નવી દિલ્હી, તા. 5 : સુપ્રીમ કોર્ટે
ગુરુવારે એક મહત્ત્વનો નિર્દેશ આપતાં જણાવ્યું હતું કે, પોલિસ હવે આરોપીને ઠીક લાગે ત્યાં સુધી કસ્ટડીમાં
નહીં રાખી શકે. પકડયાના 24 કલાકમાં મેજિસ્ટ્રેટ
સામે રજૂ કરવો પડશે. અદાલતે કહ્યું હતું કે, તપાસ એજન્સીઓ કોઈ વ્યક્તિને હિરાસતમાં લઈને પછી તેની ધરપકડ નોંધવાનો માર્ગ
નહીં અપનાવી શકે. રજૂ કરવા માટે 24 કલાકની નિર્ધારિત સમય સીમાથી વધુ વિલંબ થઈ જાય તો પોલિસ કે કોઈપણ
એજન્સી એ આરોપીને મુક્ત કરવો પડશે. ન્યાયમૂર્તિ ઉજ્જવલ ભુઈયાં અને એ.એસ. ચંદુરકરની
ખંડપીઠે કહ્યું હતું કે, હિરાસત અને
ધરપકડ વચ્ચે કૃત્રિમ અંતર બનાવી 24 કલાકની સમયસીમાથી બચવું સંવૈધાનિક સુરક્ષાની વિરુદ્ધ છે. સુપ્રીમે સ્પષ્ટ કર્યું હતું
કે, પોલિસ કોઈ વ્યક્તિને પૂછપરછ, તલાશી કે જપ્તીની કાર્યવાહી માટે અટકમાં લે, તો તેની
વ્યક્તિગત સ્વતંત્રતા પર રોક લાગવાનો સમય મહત્ત્વપૂર્ણ રહેશે. ત્યારબાદ, ધરપકડના મેમોમાં નોંધાયેલો સમય 24 કલાક ગણવાનો આધાર બની નથી શકતો, તેવું અદાલતે જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે
નિર્દેશ આપ્યો હતો કે, મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીને રજૂ કરતી વખતે
તેને પકડવાની વાસ્તવિક તારીખ, સમય સાથે નોંધવી પડશે.