• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

ટ્રમ્પ સામે મહાભિયોગ લાવવાની તૈયારી

વોશિંગ્ટન, તા. 5 : મધ્યસત્ર ચૂંટણીમાં હાર બાદ હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ લાવવા માટેની કવાયત શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયા દ્વારા ટ્રમ્પને પદ પરથી હટાવી શકાય છે. જો આવું થાય, તો ટ્રમ્પ સામે આ ત્રીજો મહાભિયોગ હશે. બીજી તરફ, ટ્રમ્પે ધમકી આપી હતી કે, મારી સામે મહાભિયોગ લાવશે, તો ડેમોક્રેટિક પાર્ટી બરબાદ થઈ જશે. યાદ રાખજો કે, મારી પાસે વિટોની શક્તિ છે, તેવી ચેતવણી તેમણે આપી હતી. ડેમોક્રેટ્સ આરોપ મૂકી રહ્યા છે કે, ટ્રમ્પે પોતાનાં પદનો દુરુપયોગ કરી પોતાના નિકટના લોકોને લાભ અપાવ્યા, સંપત્તિ એકઠી કરી, ભ્રષ્ટાચાર કર્યો, જેથી દેશની સામાન્ય જનતાને નુકસાન થયું છે. ડેમોક્રેટિક સાંસદ રોબર્ટ ગાર્સિયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ પદ પર રહેવા દરમ્યાન ટ્રમ્પ અને તેમના પરિવારની સંપત્તિ કેવી રીતે વધી તેની તપાસ કરાવાશે. ગાર્સિયાએ પાંચ મુદ્દા નક્કી કર્યા છે, જેમાં ટ્રમ્પ પરિવારના કારોબારી સોદા જેફ્રી એપસ્ટિનના બહુચર્ચિત પ્રકરણમાં ટ્રમ્પની ભૂમિકા, અમેરિકી ઈમિગ્રેશન એજન્સીના દરોડા સામેલ છે. અમેરિકાના ઈતિહાસમાં ટ્રમ્પ એવા પહેલા રાષ્ટ્રપતિ છે, જેમની વિરુદ્ધ બેવાર મહાભિયોગની કાર્યવાહી થઈ ચૂકી છે. જો કે, બન્નેવાર સેનેટ દ્વારા તેમને આરોપોમાંથી મુક્ત કરી દીધા હતા. દરમ્યાન, ચૂંટણીમાં હાર બાદ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીમાં આંતરિક નારાજગી પણ સામે આવી છે. ટેકસાસના રિપબ્લિકન નેતા ચૈડ વિલબેંકસે ઈરાન યુદ્ધ, ટેરિફ, રૂસના રાષ્ટ્રપતિ પુતિને પક્ષ ખેંચવા સહિત ટ્રમ્પના નિર્ણયોને હારના કારણ લેખાવ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમીર જેલેંસ્કીએ આશા વ્યક્ત કરી હતી કે, ડેમોક્રેટ્સની જીતથી યુક્રેનને મદદ મળશે. આમ થવાથી પુતિન પર દબાણ પણ વધશે. બીજી તરફ, રશિયાના અખબાર `કોમસેંટ' દ્વારા ગુરુવારે એક લેખમાં જણાવાયું હતું કે, અમેરિકી સંસદ પર રિપબ્લિકન નિયંત્રણ રહેવા દરમ્યાન ટ્રમ્પ આગામી બે મહિનામાં યુક્રેન યુદ્ધ ખતમ કરાવવાની કોશિશ તેજ કરી શકે છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd