ભુજ, તા. 27 : ગ્લોબલ ટૂરિઝમ ક્ષેત્રે ગુજરાતને
નવી ઊંચાઈઓ પર લઈ જવાના સંકલ્પ સાથે વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે ગિફટ સિટીમાં ગાંધીનગર
ખાતે ‘Celebrating Gujarat
Tourism Year: Timeless Gujarat Countless Experiences’ થીમ હેઠળ
એક રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
અને પ્રવાસન વિભાગના રાજ્યમંત્રી ડો. જયરામભાઈ
ગામિતની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં કચ્છ યુનિ. અને ગુજરાત પ્રવાસન નિગમ
લિમિટેડ વચ્ચે મહત્ત્વના એમઓયુ કરાયા હતા. શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ
ડો. મોહન પટેલ તથા કચ્છ યુનિવર્સિટીના પ્રવાસન પ્રવૃત્તિઓના નોડલ ઓફિસર ડો. ગૌરવ ડી. ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ `ગુજરાત પ્રવાસન વર્ષ'ના લોગોનું તથા ગુજરાત ફિલ્મ શાટિંગ સિંગલ વિન્ડો
સિસ્ટમ પૉર્ટલનું લોન્ચિંગ કર્યું હતું સમારોહ
દરમિયાન પ્રવાસન નિગમ અને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી વચ્ચે કચ્છમાં
પ્રવાસન ક્ષેત્રે કૌશલ્ય, તાલીમ, સંશોધન
અને શૈક્ષણિક સહયોગને વધુ મજબૂત બનાવવા માટે એક સીમાચિહ્નરૂપ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં
આવ્યા હતા. ભવિષ્યની રૂપરેખા અને માર્ગદર્શિકા માટે પ્રવાસન નિગમના મેનાજિંગ ડિરેક્ટર
ડો. વિપિન ગર્ગ અને સ્પેશિયલ ડ્યુટી ઓફિસર, એચ. એમ. સોલંકીનું
માર્ગદર્શન મળ્યું છે. આગામી સમયમાં પ્રવાસન ક્ષેત્રે ડિજિટલ ટૂરિઝમ અને આર્ટિફિશિયલ
ઇન્ટેલિજન્સ ટૂરિઝમ જેવા નવા પાસાંઓ શરૂ કરવામાં
આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ સહભાગીઓને
અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે આપણે સૌએ સાથે મળીને ગુજરાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય
પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન ક્ષેત્રનો સામૂહિક અને સહયોગી વિકાસ કરવાનો છે,
જેમાં વ્યવસ્થા, સુવિધાઓ, સેવાઓ, હોસ્પિટાલિટી અને પ્રવાસનના તમામ ક્ષેત્રોમાં
ગુણવત્તામાં સુધારો, સ્વચ્છતા અને આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવું
પડશે. આ ઐતિહાસિક ભાગીદારી અંતર્ગત યુનિવર્સિટી
અને ટીસીજીએલ સંયુક્તપણે કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે વ્યાપક વિકાસ કાર્યો હાથ ધરશે,
આગામી સમયમાં યુનિવર્સિટી દ્વારા 20થી વધુ પ્રવાસન સંબંધિત રેસિડેન્સિયલ કોર્સિસ
અને 20થી વધુ વિશેષ પ્રવાસન જાગૃતિના કાર્યક્રમોનું
આયોજન કરવામાં આવશે. કચ્છના 150થી વધુ પ્રવાસન
સ્થળોની ઓળખ, સંરક્ષણ અને બહુભાષી ડિજિટલ કન્ટેન્ટ ક્રીએશન તથા ડિજિટલ પ્લેટફોર્મ
અને સાઈનેજ બોર્ડ વિકસાવવાનું કાર્ય કરવામાં આવશે. કચ્છ યુનિવર્સિટીમાં `સેન્ટર ફોર સ્કિલ ડેવલપમેન્ટ' નામના વિશેષ વિભાગની મંજૂરી આપવામાં આવી છે,
જેના દ્વારા બેચલર, માસ્ટર્સ અને ડોક્ટરલ ડિગ્રી
માટે પ્રવાસન અને હોસ્પિટાલિટી સહિતના વિવિધ કૌશલ્યોના ગ્રાન્ટ-ઇન-એઇડ અભ્યાસક્રમો
શરૂ થશે. કચ્છમાં ઓછામાં ઓછા 100 નવા ટૂરિસ્ટ ગાઇડ્સ માટે વિશેષ તાલીમ સત્રોનું આયોજન કરવામાં
આવશે. આ કરાર થકી સ્થાનિક સમુદાયો, યુવાનો અને હોસ્પિટાલિટી ઉદ્યોગ માટે રોજગારી તથા ઉદ્યોગસાહસિકતાની વિપુલ તકો
ઊભી થશે, જે કચ્છને વૈશ્વિક પ્રવાસન નકશા પર વધુ મજબૂત સ્થાન
અપાવશે. ઉલ્લેખનીય છે કે કચ્છ યુનિવર્સિટી
દ્વારા અગાઉ પણ પ્રવાસન જાગૃતિ માટે રાષ્ટ્રીય પરિષદો, વર્કશોપ
અને તાલીમ સત્રો સફળતાપૂર્વક યોજવામાં આવ્યા છે. હોમસ્ટે ઓનર તથા ટૂર ગાઇડની પ્રેરણારૂપ
સાફલ્યગાથા અંતર્ગત કચ્છના ટૂર ગાઇડ કેતનગિરિ
ગોસ્વામી વિશે વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. - કચ્છ યુનિવર્સિટીમાં
21મા યુવક મહોત્સવના સાહિત્યની
સ્પર્ધાઓના વિષયો જાહેર કરાયા : ભુજ,
તા. 27 : આગામી તા.
29 અને 30 સપ્ટેમ્બરના કચ્છ યુનિવર્સિટીમાં
21મા યુવક મહોત્સવ `અભિવ્યક્તિ-2026'નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1500 કરતાં પણ વધારે વિદ્યાર્થી
જુદી-જુદી ઈવેન્ટમાં પોતાનું કૌશલ્ય દાખવવા માટે થનગની રહ્યા છે. જે અંતર્ગત સાહિત્યની
વકતૃત્વ, ડિબેટ અને ક્વીઝ જેવી સ્પર્ધાઓ પણ યોજાવાની
છે. આ સ્પર્ધાઓનું આયોજન સંયોજક ડો. કાશ્મીરા મહેતાના નેતૃત્વ હેઠળ ડો. નંદલાલ છાંગા
સંભાળી રહ્યા છે, જેમાં વકતૃત્વ અને ડિબેટ સ્પર્ધા માટેના વિષયો યુનિવર્સિટી દ્વારા જાહેર
કરવામાં આવ્યા છે. તા. 29મી સપ્ટેમ્બરના
સવારે 11 કલાકેથી યુનિવર્સિટીનાં કોર્ટહોલમાં
યોજાનાર વકતૃત્વ સ્પર્ધા માટેના વિષયો કચ્છ : વારસાથી વિકાસ તરફ, ડિજિટલ યુગમાં માનવીય સંબંધો રહેશે અને પછી
મને મારી જવાબદારીનો અહેસાસ થયો. ભાગ લેનાર ગુજરાતી, હિન્દી,
અંગ્રેજીમાં રજૂઆત કરી શકશે. તા. 29મી સપ્ટેમ્બરના બપોરે 3 કલાકેથી યુનિવર્સિટીના કોર્ટહોલમાં યોજાનાર
ડિબેટ સ્પર્ધા માટેના વિષયો (1) ગુરુકુળ અને
યુનિવર્સિટી, ભારતની પ્રાચીન શિક્ષણ
પદ્ધતિ અને આધુનિક શિક્ષણ પદ્ધતિ, (2) અભિવ્યક્તિની આઝાદી : જરૂરી કે બિનજરૂરી?, માનવ : ટેક્નોલોજીનો સ્વામી કે ગુલામ?
રાખવામાં આવ્યા છે.