• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

લખપતમાં ચાર દિવસથી પાણીનો પોકાર

માતાના મઢ (તા. લખપત), તા. 5 : દુષ્કાળગ્રસ્ત કચ્છના લખપત તાલુકામાં ઘાસચારા અને પાણીની વિકટ સ્થિતિ વચ્ચે માનવવસ્તીને ચાર દિવસથી નર્મદાનું પીવાનું પાણી બંધ થતાં પોકાર ઊઠયો છે. દરમ્યાન પાણી વિતરણ કરતા ઠેકેદારના કર્મચારીએ સુખપરથી આજે ખીરસરા સમ્પે પાણી આવતાં આવતીકાલ શુક્રવારથી પાણી વિતરણ કરાશે તેમ કહ્યું હતું. રોજ 14 એમએલડી પાણી અપાતું હોવાના દાવા કરતા પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને પૂછતાં ઉપરથી ફ્લો ઓછો આવ્યો હોવાનો એક જ જવાબ આપે છે. આજે સુખપરના સમ્પથી ડબલ પમ્પિંગ કરીને પણ ખીરસરા સમ્પ ઉપર ચાલુ કરાવ્યું હોવાનું પા. પુ. બોર્ડના અધિકારી શ્રી ચૌધરીએ જણાવ્યું હતું. કોટડા મઢના પૂર્વ સરપંચ આદમ રાયમાએ આક્રોશ સાથે જણાવ્યું કે, કોટડા મઢ અને કંઢોરામાં સાત દિવસથી પાણી ન આવતાં લોકોના ઘરોમાં પાણીનો સ્ટોક ખૂટયો છે. ભાડરા મોટા અને આશાપરમાં પાંચ દિવસથી પાણી ન આવ્યાનું અગ્રણી મયૂરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. દીપોત્સવી પર્વની શરૂઆત થઈ ચૂકી છે. યાત્રાધામ માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, લખપત ગુરુદ્વારા, કટેશ્વર મહાકાળી મંદિર, ગુનેરી ગુફાના શિવ મંદિરે હજારો પર્યટકો આવી રહ્યા છે. બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી માતાના મઢે દર વર્ષે અઢી લાખ દર્શનાર્થીઓ આવે છે. આ પર્વમાં તાલુકાની વસ્તી જેટલા પ્રવાસીઓ રોજ આવશે, તેમના માટે પીવાનાં પાણીની વધારાની વ્યવસ્થા માટે પાણી પુરવઠા બોર્ડે શું વ્યવસ્થા કરી તેનો જવાબ બોર્ડ તંત્ર પાસે નથી તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે ત્યારે પીવાનાં પાણીનો પોકાર ઊઠયો છે જે ગંભીર બાબત છે. દરમ્યાન ખીરસરા ખાતે 50 લાખ લિટરના ત્રણ અને બે કરોડ લિટરનો એક સમ્પ મળી 3.30 કરોડ લિટર સંગ્રહ ક્ષમતા છે જે ભરાયા બાદ શુક્રવારથી વિતરણ શરૂ કરી દેવાનો દાવો પા.પુ. બોર્ડના ઠેકેદારના કર્મચારી પરબતભાઇ રબારીએ કર્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd