• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

વર્ષો પહેલાં ખાણ ચાલુ કરાઈ હતી, પણ ગુણવત્તાના કારણે બંધ : ખાડા પુરાયા નથી

દયાપર (તા. લખપત), તા. 24 : તાલુકાના ધારેશી ગામ પાસે આવેલ ગુજરાત ખનિજ વિકાસ નિગમ (જીએમડીસી)ની અકરી લિગ્નાઈટ ખાણ થોડા સમય ચાલુ રહ્યા પછી લિગ્નાઈટની ગુણવત્તા નહીં જળવાતાં બંધ કરવી પડી હતી. ઉપરાંત તેની આસપાસ વન્ય પ્રાણી અભ્યારણ્ય આવતાં પણ મુશ્કેલી થઈ હતી. 20 વર્ષથી આ ખાણ બંધ છે. બંધ થયેલી ખાણમાં કોલસો કાઢી લીધા પછી ખાડા નહીં પુરાતા તેમજ ઘણી જગ્યાએ લિગ્નાઈટનો જથ્થો ખુલ્લો થતાં હવામાં સળગી રહ્યો છે, જેના કારણે ધારેશી તેમજ આસપાસના વિસ્તારમાં લોકોને સ્વાસ્થ્ય બાબતે તકલીફ પડી રહી  છે. ધારેશીના અગ્રણી વેસલજી જાડેજાએ કહ્યું હતું કે, ખાડા કર્યા પછી તેમાં માટીનું પૂરણ થયું નથી. સળગતો કોલસો વાયુ પ્રદૂષણ ફેલાવી રહ્યો છે અને પર્યાવરણને પણ નુકસાન થાય છે. સળગતા કોલસાનો ધુમાડો 10 કિ.મી.ની ત્રિજ્યામાં ફેલાય છે, જેથી લોકોનાં સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. લિગ્નાઈટ લીઝ વિસ્તારનું નિરીક્ષણ કરી પ્રદૂષણ બોર્ડ દ્વારા સળગતા કોલસાનો ધુમાડો બંધ કરાય, ખાણ કામ બાદ જમીન  સમતલ કરાય, અન્યથા ગામ લોકો દ્વારા આગળની કાર્યવાહી કરવા ફરજ પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધારેશીની નજીક જ ખાણ વિભાગ હોતાં પ્રદૂષણનો પ્રશ્ન મોટો છે. ગામના લોકો ધંધાર્થે ઘણા પરિવાર ગુજરાત, મહારાષ્ટ્રમાં સ્થાયી થયા છે. ચોખ્ખી હવા માટે અહીં આવે અને થોડા સમય માટે રોકાય, તો અહીં પણ પ્રદૂષણ જોઈ નારાજગી વ્યક્ત કરે છે. સળગતો કોલસો જીએમડીસી દ્વારા ત્વરિત બંધ કરાય તેવી ગામલોકોમાં માંગ પ્રવર્તી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd