ભુજ/ગાંધીધામ, તા. 5 : કચ્છનો યુવાન
કેફી પદાર્થના નશાની બદીમાં બરબાદ થઈ રહ્યો છે. રોજે-રોજ ડ્રગ્સ-ગાંજા સાથે શખ્સ ઝડપાતાં
જોવા મળી રહ્યા છે. મુંદરા પોલીસે એક શખ્સને 36.63 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિં. રૂા. 1,09,890 સાથે તેમજ બે શખ્સને 227 ગ્રામ ગાંજો કિં. રૂા. 11,350 સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી
કરી છે. આ ઉપરાંત ભચાઉ તાલુકાના છાડાવાડાની સીમમાં આવેલ કેબિનમાંથી પોલીસે રૂા. 12400ના માદક પદાર્થ ગાંજાના જથ્થા
સાથે શખ્સની ધરપકડ કરી હતી. ગઈકાલે રાતે મુંદરા પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી
હતી કે, ગોપાલભાઈ રામભાઈ ગઢવી (રહે. ઝરપરા, તા. મુંદરા) પોતાના કબજાની બોલેરો ગાડી નં. જી.જે.-12-સીટી- 4986વાળીમાં ડ્રગ્સ જેવા માદક પદાર્થ
લઈ કિંગપ્લાઝા કોમ્પ્લેક્ષ બાજુથી પસાર થવાનો છે. પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી ગાડી
રોકાવી આરોપી ગોપાલભાઈ રામભાઈ મીંઢાણી (ગઢવી)ને માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ 36.63 ગ્રામ કિં. રૂા. 1,09,890 અને કાર કિં.રૂા. ચાર લાખ તથા
એક મોબાઈલ કિં. રૂા. 10,000 એમ
કુલ્લે રૂા. 5,19,890ના મુદ્દામાલ સાથે ઝડપી એનડીપીએસ
એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં મુંદરાના પી.આઈ. એમ.આર. શકોરિયા, પ્રાગપરના પી.આઈ. એ.કે. ભરવાડ તથા પોલીસ કર્મચારીઓ
જોડાયા હતા. આ ઉપરાંત પણ ગઈકાલે રાતે જ મુંદરા પોલીસને અન્ય બાતમી મળી હતી જેમાં કિંગપ્લાઝા
કોમ્પલેક્ષ પાસે પ્રવીણ મહેશ્વરી (રહે. ભુજપુર)વાળો શખ્સ સ્કૂટર નં. જી.જે.-12- એચએલ-2931વાળામાં ગાંજો લઈ વેચવા આવવાનો
છે. પોલીસે ત્યાંથી બાતમીવાળા સ્કૂટર પાસે ઊભેલા બે શખ્સ પ્રવીણ રવજીભાઈ મહેશ્વરી અને
નવઘણ ખેતાભાઈ બ્રહ્મભટ્ટ (રહે. બન્ને મોટી ભુજપુર)ને ઝડપી સ્કૂટરની ડેકીમાંથી માદક
પદાર્થ ગાંજો 227 ગ્રામ કિં. રૂા. 11,350 અને સ્કૂટર કિં. રૂા. 21,500 તથા બે મોબાઈલ કિં. રૂા. 10,000 એમ કુલ્લે રૂા. 67,850 મુદ્દામાલ સાથે ઝડપી બન્ને
વિરુદ્ધ એનડીપીએસ એકટ તળે ગુનો દાખલ કરાવી કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કામગીરીમાં મુંદરાના
પી.આઈ. એમ.આર. શકોરિયાનાં માર્ગદર્શનમાં પોલીસ સ્ટાફ જોડાયો હતો. ભચાઉ - સામખિયાળી
ધોરીમાર્ગ ઉપર આર.ટી.ઓ ચેકપોસ્ટ પાસે પંક્ચરવાળાની
દુકાન પાસે સર્વિસ રોડ ઉપર હોટેલની કેબિનમાં
માદક પદાર્થનો જથ્થો હોવાની પૂર્વ બાતમી આધારે અહીં છાનબીન હાથ ધરી હતી. દરમ્યાન અહીંથી
ગાંજાની બાવન નાની પડીકી મળી આવી હતી. પોલીસે
248 ગ્રામ ગાંજો, એક મોબાઈલ ફોન સહિત કુલ રૂા. 17400ના મુદ્દામાલ સાથે આરોપી ઉર્વેશ
હાજીભાઈ ખલીફાની ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે.