• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

ઊંડા અંધારેથી પ્રકાશપર્વના તેજનાં ઓવારણા

મુંજાલ સોની દ્વારા : ભુજ, તા. 5 :  મહાજ્ઞાનીઓ કહી ગયા છે કે, જીવનના બે મુખ્ય ધ્યેય હોવા જોઈએ પ્રકાશ અને આનંદ.. દિવાળી એટલે જ પ્રકાશ અને આનંદનું પર્વ. અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણીરૂપે આપણે દીપોત્સવ મનાવીએ છીએ,આતિશબાજીનો આનંદ પણ માણીએ છીએ, પણ કુદરતે જેમના જીવનમાં અંધકારના અવરોધો સર્જ્યા છે તેવા દૃષ્ટિહીન કે આંશિક વિઝન ધરાવતા લોકોની દિવાળી કેવી હોય? માધાપર ખાતેના અંધજનો-દિવ્યાંગો માટે સરાહનીય કામ કરતી નવચેતન અંધજન મંડળ સંસ્થામાં અભ્યાસ અને તાલીમ મેળવી રહેલા કેટલાક પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સાથે વાત કરીને ખ્યાલ આવ્યો કે, ભલે તેઓ જોઈ શકતા નથી (કે આંશિક દૃષ્ટિ છે), પણ અંતરના ઉજાસ અને ઉમંગથી તેઓ દિવાળી મનાવીને આનંદ જરૂર ઊઠાવે છે. અવાજ સાંભળીને,ગંધ પારખીને અને વાતાવરણની ઊર્જા મહેસૂસ કરીને ફટાકડાની મજા ય માણે છે અને સ્પર્શના અનુભવથી સજાવટ, રંગોળી વગેરેમાં પણ જોડાય છે. નવચેતન મંડળમાં બારમા ધોરણમાં અભ્યાસ કરતો ધ્યાન ટાંક કહે છે કે, દિવાળી આવવાનું સંભળાય એટલે મનમાં અનેરો ઉત્સાહ જાગી ઊઠે. દિવાળીના એક સપ્તાહ પહેલાંથી હું શ્રીરામચરિત માનસનું અધ્યયન કરું છુ.ં હું સંપૂર્ણ દૃષ્ટિહીન છું, પણ તહેવાર ઉમંગથી માણું છું. બધાની જેમ નવા કપડાં પહેરું છું અને ફટકાડા પણ ફોડું છું. ખાસ કરીને ફૂલઝરી સળગાવીને તેના અવાજ અને સ્પર્શથી અનુભવ કરું છું. અમારા ઘરે દિવાળી નિમિતે અવનવી વાનગીઓ બનતી હોય છે તેની ખૂબ મજા માણું છુ.ં દિવાળીના દિવસોમાં આખું નગર પ્રકાશથી ઝળહળતું હોય છે, જે મને દેખાતું નથી, પણ હું એ વાઈબ મહેસૂસ કરી શકું છુ. માધાપરની શિવાની નવમા ધોરણમાં ભણે છે. તે કહે છે કે, હું દિવાળીના દિવસોમાં મારા ભાઈ સાથે ફૂલઝરી ને ભીંતભડાકા જેવા નાના ફટાકડા ફોડું છું.  મને બોમ્બ જેવા મોટા ફટાકડાનો અવાજ બહુ ગમતો નથી. બાકી તો જે ફટાકડા ફૂટે એના વિશે મારો ભાઈ મને જાણ કરે આ ફલાણો ફટાકડો ફૂટયો અને આ બીજો ફટાકડો છે. હું ઘરને સજાવવામાં પણ જોડાઉં છું. રંગોળી કરવામાં અને અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં પણ મદદ કરું છું. મારી પહેલાં પૂરી દૃષ્ટિ હતી, પણ નવ વર્ષની હતી, ત્યારે કોઈ કારણથી નજર ધીમે ધીમે ઓછી થવા લાગી હતી. પણ દિવાળીનો તહેવાર આનંદથી ઊજવું છું. કંઈક આવી જ દિવાળી રોઝીના લુહારની છે. તે કહે છે કે, હું સપૂર્ણ વિઝનવિહોણી હોવાથી મોટા ફટાકડા તો ફોડી શકતી નથી, પણ ફૂલઝરી જેવા નાના ફટાકડા ફોડીને આનંદ અનુભવું છું, ઘરને સજાવવામાં મદદ કરું છું અને ઘરે જે મહેમાનો આવે તેમને આદરસત્કાર આપવામાં મને મજા આવતી હોય છે. નવચેતન ખાતે નવમા ધોરણમાં અભ્યાસ કરતી ભુજની પ્રિયાંશીબા જાડેજા કહે છે કે, મને ફટાકડાનો અવાજ તો બહુ ગમતો નથી, પણ રંગોળી, ઘરને શણગાર વગેરેમાં હું સામેલ થાઉં છું. રંગો,દીવા વગેરેને સ્પર્શ કરું એટલે મને દિવાળીના તહેવાર જેવી ફિલિંગ્સ આવે. ધોરણ બારનો સુરેશ કોલી કહે છે કે, મારા માતા-પિતા, ભાઈ-ભાભી, કાકા વગેરે પરિવાર સાથે દિવાળી ઊજવીએ છીએ. અગાઉ હું ભીંતભડાકાના ફટાકડા ફોડતો હતો, પણ હમણાથી મેં એ બંધ કરી દીધું છે. મને દિવાળીમાં સૈથી વધુ હરખ સંતવાણીના પ્રોગ્રામોનો હોય છે. આવા દરેક ભજન કે આયોજનમાં હું સામેલ થતો હોઉં છું. રિશીકા સથવારા કહે છે કે, દિવાળીના દિવસોમાં ઘરે જે સજાવટ થાય તેને હું મારી બેન સાથે મળીને સ્પર્શ કરું છું અને તેની વાઈબ મહેસૂસ કરું છું. મમ્મી-પપ્પા સાથે મંદિરે પણ જઉં છું. જો કે, હું ફટાકડા ફોડતી નથ, પણ તેના અવાજો સાંભળું છુ.ં દક્ષ કેતન દરજી જણાવે છે કે, મને તો દિવાળી બહુ ગમે કારણ કે હું મારા દાદા-દાદીને ત્યાં જઈને ફટાકડા ફોડું છું.  થ્રો કરીને ફોડવાના ફટાકડા હું જાતે જ ફોડું છું બાકીના અમુક ફટાકડા મારા મમ્મી-પપ્પાનો હાથ પકડીને ફોડું છું. તેના તડતડનો અવાજ અને લાઈટનો આભાસ સરસ લાગે, પણ મોટા અવાજવાળા ફટાકડા બહુ ગમતા નથી. નવચેતન અંધજન મંડળ એ અંધજનો સહિતના દિવ્યાંગોના શિક્ષણ-તાલીમ અને રિહેબિલિટેશન ક્ષેત્રે છેક 1976થી કાર્યરત અગ્રણી સંસ્થા છે. મંડળના સેક્રેટરી અને રિહેબિલિટેશન રમતગમત, સ્વાસ્થ્ય, ટેકનોલોજી તેમજ કેળવણીના નિષ્ણાત હિમાંશુભાઈ સોમપુરા કહે છે  કે, અહીંના ઘણા બાળકો પાસે પૂર્ણ દૃષ્ટિ નહીં હોય, પણ જીવનના ઉલ્લાસ અને શીખવાની ભાવનમાં જરા પણ ઓટ હોતી નથી એટલે જ તેઓ દિવાળી જેવો મહિમાસભર તહેવાર આનંદથી મનાવે છે. હમણાં તો દાતાઓની મદદથી દૃષ્ટિહીન વિદ્યાર્થીઓને એઆઇ ઇનેબલ્ડ ચશ્મા પણ આપવામાં આવ્યાં છે, એ ચશ્માના એઆઇ કેમેરા સામે કોઇ પુસ્તક કે વીડિયો કે બીજું કંઇ હોય, તો બોલીને કહી દે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd