ચેન્નાઈ, તા. 5 : આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ
સિઝનના મેગા ઓક્શન પૂર્વે ખેલાડીઓની અદલાબદલી (ટ્રેડ વિન્ડો)માં ચેન્નાઈ સુપર કિંગ્સ
અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે વ્યૂહાત્મક ડીલ થઈ છે. જેમાં બે ઓલરાઉન્ડર્સ અને બે ફાસ્ટ
બોલર્સની અદલાબદલી થઈ છે. આ ટ્રેડ હેઠળ ઇંગ્લેન્ડનો વિસ્ફોટક ઓલરાઉન્ડર લિયામ લાવિંગસ્ટોન
અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર જેક એડવર્ડ્સ હવે સીએસકેનો હિસ્સો બનશે. લાવિંગસ્ટોનને હૈદરાબાદે
ગત હરાજીમાં રૂ.13 કરોડમાં સાઈન
કર્યો હતો, પરંતુ હવે તે રૂ.6 કરોડની ફી સાથે ચેન્નાઈ પહોંચ્યો છે. આક્રમક
બાટિંગ ઉપરાંત ઓફ-સ્પિન અને લેગ-સ્પિન બંને કરવામાં માહિર લાવિંગસ્ટોન ચેપોકના સ્પિન-ફ્રેન્ડલી
ટ્રેક પર સીએસકે માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. તેની સાથે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર જેક
એડવર્ડ્સ રૂ.3 કરોડની ફી સાથે ટીમમાં જોડાયો છે. એડવર્ડ્સને
હૈદરાબાદે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પૂર્વે સાઈન કર્યો હતો, પરંતુ પગની ઈજાને કારણે તે ગત સિઝન રમી શક્યો
નહોતો. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાના બાલિંગ ડિપાર્ટમેન્ટને ધાર આપવા માટે ભારતીય
ડાબોડી પેસર ખલીલ અહેમદ (રૂ.4.8 કરોડ) અને ઓસ્ટ્રેલિયન ટી20 સ્પેશિયાલિસ્ટ નાથન એલિસ (રૂ.2 કરોડ)ને પોતાની છાવણીમાં લીધા છે. ખલીલ
અહેમદ માટે આ ઘરવાપસી સમાન છે, કારણ
કે તે અગાઉ 2018થી 2021 દરમિયાન હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીમાં
રમી ચૂક્યો છે.