ભદ્રેશ ડુડિયા દ્વારા : ભુજ, તા. 5 : દેશ-વિદેશના પ્રવાસીઓ માટે
જેમ કચ્છ સહેલગાહ માટેનું પસંદગીનું સ્થળ ઉભરી રહ્યું છે આ જ રીતે કચ્છથી પણ અનેક લોકો
દિવાળી વેકેશન માણવા માટે દેશની સાથોસાથો વિદેશના પ્રવાસે નીકળી રહ્યા છે. ખાડી દેશોમાં
યુદ્ધના પગલે કિફાયતી વિયેતનામ ઉપરાંત ચિનના હોંગકોંગ, મકાઉ, સેનજેન જેવા શહેરોના
પર્યટન સ્થળો લોકોને આકર્ષી રહ્યા છે. આ ઉપરાંત
ભારતના પરંપરાગત દક્ષિણભારત, ઉતરભારત જેવા માટે લોકો તૈયારી બતાવી
રહ્યા છે. તેમજ ઈન્સટન્ટ ટ્રાવેલર્સ માટે પડોશી રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશની સાથે સાથે ગુજરાતના પ્રવાસન સ્થળો પર કચ્છીઓ પસંદગી દોડાવતા હોય
છે. કુદરતી સૈંદર્યતા અને પોતિકા લાગતા ઐતિહાસીક સ્થળોને લઈને બાલી અને વિયેતનામ ભારતીય
પ્રવાસીઓને આકર્ષી રહ્યા જ છે તે વચ્ચે હાલ ચીનના ગગનચુંબી ઈમારતો, ડિઝનીલેન્ડ જેવા આકર્ષણોથી સજ્જ હોંગકોંગ
અને તેની સરહદને અડીને આવેલું હાઈટેક શોપિંગના શોખીનો માટે સ્વર્ગ સમાન શેનઝેન તથા આલીશાન હોટેલ્સ રિસોર્ટ અને કસીનો માટે વિખ્યાત
એવા મકાઉ તરફનો જોક પણ સ્થાનીક પ્રવાસીઓમાં વધ્યો હોવાનું બાલાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના
સંજયભાઈ ગઢવીએ જણાવ્યું હતું. વિયેતનામ પેકેજના લાખના દોઢ લાખ થઈ ગયા છે અમદાવાદથી
વિદેશની ફ્લાઈટની ટિકિટ મોંઘી છે જ્યારે ભુજથી વિદેશની કનેકટીંગ ફ્લાઈટની ટિકિટ સસ્તી
મળતી હોવાથી અહીંથી વિદેશ જવા વાળાની સંખ્યા વધી છે. વિદેશ પ્રવાસમાં વિયેતનામ,
બાલી, થાઈલેન્ડનો ક્રેઝ હોવાનું રાજશ્રી ટુર્સ
એન્ડ ટ્રાવેલ્સ વાળા રાજનભાઈ ઠક્કર અને અરિહંત ટ્રાવેલ્સના હિતેશભાઈ મોરબિયાએ જણાવ્યું
હતું. ચીનના હોંગકોંગ અંગેની ઈન્ક્વાયરી થતી હોવાનું પણ કહ્યું હતું. ભારત દર્શનમાં
દક્ષિણ ભારત, કેરાલા, ઊટી, કુર્ગ, બેંગ્લોર તથા હિમાચલ પ્રદેશ અને સિક્કીમ-દાર્જીલિંગ
તરફ લોકો જતા હોય છે. હેલી ટ્રાવેલ્સના અંશુલ વચ્છરાજાનીએ ઉપરોક્ત સ્થળો પ્લાનિંગ મુજબ
જ્યારે સ્થાનિકો પોતાના હાથવગા નાના-મોટા વાહનો લઈ ઈન્સટન્ટ પ્લાનિંગ કરી પડોશી રાજ્યો
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર નીકળી જતા હોય છે અમુક લોકો
સૌરાષ્ટ્રના ગીરના જંગલો, યાત્રાધામો તથા પોલો ફોરેસ્ટ પણ પોતાની
કારથી પરિવાર સાથે દિવાળી દરમ્યાન સહેલગાહે નીકળતા હોવાનું જણાવ્યું હતું. - પૂર્વ-પશ્ચિમ સંસ્કૃતિનું સંગમ
હોંગકોંગ : પૂર્વ અને પશ્ચિમના સંસ્કૃતિના સંગમ સમા
વિશ્વના અગ્રણી આર્થિક કેન્દ્ર તરીકે ઓળખાતું શહેર હોંગકોંગ તેના વિશાળ ગગનચુંબી ઈમારતો, શોપિંગ હબ અને સુંદર સમુદ્રી નજારા માટે જાણીતું
છે. આ શહેરનું પ્રખ્યાત સ્થળ વિકટોરિયા પીક છે. હોંગકોંગનો ડિઝનીલેન્ડ બાળકો અને પરિવાર
માટે શ્રેષ્ઠ સ્થળ છે. વિવિધ થીમ પાર્ક, રાઈડ્સ, ડિઝની પાત્રોની પરેડ અને રાતે થતી આતીશબાજી મન મોહી લે છે. - ચીનનું હાઈટેક શહેર શેનઝેન
: હોંગકોંગની સરહદને અડીને આવેલું શેનઝેન
ચીનનું અતિ આધુનિક હાઈ-ટેક અને આયોજનપૂર્વકનું શહેર છે. આ શહેર શોપિંગના શોખીનો માટે
સ્વર્ગ સમાન છે. લુઓટું કોમર્શિયલ સિટીમાં કપડા,
ઘડિયાળો, ઈલેકટ્રોનિકસ અને બેગ્સ અત્યંત વાજબી
ભાવે મળે છે. અહીં જોવા અને માણવા લાયક સ્થળોમાં `િવન્ડો ઓફ ધ વર્લ્ડ' એક વિશાળ થીમ પાર્ક છે. જ્યાં વિશ્વની 130થી વધુ પ્રખ્યાત ઈમારતોની નાની
પ્રતિકૃતિઓ બનાવેલી છે. - મકાઉ એશિયાનું
વેગાસ : ભૂતકાળમાં મકાઉમાં પોર્ટુગીઝ વસાહત હોવાથી અહીં યુરોપીયન અને
ચાઈનીઝ સંસ્કૃતિનો સંગમ જોવા મળે છે. આ શહેર તેના ભવ્ય કેસીનો અને નાઈટ લાઈફ માટે જાણીતું
છે. મકાઉમાં ઈટાલીના વેનિસ શહેર જેવી કૃત્રિમ નહેરો બનાવેલી છે. જેમાં ગોંડોલા રાઈડની
મજા લઈ શકાય છે. પોર્ટુગીઝ શૈલીની રંગબેરંગી ઈમારતો અને મોઝેક ફલોરિંગ ધરાવતું પબ્લિક
સ્કવેર, શોપિંગ તથા સ્થાનિક વાનગીઓ માટે જાણીતું છે.