• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

વૈવિધ્યસભર મીઠાઇઓના જનક `ગ્રાહક' પોતે જ

કૌશલ પાંધી દ્વારા : ભુજ, તા. 5 : અંધકાર પર પ્રકાશના વિજયનાં પર્વ દિવાળીની ઉજવણીનો લોકોમાં થનગનાટ ફેલાયો છે અને નવા વર્ષને વધાવવા કચ્છવાસીઓએ તૈયારીઓ આરંભી દીધી છે. જો કે, બજારમાં હજુ ધીરે ધીરે રોનક આવી રહી છે, પણ, વેપારીઓને આશા છે કે, છેલ્લા ચારથી પાંચ દિવસ ગ્રાહક રાજા ખરીદીમાં ઊમટશે અને વેપારી પરિવારોમાં પણ દિવાળીનો પ્રકાશ ફેલાવશે. નૂતન વર્ષની ઊજવણી આમ તો લોકો વિવિધ વસ્તુઓની ખરીદી સાથે ઘરને સુશોભિત કરવા સાથે કરતા હોય છે, પણ, આ પર્વમાં મીઠાં મોઢાંનું મહત્ત્વ અનેરું છે અને તે માટે મીઠાઇ મોટો ભાગ ભજવતી હોય છે. કોઇપણ શુભકાર્ય કે તહેવારની ઊજવણી મીઠાઇ વિના અધૂરી કહેવાય. ભારતીય સંસ્કૃતિ જાળવી લોકો ઘરે આવતા મહેમાનોને મીઠું મોઢું કરાવી આવકાર આપતા હોય છે, તો પરસ્પર સંબંધોમાં વધુ મીઠાશ લાવવા એકમેકને મીઠાઇ આપવાની પણ પરંપરા હજુ કાયમ રહી છે. વર્ષો પહેલાં આંગળીના ટેરવે ગણી શકાય તેટલી જ મીઠાઇ બજારમાં ઊપલબ્ધ હતી, જેમાં ખાસ કરીને સાટા, મોહનથાળ, પેંડા, લાડુ વિ. જેવી દેશી મીઠાઇઓનો સમાવેશ થતો. પણ, કોર્પોરેટ જગતનો વાયરો કચ્છમાં પ્રવેશતાં જાતજાત, ભાતભાતની મીઠાઇઓ અરે એમ કહો કે, દર વર્ષે નીતનવી અને કદાચ નામ બોલતા પણ ન ફાવે તેટલી મીઠાઇઓથી બજારોની દુકાનો શોભતી હોય છે. કચ્છમાં આવેલી વિવિધ કંપનીઓ દ્વારા તો આઠ-દશ દિવસ પહેલાંથી જ વેપારીઓને મીઠાઇ બનાવવા અને ડેકોરેટિવ પેકિંગ કરવા બલ્કમાં ઓર્ડર આપી દેવાય છે, જ્યારે સ્થાનિક દિવાળી પહેલાં બે-ત્રણ દિ' અગાઉ મીઠાઇની ખરીદી કરતા હોવાનું ભુજની બજારમાંથી જાણવા મળ્યું હતું. - ગ્રાહકો જ નીતનવી મીઠાઇના જનક : ડ્રાયફ્રૂટ લાડુ, જેલી ચોકલેટ, કચ્છી ગુલાબપાક,  ખજૂરની વિવિધ આઇટમ, ઘીની અઢળક મીઠાઇઓ પર ગ્રાહકોની પસંદ ઊતરતી હોવાનું છેલ્લા 25 વર્ષથી ભુજમાં મીઠાઇના વ્યવસાય સાથે સંકળાયેલા યોગેશ્વર સ્વીટના નયનભાઇ તન્નાએ  જણાવી ઉમેર્યું કે, દર વર્ષે નવીનવી વેરાયટીઓ જાતે બનાવે છે, પણ બજારમાં આવતી તમામ નવી વેરાયટીના જનક ગ્રાહક પોતે જ હોય છે. ગ્રાહક જે મુજબની માંગ કરે તે મુજબની મીઠાઇ બનાવી આપતા હોવાનું ઉમેર્યું હતું. કાજુકતરી,  કચ્છી ગુલાબપાક, સ્પેશિયલ ડ્રાયફ્રૂટનો દબદબો કાયમ હોવાનું જણાવી  ભાવમાં 20 ટકા જેટલો વધારો હોવાનું શ્રી તન્નાએ જણાવ્યું હતું. - મોહનથાળનો દબદબો : પર્વની ઉજવણીમાં મોહનથાળની મીઠાશનો દબદબો કાયમ રહ્યો હોવાનું ફરસાણી દુનિયાના કુમાર ઠક્કરે જણાવી આ વર્ષે ત્રણ દાળના લાડુ, મોતીચૂરના લાડુ, મેસુક, હલવો, વ્હાઇટ સાટા, સાથોસાથ કાજુ મિક્ષમાં નવી વેરાયટી, બિસ્કોફ ટ્રીટ, શાહી ગુલાબ,  કિવીક્રન્સા, બ્લૂબેરી બાઇટ્સ, ચોકો મેજિક, હેલ્થી બાઇટ્સ સહિત અનેક મીઠાઇઓ ગ્રાહકોનાં આકર્ષણનું કેન્દ્ર બનશે તેમ જણાવી ઉમેર્યું કે, દર વર્ષે ગ્રાહકોને કંઇક નવું જોઇએ છે. આ બાબત ધ્યાને લઇ વિવિધ મીઠાઇઓ તૈયાર કરાય છે, જેને જોતાં જ ગ્રાહક ખુશ થઇ જાય છે. સમયની સાથોસાથ બજારમાં દરેક વસ્તુઓમાં પણ મોટા પ્રમાણમાં બદલાવ આવતો હોય છે એ જ રીતે દિવાળી પર્વે પરંપરાગત મીઠાઇઓની સાથે નવીનવી વેરાયટી ઉપલબ્ધ હોવાનું શ્રી ઠક્કરે જણાવ્યું હતું. - દેશી ઘી, કાજુ અને દૂધ-માવાની મીઠાઈ : દિવાળી પર્વની ઉજવણી મીઠાઇ વિના તો અધૂરી જ કહેવાય. વર્ષોથી ચાલી આવતી મીઠાઇથી મહેમાનો-સ્નેહીજનોનું મોઢું મીઠું કરાવવાની પરંપરા આજે પણ જળવાયેલી છે, ત્યારે ગ્રાહકોની માંગને ધ્યાને લઇ આ વર્ષે દેશી ઘી, કાજુ અને દૂધ-માવાની 30થી વધુ મીઠાઇ ગ્રાહકો માટે તૈયાર હોવાનું ભુજમાં 129 વર્ષ મીઠાઇના વ્યવસાય સાથે સંકળાયેલા કંદોઇ વેલજી કારા પેઢીના સ્નેહ રૂપડાએ જણાવી ઉમેર્યું કે, હજુ ઘરાકી જામી નથી, પણ જેમ-જેમ દિવાળી નજીક આવશે તેમ ગ્રાહકો બજારમાં ઊમટશે તેમ ઉમેર્યું હતું. કાચા માલના ભાવમાં વધારો થતાં મીઠાઇમાં સામાન્ય ભાવવધારો થયો   હોવાનું શ્રી રૂપડાએ ઉમેર્યું હતું. - ગાંધીધામમાં કોર્પોરેટ કલ્ચર ધ્યાને લઈ મીઠાઈ તૈયાર : દિવાળીના તહેવારમાં  ખરીદીમાં અગ્રતાક્રમે આવે મીઠાઈ.મીઠાઈ વિના દિવાળીના તહેવારની શરૂઆત જ ન થાય. ગાંધીધામ સંકુલમાં  દિવાળી નિમિત્તે મીઠાઈની વિવિધ વાનગીઓ  સ્વાદપ્રિય લોકો માટે બનાવવામાં આવી છે. ગાંધીધામમાં કોર્પોરેટ કલ્ચર હોવાથી શુભેચ્છા માટે મીઠાઈ આપવાનું ચલણ  વધુ છે, ત્યારે મીઠાઈના વેપારીઓએ પણ અવનવી વસ્તુઓ તૈયાર કરી સજ્જ બન્યા છે. આ ઉપરાંત ખાસ કરીને સુગર ફ્રી અને પ્રોટીનની વાનગીઓ પણ ઉપલબ્ધ હોવાથી  લોકો ચિંતામુકત બનીને  દિવાળી ઊજવી શકશે. - 150 જેટલી વેરાયટી : ખાવડા  સ્વીટ હાઉસના રવિભાઈએ જણાવ્યું હતું કે,  આમ તો દિવાળીમાં કાજુ, દેશી ઘી, માવા સહિતની 150 જેટલી વેરાયટી છે. આ વખતે ખાસ તો ક્રેનબેરી, મેંગો ડિલાઈટ, ચોકલેટ માર્બલ, વોલ નટ, ખજૂર ડ્રાયફ્રૂટ કેક,સુગર ફ્રી મીઠાઈઓની નવી વેરાયટી ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ઓટસના પ્રોટીન લાડુ જેવી વેરાયટી પણ ઉપલબ્ધ હોવાનું કહ્યું હતું. તેમણે દરરોજ ઓર્ડર મુજબ ફ્રેસ મીઠાઈ બનવાતી હોવાનું કહ્યુ હતું. - સુગર લેસ મીઠાઈ : ગાંધીધામમાં ગાયત્રી   સ્વીટના લક્ષ્મણભાઈ અને અલ્પેશભાઈએ દિવાળીના તહેવાર નિમિત્તે  સુગરલેસ મીઠાઈ નવતર વસ્તુ હોવાનું જણાવ્યું હતું. ખજૂર,અંજીરની સુગર ફ્રી મીઠાઈ ઉપરાંત કીમિયા ખજૂરમાંથી ડ્રાયફ્રૂટ સ્ટફિંગની મીઠાઈ  પણ નવી બનાવવામાં આવી છે.વિધિવ પ્રકારમાં 50 જેટલી વેરાયટી હોવાનું ઉમેર્યું હતું.   દરમ્યાન આ વર્ષે મીઠાઈના વેચાણમાં ગત વર્ષની તુલનાએ ઓછો વેપાર હોવાના અહેવાલો સાંપડયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd