ભુજ, તા. 5 : અંધકાર પર પ્રકાશનો, અસત્ય પર સત્યનો અને નિરાશા પર આશાના વિજયના
પર્વ એટલે દિવાળી, સનાતન હિન્દુ સમાજના સૌથી મોટા દીપોત્સવી પર્વનો
આજથી આરંભ થઈ રહ્યો છે. દિવાળી પર્વની સમગ્ર દેશમાં આનંદ અને ઉલ્લાસ અને ઉત્સાહભર્યાં વાતાવરણમાં ઉજવણી
કરવામાં આવતી હોય છે, વાક્બારસ, ધનતેરસ,
કાળીચૌદસ, દિવાળી અને નવા વર્ષને આવકારવા લોકો
પોતાના ઘર, દુકાનોની રંગબેરંગી રોશની, આકર્ષક
રંગોળી, અવનવા તોરણ અને ફૂલોની સજાવટ સાથે દીવડાઓ પ્રગટાવી સજ્જ
બન્યા છે. કચ્છમાં અને ખાસ કરીને ભુજમાં વહેલી સવારે મંગળા આરતીનું વિશેષ મહત્ત્વ છે,
આ દીપોત્સવી તહેવારો દરમ્યાન ભુજમાં હાટકેશ્વર મંદિર, સોમનાથ મહાદેવમાં મંગળા આરતી થયા પછી ભાવિકો આશાપુરા મંદિર, સ્વામિનારાયણ, રઘુનાથજી, રામ દરબાર,
કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, સત્યનારાયણ મંદિર,
ખાખચોક હનુમાનજી, દ્વારિકાધીશ સહિતનાં મંદિરોમાં
વહેલી સવારે દર્શને ઊમટી પડશે. ધનતેરસ : આ દિવસે આરોગ્યના દેવતા તથા આયર્વેદના પ્રણેતા
ભગવાન ધન્વંતરીનું પૂજન કરવામાં આવે છે, સાથે સાથે આ દિવસે ધનના
દેવતા કુબેરની પૂજાનુંયે મહત્ત્વ હોવાથી આ દિવસે સોનું-ચાંદી ખરીદવું શુકનવંતુ ગણાય
છે અને લોકો તેની ખરીદી કરે છે. કાળીચૌદસ : નરક ચતુર્દશી તરીકે ઓળખાતા આ દિને યમરાજની
પૂજા કરવામાં આવે છે, જેથી અકાળ મૃત્યુને ટાળી શકાય છે,
તો આ દિવસ સાધકો માટે પણ મહત્ત્વપૂર્ણ છે. દિવાળી : અંધકાર પર પ્રકાશના વિજયનો પર્વ એટલે દીપોત્સવ, આ દિવસે ભગવાન રામચંદ્રજી 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી, રાવણ પર વિજય મેળવી અયોધ્યા પરત આવતાં અયોધ્યાવાસીઓએ તેમનું દીવા પ્રગટાવી
સ્વાગત કર્યું હતું, ત્યારથી દરેક સનાતની હિન્દુ સમાજ આ પર્વની
ઉજવણી કરે છે. બેસતું નવું વર્ષ : ગુજરાતી વિક્રમ સંવતનો પહેલો દિવસ એટલે બેસતું નવું
વર્ષ. આ દિને લોકો એકબીજાને ગળે મળી નવું વર્ષ શુભદાયી નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી
મીઠું મોઢું કરાવે છે.