ભચાઉ, તા. 24 : અહીંના ઐતિહાસિક મેટકિયા કૂવાના
તીર્થસ્થાન ખાતે ભચાઉ રબારી સમાજ દ્વારા સવા કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરાયેલા રાજબાઈ
માતાજી મંદિરનો પુન: પ્રતિષ્ઠા મહોત્સવ 34 ગામના રબારી સમાજની હાજરીમાં યોજાયો હતો. મૂર્તિ પ્રતિષ્ઠાવિધિ
શાસ્ત્રી હરેશભાઈ ગિરજાશંકર જોશીએ કરાવી હતી. સમાજ દ્વારા તેમનું બહુમાન થયું હતું.
રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા,
ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, વડવાળા
જાગીરના મહંત રામબાલકદાસ બાપુ, વડવાળા મંદિરના મહંત કનીરામદાસજી
બાપુ, કોઠારી મુકુંદરામ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય માલતીબેને આ મંદિર શાંતિ પમાડે એવું સ્થાન હોવાનું કહી નવરાત્રિમાં
ભવ્ય મંદિર રબારી સમાજે નિર્માણ કરાવ્યું તે માતાજીની મોટી સેવા ભક્તિ સમાન હોવાનું
જણાવ્યું હતું. સંચાલન થાવરભાઈ રબારીએ સંભાળ્યું હતું. રબારી સમાજના વિવિધ ગામના મંદિરોના
ભુવાઓ હાજર રહ્યા હતા. 400 વર્ષ જૂના
આ ધર્મસ્થાન ખાતે કચ્છ વિચરણ દરમિયાન ભગવાન સ્વામિનારાયણ 20 વખત પગલાં કરી સ્નાન કરી થાળ
જમ્યા છે. આ પ્રસાદી સ્થાને ધ્રાંગધ્રાના પથ્થરો અને કારીગરો દ્વારા તૈયાર કરાયેલું
મંદિર ભચાઉની શોભા છે. ગાંધીધામ તરફથી ભચાઉ પ્રવેશતા જ માતાનું મંદિર ધ્વજાના દર્શન
થાય છે. જગ્યાના ભુવા બધાભાઈ કરસનભાઈ રબારીએ મહેમાનો, દાતાઓને આવકાર્યા હતા. આ પ્રસંગે ઉદ્યોગપતિ
પાલુભાઈ ગઢવી ભજનાનંદીએ ભજન ધામનું મકાન રબારી સમાજને ઉપયોગી બને તેનાથી રૂડું કાંઈ નથી. આ મારું નથી માતાજીનું છે તેમ કહી માતાજીને કામ
આવે એ હેતુથી આ મકાન અર્પણ કરાયું હોવાનું જણાવ્યું હતું. જો સમાજ હા પાડે તો રાજબાઈ
માતાજી સંકુલમાં જ અણુશક્તિ કેમિકલ, આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા
વૃક્ષો વાવીનો જતન કરી આરતી વન બનાવી આપવાની નેમ વ્યક્ત કરી હતી. રબારી સમાજના અગ્રણી ગુજરાત ગોપાલક વિકાસ બોર્ડના પૂર્વ ચેરમેન અરજણભાઈ
રબારીએ નવરાત્રિમાં બનેલા મંદિરમાં દર્શન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે પાલુભાઈ ગઢવીની
સેવાને બિરદાવી હતી. ભચાઉ સુધરાઈ પ્રમુખ પેથાભાઈ પરમાર, ઉપપ્રમુખ
ચંપાબેન અંબાવી ગોઠી, ભચાઉ તાલુકા રબારી સમાજના પ્રમુખ અને કુંભારડીના સરપંચ
દેવશીભાઈ રબારી, પત્રકાર મનસુખભાઈ ઠક્કર સહિતના હાજર રહ્યા હતા.