ગાંધીધામ, તા. 27 : શહેરના જીઆઇડીસી નજીક આવેલી
બાવળની ઝાડીમાં અચાનક આગ લાગતાં ભારે દોડધામ થઇ પડી હતી. આ આગ કેમિકલનાં કારણે લાગી
હતી કે બળેલાં ઓઇલમાં કોઇએ આગચંપી કરી હતી તે સહિતના પ્રશ્નો બહાર આવ્યા હતા. શહેરના
જીઆઇડીસી નજીક આવેલી બાવળની ઝાડીમાં સમયાંતરે આગના બનાવો પ્રકાશમાં આવતા હોય છે. થોડા
સમય અગાઉ અહીં ભંગારમાં આગ લાગતાં ભારે દોડધામ થઇ પડી હતી. લોકોના જીવ પડીકે બંધાયા
હતા. અગ્નિશમન દળોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ વિસ્તારમાં વારંવાર
આગના બનાવોથી વાતાવરણ દૂષિત થઇ રહ્યું છે. છતાં તંત્ર આ અંગે પગલાં ન ભરતુ હોવાની લાગણી
લોકોમાં પ્રસરી છે. તેવામાં અહીં ફરીથી આગના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. બાવળની
ઝાડીઓમાં કોઇએ કેમિકલ અથવા બળેલું ઓઇલ ઢોળીને તેમાં આગ લગાવી હોવાની વાતો સપાટી ઉપર
આવી હતી. આગના આ બનાવથી આસપાસના લોકોમાં રોષની લાગણી પ્રસરી છે.