ભુજ, તા. 24 : કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં
વસતા લોકોને ઉત્તમ આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ
પટેલના હસ્તે કચ્છમાં કુલ 11 આરોગ્યલક્ષી
સુવિધાઓનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સુવિધાઓમાં રાપર તાલુકાના સુવઈ ખાતે
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી), કાનમેર અને કલ્યાણપર ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરો (સબ સેન્ટર), ભચાઉ તાલુકાના રતનપર ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર, નખત્રાણા
તાલુકાના કલ્યાણપર અને લક્ષ્મીપર ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરો, માંડવી તાલુકાના મોટા રતાડિયા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર, ભુજ તાલુકાના રેહા અને દિનારા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરો, બેલા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ગાંધીધામ ખાતે ઇન્ટિગ્રેટેડ પબ્લિક
હેલ્થ લેબોરેટરી (આઇપીએચએલ)નો સમાવેશ થાય છે. આ સુવિધાઓથી સ્થાનિક લોકોને નજીકના વિસ્તારમાં
પ્રાથમિક સારવાર અને તપાસ માટેની સેવાઓ ઉપલબ્ધ બનશે. ગાંધીધામ ખાતે ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરી
(આઇપીએચએલ)ના લોકાર્પણ ખાતે કચ્છ જિલ્લાનો કાર્યક્રમ યોજાયો હતો. આ લેબોરેટરીથી વિવિધ
રોગોની તપાસ અને રોગચાળાની દેખરેખ માટેની વ્યવસ્થા મજબૂત બનશે. આ કાર્યક્રમમાં નાયબ
મેયર નવીનભાઈ જરુ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસ શેઠ,
દંડક સુરેશભાઈ ધુઆ, નાયબ કમિશનર ઉર્વિશ વાળંદ,
અંજાર પ્રાંત અધિકારી સુરેશ ચૌધરી, મામલતદાર જાવેદ
સિંધી અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગ તરફથી જિલ્લા મુખ્ય આરોગ્ય
અધિકારી ડો. મિતેશ ભંડેરી, સીડીએમઓ ડો. કિશોર રોય, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અમીન અરોરા, ડો. દિનેશ
સુતરિયા અને ડો. હરીશ મટાણી હાજર રહ્યા હતા. આ તમામ સુવિધાઓ કાર્યરત થવાથી કચ્છ જિલ્લાના
અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓનું માળખું સુદૃઢ બનશે તેમ જિલ્લા પંચાયત
કચ્છની આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયું છે.