ વર્ષથી રાજ્ય સરકારના કડક દિશાનિર્દેશ તળે સરકારી જમીનને દબાણમુક્ત કરવા માટે કચ્છમાં છેલ્લા એકાદ વર્ષથી ખાસ ઝુંબેશ છેડાઈ છે. સત્તાવાર રીતે મળેલી વિગત અનુસાર કચ્છમાં છેલ્લા એક વર્ષ દરમિયાન વહીવટી અને પોલીસ તંત્રે હાથ ધરેલી સંયુક્ત કાર્યવાહીમાં એક કરોડ 35 લાખ ચોરસમીટરથી વધુ જમીનને દબાણમુક્ત કરી ખુલ્લી કરાવાઈ છે. ખુલ્લી થયેલી આ સોનાંની લગડી સમાન જમીનનો આંક 500 કરોડ આસપાસ થવા જાય છે.

પશ્ચિમ કચ્છમાં 1850

વિશાળ વિસ્તાર ધરાવતા કચ્છના પૂર્વ અને પશ્ચિમ એમ બે વિભાગ પૈકી પશ્ચિમ કચ્છમાં વધુ દબાણ હટયાં છે. જિલ્લા વહીવટી તંત્રમાંથી મળેલી સત્તાવાર આંકડાકીય વિગત અનુસાર પશ્ચિમ કચ્છમાં કલેક્ટર અનિલ રાણાવસિયા અને સરહદી રેન્જના વડા ચિરાગ કોરડિયાની સીધી દેખરેખ હેઠળ 1850 જેટલાં દબાણોને તોડી પાડી 130 લાખ ચોરસમીટર સરકારી જમીનને ખુલ્લી કરાવાઈ છે.

પૂર્વમાં પાંચ લાખ ચો.મી.

પૂર્વ કચ્છમાં વિવિધ તંત્રોની સંયુક્ત કામગીરીમાં 1445 જેટલાં દબાણો પર બુલડોઝર ફેરવી પાંચ લાખ ચોરસમીટર જમીનને દબાણમુક્ત કરાવાઈ છે. પશ્ચિમમાં 294 કરોડ અને પૂર્વમાં 200 કરોડ જેટલી મોટી રકમની જમીનને દબાણમુક્ત કરવામાં વહીવટીતંત્રને મોટી સફળતા મળી છે.

રાજ્ય સરકારની સીધી નજર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશ તળે રાજ્ય સરકારની સીધી દેખરેખથી દબાણ હટાવવા માટેની આ ઝુંબેશ હાથ ધરાઈ છે. સરકારી જમીન પર અતિક્રમણ કરનારા અસામાજિક તત્ત્વોનાં દબાણને તોડી પાડી પોલીસ પ્રશાસન દ્વારા કડકા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

એફઆઈઆરની તાકીદ

તાજેતરમાં રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ જિલ્લા કલેક્ટરોને એવી તાકીદ કરી હતી કે, સરકારી જમીન પર દબાણ કરનારાઓ સામે એફઆઈઆર નોંધવામાં આવે. મુખ્યમંત્રીની આ તાકીદ વચ્ચે કચ્છમાં વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત ઝુંબેશ હાથ ધરી રજાના દિવસે પણ કામગીરી હાથ ધરી વીતેલાં બે અઠવાડિયામાં જ 50,000 ચો.મી.થી વધુની જમીનને ખુલ્લી કરાવી છે.

વનતંત્ર પણ એકશનમાં

 મહેસૂલ અને પોલીસ તંત્રની સાથે વન વિભાગ પણ દબાણને લઈ એકશન મોડમાં છે. તાજેતરમાં ભીરંડિયારા અને સરહદી રેન્જમાં વનવિભાગની કબજા હેઠળની જમીનમાં થયેલું ખેતીવિષયક દબાણ હટાવાયું હતું. વન વિભાગ દ્વારા પણ સમયાંતરે આ પ્રકારની દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી અભયારણ્ય હેઠળની જમીનોને અતિક્રમણ કરનારાઓના કબજામાંથી મુક્ત કરાવાઈ છે.

હજી ઘણી ભૂમિ કબજામાં

વીતેલાં એક વર્ષ દરમ્યાન સત્તાવાર રીતે એક કરોડ ચોરસમીટર સરકારી ખરાબાની જમીન દબાણમુક્ત કરવામાં આવી હોવા છતાં કચ્છમાં આજની સ્થિતિએ લાખો ચોરસમીટર જમીન અતિક્રમણ થયેલી છે. એટલે કે અત્યાર સુધી જિલ્લામાં જેટલી કામગીરી હાથ ધરાઈ એટલી જ કાર્યવાહી હાથ ધરાવાની બાકી છે.

જોડાતો મોટો કાફલો

કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ પ્રાંત અધિકારી,, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સર્કલ ઓફિસર, દબાણ શાખાનો સ્ટાફ ઉપરાંત પોલીસ તંત્રના જવાનો કાયદો વ્યવસ્થા જાળવવા માટે તૈનાત રહેતા હોવાથી જ્યારે દબાણ હટાવવાની કોઈ મોટી ઝુંબેશ હાથ ધરાય ત્યારે મોટો કાફલો કાર્યવાહીમાં જોડાતો હોય છે. વિશેષ ઝુબેશ સમયે ક્યારેક તો તંત્રને અમુક કલાકો પહેલાં જ કામગીરી હાથ ધરવા માટેની સૂચના આપવામાં આવતી હોય છે.

ગૌચર પર પેશકદમી

સરકારી જમીન પરનાં દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે, પણ વિશાળ સંખ્યામાં પશુધન ધરાવતા આ જિલ્લામાં ગૌચર જમીન પરનાં દબાણો એટલાં જ પડકારરૂપ છે. કચ્છમાં પશુધનની જરૂરિયાત મુજબનું ગૌચર ઉપલબ્ધ ન હોતાં ચરિયાણનો મોટો પ્રશ્ન ઊભરી રહ્યો છે. આવા સંજોગોમાં ગૌચર જમીનને દબાણમુક્ત કરવાના પડકારને પાર કરવો એટલો જ અનિવાર્ય બની ગયો છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd