• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

નવી ધાણેટી પાસે બાઈકને અજાણ્યાં વાહને ટક્કર મારતાં માધાપરના પ્રૌઢનું મોત

ભુજ, તા. 27 : તાલુકાના નવી ધાણેટી પાસે ગઈકાલે સાંજે અજાણ્યાં વાહને બાઈકને ટક્કર મારતાં બાઈકચાલક 60 વર્ષીય પ્રૌઢ અતુલ જેન્તીલાલ વરુ (મિત્રી)નું ગંભીર ઈજાના પગલે મોત થયું હતું, જ્યારે ત્રણ દિવસ પહેલાં લખપતના સાયણ પાસે ઈ-વિટારા અને બોલેરો મેક્સ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બોલેરોચાલક મહેબૂબ સલીમ લુહાર (રહે. સુરલભિટ્ટ, નખત્રાણા)નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. માધાપર (જૂનાવાસ)માં રહેતા અતુલભાઈ વરુ ગઈકાલે સાંજે 7.50 વાગ્યાની આસપાસ બાઈક નં. જીજે 12 એન 5297વાળી લઈને નોકરીથી પરત ફરી રહ્યા હતા ત્યારે નવી ધાણેટી બસ સ્ટેશન પાસેના માર્ગ પરથી પસાર થતા હતા ત્યારે અજાણ્યાં વાહને ટક્કર મારતાં હાથ-પગ અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અતુલભાઈને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. બનાવ અંગે પદ્ધર પોલીસ મથકે મૃતકના પત્ની નીતાબેને ફરિયાદ નોંધાવતા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી હતી. બીજી તરફ ગત તા. 24/9ના બપોરે લખપતના સાયણ ગામનાં બસ સ્ટેશનથી આગળ રોડ પર ઈ-વિટારા નં. જીજે-06-આરએફ-7074વાળાના ચાલકે તેની ગાડી પૂરઝડપે બેદરકારીથી ચલાવી બોલેરો મેક્સ નં. જીજે-12-એઝેડ-0458વાળી સાથે ભટકાવી અકસ્માત સર્જતાં બોલેરો મેક્સના ચાલક મહેબૂબ લુહારને ગંભીર પ્રકારની ઈજા પહોંચતાં પ્રથમ તેને દયાપર અને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. મહેબૂબના ફઈયાઈ ભાઈ સદામ રાયમાએ ઈ-વિટારાના ચાલક વિરુદ્ધ નારાયણ સરોવર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચાલક વિરુદ્ધ માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજાવ્યા અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd