અંજાર, તા. 5 : ઓછા વરસાદ અને અછતની સ્થિતિમાં શહેરના ગંગાનાકા પાસે આવેલા ડેપોમાં
ઘાસચારા અને રંજકાના વેચાણ દરમિયાન તોલમાપ દ્વારા વજન માં ગેરરીતિ આચરવામાં આવતી હોવાની
ફરિયાદો ઉઠતા રોષ ભભૂકી ઊઠયો છે. લાંબા સમયથી આ સ્થિતિ હોવાના અહેવાલો સાંપડી રહ્યા
છે. મળતી માહિતી મુજબ, બે મણ ચારા
કે રંજકાના નાણાં વસૂલવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં ગ્રાહકોને
માત્ર દોઢ મણ જેટલો જથ્થો આપવામાં આવતો હોવાનો આક્ષેપ જાણકારો કરી રહ્યા છે. મોટા પ્રમાણમાં ચારો ખરીદતા ગ્રાહકોને પણ માંગેલા
જથ્થા કરતાં ઓછું વજન પધરાવી દેવામાં આવે છે તેમજ ડેપોમાં કોઈ પણ પ્રકાર નો નિયત ભાવપત્રક
નહી હોવાનું સામે આવ્યું છે સવારે અને સાંજ
ના ભાવ માં મોટો તફાવત રખાતો હોવાની રાવ ઊઠી છે. ખાસ કરીને અબોલા પશુઓના નિભાવ માટે
લોકો પોતાના પરસેવાની કમાણીમાંથી ઘાસચારો અને રંજકો ખરીદે છે. ત્યારે તેમાં પણ વજનની
ઉચાપત કરીને વધુ નફો રળવાની લાલચ રાખવી કેટલી હદે યોગ્ય છે? પશુઓના
પેટનો ખાડો પૂરવા માટે ખરીદવામાં આવતા ચારામાં જ ગેરરીતિ આચરવામાં આવે તો તેને વેપારની
નૈતિકતા નહીં, પરંતુ માનવતા સામેનો સવાલ જ કહી શકાય. ઉલ્લેખનીય
છે કે ચાલુ વર્ષે અપૂરતા વરસાદના કારણે દુષ્કાળ સર્જાતા ગ્રામ્ય વિસ્તારોમાં ઘાસચારા
અને રંજકાની તીવ્ર અછતની સ્થિતિ સર્જાઈ છે. પશુપાલકો અને પશુપ્રેમીઓ માટે અબોલા પશુઓનો
નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે. આવા કપરા સંજોગોમાં લોકો પશુઓ માટે ચારો ખરીદવા માટે
પણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ત્યારે તેમની મજબૂરીનો લાભ લઈને તોલમાપમાં ગેરરીતિ નો
કૃત્ય વધુ ગંભીર બની જાય છે. વજનમાં કેટલી ગેરરીતી આચરાઈ છે અને ચૂકવેલી કિંમત પ્રમાણે
પુરો જથ્થો મળે છે કે ન હી તે બાબતે તોલમાપ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ
પ્રબળ બની છે. વારંવારની ફરીયાદ છતા ય તપાસ કેમ ન કરાઈ તેવો સવાલ પણ જાણકારો કરી રહ્યા છે. આ બાબતે અંજાર ના ખેડૂત અગ્રણી ધનજીભાઈ
સોરઠિયા એ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું
કે તોલમાપ કચેરી આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી, વજનકાંટાની
ચકાસણી કરી અને ગેરરીતિ સાબિત થાય તો જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવી જોઇએ.
અબોલા પશુઓના નિભાવ માટે ખરીદવામાં આવતા ઘાસચારામાં પણ જો વજનની ઉચાપત થતી હોય તો તે
કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. તંત્ર શું કાર્યવાહી કરે છે તેના ઉપર સૌ કોઈની નજર
મંડાયેલી છે.