ગાંધીધામ, તા. 5 : ગાંધીધામ મહાનગરપાલિકાની ગુરુવારે
મળેલી સામાન્ય સભામાં આગામી 30 વર્ષને ધ્યાનમાં
રાખીને શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વિકાસનાં કામોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મહાનગરપાલિકામાં નવા ભળેલા વિસ્તારોમાં પાણી તથા ભૂગર્ભ ગટર અને વરસાદી નાળાંના પ્રકલ્પ
તૈયાર કરવામાં આવશે, જેથી કરીને
ગ્રામ્ય વિસ્તારની જે સમસ્યાઓ છે તેને દૂર કરી શકાશે સભામાં વિપક્ષે પાણી સહિતના મુદ્દે
તથા પક્ષ પાસે જવાબ માગ્યો, ત્યાર પછી ચર્ચા કરીને સભા પૂર્ણ
કરવામાં આવી હતી મેયર દિવ્યાબેન નાથાણીએ સભાના
પ્રારંભે મહાનગરપાલિકા વિસ્તારના લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી અને ત્યારપછી
નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજે એજન્ડાઓનું પઠન કરતાની સાથે જ વિપક્ષે પીવાનાં
પાણીનો મુદ્દો ઊઠાવ્યો હતો. મરંમત માટે પાણી
બંધ હતું તે બરોબર છે, પરંતુ અચાનક કોર્પોરેટરો અને લોકોને જાણ
કર્યા વગર ટેન્કર બંધ કરી દેવામાં આવતાં વિપક્ષના નેતા ભરત ગુપ્તાએ આ બાબતે સવાલો ઊઠાવ્યા
હતા, જેના પગલે પાણી
સમિતિના ચેરમેન મોહન ગોરીએ પાણી ન હોય, તો ટેન્કર કેવી રીતે ચલાવવાં
તેમ જણાવ્યું હતું અને ત્યારબાદ વિપક્ષના નેતાને વ્યવસ્થિત રીતે તેમણે આખી સ્થિતિનો
ચિતાર આપ્યો હતો. ત્યારબાદ વિપક્ષના કોર્પોરેટર અમિત ચાવડાએ એજન્સીને અપાયેલાં પ્રમાણપત્રના
મામલે સવાલ પૂછતાં નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજે અહેવાલ કમિશનરને સુપરત કર્યો
હોવાનું જણાવ્યું હતું આ ઉપરાંત કોર્પોરેટરે સવાલ ઊઠાવતાં નિયમોનો હવાલો આપ્યો હતો
જો શહેરના સળગતા પ્રશ્નો અને ગંભીર પ્રશ્નોની ચર્ચામાં નિયમોનો હવાલો આપાય છે,
તો આ ચર્ચા ક્યાં થશે તે સહિતના સવાલો પણ ઊભા થયા છે. સામાન્ય સભા લોકોને
કન્નડતા પ્રશ્નોની ચર્ચા કરવા માટે જ હોય છે તેમ છતાં નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા
નિયમોનો હવાલો અપાતા વિપક્ષે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્રણ સભા થઈ છે, છતાં સરકારમાંથી નિયમો મંજૂર થઈને આવ્યા નથી તે બાબતે સવાલ ઊઠાવ્યો હતો. જો
કે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસ શેઠે વિપક્ષના પ્રશ્નો સાંભળ્યા
હતા અને તેને યોગ્ય પ્રત્યુતર આપવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ સભામાં ગ્રામીણ વિસ્તારની સરકારી જર્જરિત ઇમારતોની
મરંમત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ગત બેઠકની કાર્યવાહીને બહાલી તથા ગ્રામીણ વિસ્તારના
પ્રકલ્પો તૈયાર કરવા, સોલિડ વેસ્ટ વિભાગના નિયમો મંજૂર કરવા તેમજ
મહાનગરપાલિકાના ઉપયોગ માટે બે નવા વાહનો ખરીદવા અને પાલિકામાં ભળેલાં ગામોમાં જરૂરિયાત
મુજબ વધારાના સફાઈ કામદારો આઉટસોર્સિંગ એજન્સી મારફતે રાખવા સહિતના એજન્ડાઓને બહાલી
આપવામાં આવી હતી. આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી ચોથા વર્ગના કર્મચારીઓને બોનસ આપવાનો એજન્ડા
લેવામાં આવ્યો હતો. સામાન્ય સભામાં ડેપ્યુટી મેયર નવીનભાઈ જરૂ સહિતના ઉપસ્થિત રહ્યા
હતા અને ચર્ચામાં ભાગ લીધો હતો.- શિણાય ડેમનો 10 કરોડનો પ્રકલ્પ તૈયાર કર્યો : શિણાય ડેમથી
ગ્રામીણ વિસ્તાર અને આદિપુરનું પીવાનું પાણી પૂરું પાડવા માટે એજન્સી મારફતે 10 કરોડનો પ્રકલ્પ તૈયાર કરીને
સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા આયોજન ઘડી લેવામાં આવ્યું છે અને થોડાક
સમયમાં પીવાના પાણીની જટિલ સમસ્યાના સમાધાન માટે આ પ્રકલ્પ ઉપર કામ કરવામાં આવશે તેવું
કમિશનર બી.ડી. ડાવેરાએ જણાવ્યું હતું. - જીડીએ બહારનાં ગામોને બાંધકામની
મંજૂરી માટે તંત્રની કવાયત : મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા પડાણા, ખારીરોહર સહિતના ગામ ગાંધીધામ અર્બન ડેવલપમેન્ટ
ઓથોરિટીમાં આવતા નથી. અગાઉ ગ્રામ પંચાયત મારફતે કામગીરી થતી હતી, પણ આ ગામ મહાનગરપાલિકામાં ભળ્યા પછી બાંધકામની મંજૂરી ક્યાંથી લેવી તે એક મોટો
પ્રશ્ન હતો, જેના પગલે મહાનગરપાલિકાએ આ ગામોને બાંધકામની મંજૂરી માટે સરકારમાં દરખાસ્ત
કરી છે અને થોડા જ સમયમાં સમસ્યાનું સમાધાન આવે તેવી સંભાવના છે. - ગટર-નાળાંનું
સિટી ઇજનેરને પૂછો... : મહાનગરપાલિકાનો
વહીવટ ખાડે ગયો છે, અહીં નાયબ
મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજ થી ઉપર સિટી
ઇજનેર મયંક શાહ ઉપર હોવાનો વર્તારો સામાન્ય સભામાં દેખાયો હતો. વિપક્ષે વરસાદી નાળાંની
વચ્ચે ગટર ચેમ્બર કેવી રીતે હોઈ શકે તેવો સવાલ પૂછતા નાયબ મ્યુનિસિપલ કમિશનરે `બાંધકામ શાખાના સિટી ઇજનેરને પૂછો તેમની
પાસેથી તમને માહિતી મળી જશે' તેવો
પ્રત્યુતર આપ્યો હતો ખરેખર જમીન ઉપરનું કામ જોતાં નાયબ મ્યુનિસિપલ કમિશનરે તમામ બાબતોનું
ધ્યાન રાખવાનું હોય છે, પણ અહીં સ્થિતિ અલગ છે તેના કારણે શહેરની
સ્થિતિ બગડી રહી છે.