• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

મોટી વિરાણીના સંત શાંતિદાસજી બ્ર્રહ્મલીન થયા

વિરાણી મોટી (તા. નખત્રાણા), તા. 27 : અહીંના રવિભાણ આશ્રમ રામમંદિરના મહંત સંત શાંતિદાસજી મહારાજ હિમાલયના બદ્રીનાથ ધામમાં તા. 26-9-26 શનિવારે પૂર્ણિમાની રાત્રે બ્રહ્મલીન થતાં સાધુ-સંત સમાજ, વિશાળ ભાવિક-ભક્ત સમુદાયમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી. તેમનું નખત્રાણા તાલુકાના જતાવીરા ગામે પૂર્વાશ્રમના પિતા માવજીભાઇ ગોવિંદભાઇ તેજાણી (કાનાણી), માતા જીવામા પાટીદાર કુળમાં તા. 29-4-1973ના પ્રાગટ્ય થયું હતું. છ વર્ષની કુમળી વયે મોટી વિરાણીના રવિભાણ આશ્રમ રામમંદિરના મહંત લક્ષ્મીદાસજી મહારાજ ગુરુ પ્રિયાદાસજી મહારાજ પાસેથી ગુરુ દીક્ષાની કંઠી ગ્રહણ કરી હતી. છ વર્ષ પછી મહંત બ્રહ્મલીન થતાં ગાદીપદે શિષ્ય શાંતિદાસજી 12 વર્ષની ઉંમરે ચાદરવિધિથી મહંતપદે નિયુક્ત થયા. તેમણે મોરબી કબીર આશ્રમમાં મહંત શિવરામ બાપુ પાસે રહી શાત્રોનો અભ્યાસ કર્યો. દરમ્યાન વિરાણી આશ્રમની જવાબદારી આવી પડતાં આશ્રમમાં ભુખ્યાને ભોજન, થાકયાને ઓટલાની સાથે સંતો -ભાવિકભક્તો માટે અન્નક્ષેત્ર, ગૌસેવામાં કાર્યરત રહી સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર માટે દેશભરના સનાતની ભાવિક પરિવારોને શ્રેયનો માર્ગ બતાવ્યો. વર્ષ 2025માં પ્રયાગરાજના મહાકુંભના મેળામાં રવિભાણ સંત પરંપરાના આદર્શોને અનુસરી મહાકુંભ મેળામાં સાધુ-સંતો, ભાવિક ભકતો માટે અન્નક્ષેત્ર તથા આરામની વ્યવસ્થા માટે કેમ્પનું આયોજન કર્યું હતું. દરમ્યાન પ્રયાગરાજમાં વિવિધ સંત પરંપરાના સંતો, મહંતો દ્વારા ભાવિકોની ઉપસ્થિતિમાં શાંતિદાસજી મહારાજનો શ્રીમદ્ જગદગુરુ શ્રી કબીર રવિભાણ દ્વારાચાર્ય અનંત વિભૂષિત શ્રીશ્રી 1008 સ્વામી તરીકે પદાભિષેક કરાયો હતો. 2025માં આસો સુદ પૂનમ (શરદપૂર્ણિમા)ના દિવસે બદ્રીનાથ ધામમાં સ્થાપિત હરિનારાયણ રવિભાણ આશ્રમનું મંગળાચરણ સાધુ-સંતો, ભાવિકોની વિશાળ ઉપસ્થિતિમાં રવિભાણ સંત પરંપરાની મૂળ ગાદી કમીજલાના મહંત  જાનકીદાસજી મહારાજના હસ્તે  કરાયું હતું. ત્યારથી બ્ર્રહ્મલીન શાંતિદાસજી મહારાજે બદ્રીનારાયણ આશ્રમ તથા વિરાણી રવિભાણ આશ્રમની સેવાઓ અવિરત ચાલુ રાખી છે, સાથે શિષ્ય લઘુમહંત સુરેશદાસજી બાપુ સેવા-સત્સંગ વિવિધ સેવા પ્રવૃત્તિમાં સહયોગી રહ્યા છે. બ્રહ્મલીન સંતને કમીજલાના મહંત જાનકીદાસજી મહારાજ, દેવનાથબાપુ -ભચાઉ, હિંગરિયાના મહંત કલ્યાણદાસજી મહારાજ, સામખિયાળીના ભગવતાનંદજીગિરિ, બિબ્બરના મહંત જગજીવનદાસજી મહારાજ, મોરજરના મહંત દિલીપરાજા કાપડી, રાજડા ટેકરીના મહંત અર્જુનનાથજી બાપુ, ના.સરોવર જાગીરના સોનલલાલજી મહારાજ, લીફરીના હરિસંગજી દાદા, ધીણોધર થાન જાગીરના સોમનાથજી દાદા, મહેશનાથજી દાદા, ચિત્રાધાર ટેકરીના બાલકદાસ બાપુ, કબીર મંદિર (ભુજ)ના કિશોરદાસજી, વીનેશ સાધુ, હરિદ્વાર કચ્છી આશ્રમના મહંત હરિદાસજી મહારાજ, ટ્રસ્ટી પઠાઇભાઇ ભાનુશાલી, જીતુ ભગત (વાંઢાય), ભજનિક દેવરાજ ગઢવી, સાહિત્યકાર રમેશભાઇ જોશી (માંડવી), કવિ નારાયણ જોશી (કારાયલ), બંધરાના જગદીશદાસ મહારાજ સહિત દેશ-પરદેશના વિવિધ ગામોના સેવક-અગ્રણી સહિતે શ્રદ્ધાંજલિ આપી હતી. સાંસદ વિનોદ ચાવડા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, અ.ક. રઘુવંશી ગ્રુપના પ્રમુખ રાજેશભાઇ પલણ, નવીનભાઈ આઈયા, લોહાણા, અનુ.જાતિ, મુસ્લિમ, સઇ સુતાર, સોની, દરજી, ગોસ્વામી સહિત સમસ્ત વિષ્ણુ સમાજના અગ્રણીઓએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. તાજેતરમાં ભુજ ખાતે લોહાણા જ્ઞાતિના યોજાયેલા સમૂહલગ્નોમા સંત શાંતિદાસજી મહારાજની રક્તતુલા કરવામાં આવી હતી. - કચ્છી સાહિત્યના ચાહક સંત : શાંતિદાસજી કચ્છી સાહિત્યના સાચા મરમી હતા. તેઓએ કલ્યાણદાસજી મહારાજ અને દિલીપરાજા કાપડી સાથે આકાશવાણી ભુજમાં રામનવમીના ગૌતમ જોશી લિખિત કચ્છી `રામાયણ'ની શ્રેણી `વંદન હે રઘુનંદન' સ્પોન્સર કરાવી હતી. જેના ડાયરેકટર તરીકે જયંતી જોશી `શબાબ' હતા. રામાયણના વાચક તરીકે મદનકુમાર અંજારિયા `ખ્વાબ' હતા. સંગીતકાર તરીકે યશ અંતાણી રહ્યા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd