• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

ભુજના જિનાલયોની 99 યાત્રાના પ્રારંભે 170 આરાધક જોડાયા

ભુજ, તા. 24 : આરાધના ભવન જૈનસંઘ ભુજના આંગણે અને ઉપક્રમે શ્રીમદવિજય કલ્પતરૂસૂરિશ્વરજી મ.સા.ની પ્રેરણાથી ચાતુર્માસ નિશ્રાદાતા આનંદવર્ધનસૂરિજી મ.સા., આત્મદર્શનસૂરિજી મ.સા. આદિઠાણા-18ની નિશ્રામાં શહેરના ઓછામાં ઓછા પાંચ શિખરબદ્ધ જિનાલય જુહારવા સ્વરૂપ 99 યાત્રાના પ્રારંભે 170 જેટલા આરાધક જોડાયા હતા. વાગડ સાત ચોવીસી જૈન સમાજ ભુજ અને જૈન યુવા ગ્રુપ ભુજના સહયોગથી આ 99 યાત્રાનો પ્રારંભ સંભવનાથ જિનાલય-આરાધના ભવનથી કરાયો હતો. બાદમાં સંભવનાથ જિનાલય (દાદાવાડી), શાંતિનાથ જિનાલય, પાર્શ્વનાથ જિનાલય અને આદિનાથ જિનાલય જુહારવામાં આવ્યા હતા. ઢોલ-શરણાઇના નાદથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. આ 99 યાત્રા પગપાળા કરવાની રહેશે જેમાં પાંચ જિનાલય સાથે મુનિસુવ્રત સ્વામી જિનાલયનો સમાવેશ કરાયો છે તેમજ આરાધક દરરોજ એક કરતાં પણ વધારે યાત્રા કરી શકશે. પાંચ જિનાલયની યાત્રા પૂર્ણ થયેથી એક યાત્રા સંપન્ન ગણાશે તેમ ઉમેર્યું હતું. આ અવસરે સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલભાઇ મહેતા, માનદમંત્રી ચંદુલાલભાઇ ગઢેચા હોદ્દેદારો, કારોબારી સમિતિના સભ્યો, યુવકો, ભાવિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આદિનાથ જિનાલયમાં રશ્મિરત્નસૂરિશ્વરજી મ.સા.ના આશીર્વાદ લીધા હતા તેવું મીડિયા કન્વિનર વેલજીભાઇ ગણેશભાઇ મહેતાએ જણાવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd