ઉદય અંતાણી અને કુલદીપ દવે દ્વારા : ગાંધીધામ, તા. 27 : દેશના મહાબંદરોને
કાર્ગો હેન્ડલિંગના આંકડાના આધારે કેન્દ્ર
સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડીને દેશના ચાર મહાબંદરને મેગા પોર્ટનો દરજ્જો અપાયો છે,
તેમાં દેશની કુલ આયાત-નિકાસનું 40 ટકા યોગદાન આપતા કચ્છના બે પોર્ટનો સમાવેશ છે, ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા પોર્ટને અપગ્રેડ કરાતાં કચ્છનો
પોર્ટ આધારિત વિકાસ બમણો બનશે, તેવી લાગણી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા
લોકોએ વ્યક્ત કરી હતી. - ઈન્ટરનેશનલ
મેરીટાઈમમાં કંડલા વધુ ઝળકશે : ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના એમ.ડી. નિમિષ ફડકેએ
જણાવ્યું હતું કે, કચ્છમાં એક્ઝિમ આધારિત ઉદ્યોગો મોટા પ્રમાણમાં આવી રહ્યા
છે. આ જાહેરાતથી ઓર ઉદ્યોગો આવશે અને રોકાણ વધશે. કંડલા બંદર ત્રણેક વર્ષથી મેગા પોર્ટની
દિશામાં કાર્ય કરી જ રહ્યું છે, પંરતુ હવે સત્તાવાર જાહેરાત થતાં
ઈક્વિપમેન્ટ, કાર્ગો હેન્ડલિંગ અને ગ્રીન હાઈડ્રોજનના ક્ષેત્રે
વિશેષ ફોકસ કરાશે. આ ઉપરાંત ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપીયન કોરિડોર સાથે કંડલા સંકળાશે,
જેથી આંતરરાષ્ટ્રીય સમુદ્રી
વ્યાપારમાં કંડલા વધુ સારી રીતે ઊભરી આવશે તેવું જણાવ્યું હતું. - બંને પોર્ટને પ્રોત્સાહન આપવાનું
પગલું : કચ્છની અગ્રણી વ્યાપારી સંસ્થા ગાંધીધામ
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડ અને માનદમંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું
કે, કંડલા અને મુંદરા બંદરને મેગા પોર્ટ બનાવવાના સરકારના નિર્ણયથી આ બંને મહાબંદરને વધુ પ્રોત્સાહન આપવાની દિશામાં
સરકારે પગલું ભર્યું છે તેમજ આ નિર્ણયના આધારે
પોર્ટને વિશ્વ કક્ષાના પોર્ટ બનાવવાની દિશામાં સરકારે પ્રયાસ આદર્યા છે. મેગા પોર્ટની પરિભાષામાં આધુનિક સાધનો, વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાનો સમાવેશ
થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, ગાંધીધામ ચેમ્બરની વર્ષોની માંગ છે કે, નવી જેટીઓ બનાવવામાં
આવે, હવે મેગા પોર્ટ જાહેર થયું છે ત્યારે નવી જેટીના નિર્માણની
ત્વરિત કામગીરી કરાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. - શિપિંગ, ટ્રાન્સપોર્ટ વ્યવસાયને વેગ મળશે : તાજેતરમાં
જ રચાયેલી સંકુલની વ્યાપારી સંસ્થા કંડલા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના
પ્રમુખ દિનેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, કંડલા
બલ્ક કાર્ગોમાં અને મુંદરા કન્ટેનર
કાર્ગોમાં નંબર વન છે. બંને મહાબંદરની ક્ષમતા
વધારવાના હેતુથી જ સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. મેગા પોર્ટ બનવાથી કંડલા મુંદરા સહિતના વિસ્તારનો
નોંધપાત્ર વિકાસ થશે તેમજ નવા પોર્ટ આધારિત ઉદ્યોગો અહીં આવશે જેનાથી શિપિંગ,
કન્ટેનર અને ટ્રાન્સ્પોર્ટ ઉદ્યોગને વેગ મળશે તેવું તેમણે ઉમેર્યું હતું. - દેશનુ અર્થતંત્ર વધુ મજબૂત
બનશે : ગાંધીધામના શિપિંગ ઉદ્યોગકાર પ્રશાંત કેલાએ જણાવ્યું હતું કે, ભારત સરકાર વિદેશવેપારને મજબૂત કરવા માટે જુદા-જુદા
દેશો સાથે નોંધપાત્ર કરાર કરવામાં આવ્યા છે, તેવામાં કંડલા અને
મુંદરાને મેગા પોર્ટ જાહેર કરવા સાથે અહીં આયાત-નિકાસ કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં વધારો થશે.
પહેલાં કેટલીક પ્રતિબંધિત આઈટમો ચોક્કસ પોર્ટ ઉપરથી આવશ્યક મંજૂરી સાથે આયાત કરી શકાતી
હોય છે. મેગા પોર્ટની શ્રેણીમાં આવવાથી અનેક પ્રકારની છૂટછાટ મળશે. કંડલા પોર્ટને મેગા
પોર્ટ બનાવવા માટે છેલ્લા લાંબા સમયથી પ્રયાસો હાથ ધરી અનેક વિકાસલક્ષી પ્રકલ્પો પહેલાંથી
હાથ ધરાયા છે. સરકારના નિર્ણયથી દેશનું અર્થતંત્ર
વધુ મજબૂત બનશે. - રોકાણકારો
માટે આકર્ષણ : ગાંધીધામના
શિપિંગ ઉદ્યોગકાર નિલય વૈદ્યે કહ્યું હતું
કે, કંડલા-મુંદરાને મેગા પોર્ટમાં
સમાવિષ્ટ થવાથી પાયાની સુવિધામાં વધારો થશે. ઈન્ફાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા સાથે ઓટોમેશન
સહિતની આધુનિક સવલતો ઊભી કરાશે. ઓપરેશનની પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે. વિશ્વકક્ષાએ
હરીફાઈ આપવા માટે સજ્જ બનવાની દિશામાં આગળ વધવા જઈ રહેલા કચ્છના બે મેગા પોર્ટ
રોકાણકારો માટે આકર્ષણ ઊભું કરશે. - કચ્છમાં બે મેગા પોર્ટ ઐતિહાસિક સિદ્ધિ : ગાંધીધામ ચેમ્બરના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગકાર મહેશ પુંજે કહ્યું હતું કે, દેશના કોઈ પણ જિલ્લામાં બે-બે મેગાપોર્ટ હોવાની બાબત આવકાર અને સિદ્ધિજનક છે. વિશ્વની બજારના
આયાત-નિકાસકારો મેગા પોર્ટની શ્રેણી લઈને આકર્ષણ સાથે પોતાની પહેલી પસંદગી અહીં ઉતારશે. ઈન્ફાસ્ટ્રક્ચર વિસ્તાર સાથે આ મેગા પોર્ટ
વિકાસની નવી કેડી કંડરાશે. કંડલા એરપોર્ટના વિસ્તરણ સાથે અહીંથી પૂરતા પ્રમાણમાં એર
કનેક્ટિવિટી શરૂ થવાની અનેક રોકાણકારો, પ્રવાસીઓ સહિતના અનેક
લોકો માટે રાહતરૂપ સાબિત થશે.