કોટડા ચકાર (તા. ભુજ), તા. 27 : અંજાર તાલુકાના
મથડા ગામે ગુજરાતી ભાષી તેમજ મુસ્લિમ ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ડુંગળીનો પાક લેવામાં
આવે છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી સ્વાદ, કદ અને ટકાઉપણામાં જાણીતી હોવાથી આ ડુંગળીએ કચ્છમાં આગવી ઓળખ ઊભી કરી છે. કચ્છની
હોટલ, લોજ અને ભોજનાલયોમાં રહેતી ડુંગળીની માંગનો મોટો હિસ્સો
મથડાની ડુંગળી દ્વારા પૂરો થતો હોવાનું ખેડૂતો અને સ્થાનિક વેપારીઓ જણાવે છે. ડુંગળીના
પાક માટે ખેડૂતોને સાડા ચાર મહિના સુધી સતત પાણી, ખાતર અને માવજત
કરવી પડે છે. યોગ્ય ખેતી અને માવજત કરવામાં આવે તો એકરદીઠ અંદાજે 300થી 400 મણ સુધી ડુંગળીની પેદાશ થઈ
શકે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ મથડા ગામમાં દર વર્ષે અંદાજે બે લાખથી વધુ મણ ડુંગળીનું
ઉત્પાદન થતું હોવાનો અંદાજ છે. ભુજ તાલુકાના
માનકુવા ગામની ડુંગળી પણ ગુણવત્તા, સ્વાદ અને ટકાઉપણાને કારણે વિખ્યાત છે. મથડા-માનકુવાની ડુંગળી કચ્છના વિવિધ
વિસ્તારો ઉપરાંત કચ્છ બહારના બજારોમાં પણ પહોંચતી હોવાનું સ્થાનિક વેપારીઓ જણાવે છે. મથડા-માનકુવાની ડુંગળીની એક વિશેષતા એ છે કે તેને
લાંબા સમય સુધી સાચવી શકાય છે. ખેડૂતો શેડમાં ડુંગળીનો સંગ્રહ કરી રાખે છે અને બજારમાં
માંગ તથા ભાવને ધ્યાનમાં રાખીને તેનું વેચાણ કરે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડુંગળી
સાતથી આઠ મહિના સુધી સંગ્રહ કરી શકાય છે. - વધતા ભાવથી ગૃહિણીઓનું બજેટ
ખોરવાયું : બીજી તરફ હાલમાં ગરીબોની કસ્તુરી ગણાતી
ડુંગળીનો ભાવ રૂા.80 પ્રતિ કિલો
આસપાસ પહોંચી ગયો હોવાનું સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે. આગામી દિવસોમાં ભાવ રૂા.100 પ્રતિ કિલો સુધી પહોંચે તેવી
શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. લસણનો ભાવ પણ આશરે રૂા.200 પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે.
તાલુકાના કેટલાક ગામડાઓમાં અગાઉ રૂા.20 પ્રતિ કિલોના ભાવે મળતા બટાટા હવે રૂા.30 પ્રતિ કિલો સુધી વેચાતા હોવાનું
સ્થાનિકો જણાવી રહ્યા છે. ડુંગળી, લસણ અને
બટાટા જેવી રાજિંદા વપરાશની ચીજવસ્તુઓના ભાવ વધતા ગૃહિણીઓના ઘરેલું બજેટ પર સીધી અસર
પડી રહી છે. ગૃહિણીઓના જણાવ્યા મુજબ શાકભાજીના ભાવમાં વધઘટને કારણે માસિક ઘરખર્ચનું
બજેટ જાળવવું મુશ્કેલ બની રહ્યું છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે ડુંગળી-રોટલી પણ મોંઘી
બનતી જાય છે.