ભુજ, તા.27 : કચ્છમાં પણ અન્ય સ્થળોની જેમ
અથવા કહો કે અન્ય સ્થળો કરતાં વધુ ઝડપથી નવાં વાહનો ખરીદવા અને ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું
ચલણ વધ્યું છે. સરનામામાં ફેરફાર કે અન્ય કારણસર આરસી બુક કે ડ્રાઈવિંગ લાયસન્સ ટપાલમાં
તેના માલિક સુધી ન પહોંચે તેવું પણ બનતૃ હોય છે. આમ તો આ બંને દસ્તાવેજ ઘણા જ મહત્ત્વના
છે તેમ છતાં આખા જિલ્લામાં દોઢ વર્ષના ગાળામાં 2800 કરતાં પણ વધુ આરસીબુક મૂળ માલિકનું સરનામું ન મળતાં પરત આવી
હતી અને હજુ પણ પાંચસોથી વધુ આરસી બુકના કોઈ `લેવાલ' જ નથી! એ જ રીતે અંદાજે 500થી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ પણ
તેના માલિક ક્યારે લેવા આવે તેની રાહ જોતા ભુજ અને અંજારની આરટીઓ કચેરીમાં પડયા છે.
થોડા વર્ષ અગાઉ ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુક
જે-તે વાહન વ્યવહાર અધિકારીની કચેરી ખાતેથી જ મળી જતા હતા પરંતુ આ વ્યવસ્થામાં
`પહોંચેલા પામેલા' પોતાનો આર્થિક લાભ અંકે કરીને અરજદારને ઘેરબેઠા
જ મહત્ત્વના દસ્તાવેજ પહોંચાડતા હોવાની વ્યાપક ફરિયાદો ઊઠતી હતી બાદમાં તમામ આરટીઓમાંથી
લાયસન્સ અને આરસી બુકની રવાનગી પ્રક્રિયા એકીકૃત કરવામાં આવતાં કામગીરી પારદર્શક બની
હતી અને ગાંધીનગર કચેરીએથી ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુક અરજદારોને તેમના સરનામે
સ્પીડ પોસ્ટથી મોકલવાની પ્રક્રિયા અમલી બની હતી જે હજુ પણ ચાલુ છે. હાલમાં પણ સામાન્ય
સંજોગોમાં વાહન ખરીદ્યાના દસેક દિવસમાં અને લાયસન્સની પરીક્ષના પાસ કર્યાના સપ્તાહ
જેટલા સમયમાં બંને દસ્તાવેજ સ્પીડ પોસ્ટથી અરજદારને મળી જતા હોય છે. દરમ્યાન,
સરનામામાં વિસંગતતા અથવા અન્ય કારણે ઘણી વખત અરજદારોને તેમના ડ્રાઈવિંગ
લાયસન્સ કે આરસી બુક અરજદારને મળ્યા વિના પરત ફરતા હોય છે. આવા પરત આવેલા દસ્તાવેજ
અરજદારને રૂબરૂમાં આપવાની સુવિધા પણ આરટીઓ કચેરીમાં કરવામાં આવી છે. - કઈ રીતે લાયસન્સ-આરસી પરત લેવાં? : આરટીઓમાં માલિક સુધી પહોંચવામાં નિષ્ફળ
રહેલા લાયસન્સ અને આરસી બુક તેના માલિકને મળે એ માટે કચેરીમાં અલાયદી વ્યવસ્થા કરવામાં
આવી છે. જેઓ લાંબા સમયથી લાયસન્સ અને આરસી બુકની ટપાલમાં રાહ જોવે છે તેમણે આરટીઓ ખાતે
આધારકાર્ડ સાથે જાતે આવીને અલાયદા વિભાગનો સંપર્ક કરે તો તેમને તેમના દસ્તાવેજ આપવામાં
આવે છે. - દોઢ વર્ષમાં પ.કચ્છની 1993 આરસી બુક પરત આવી : ભુજ આરટીઓ પાસેથી મળતા આંકડા અનુસાર પહેલી
જાન્યુઆરી 2025થી જુલાઈ 2026 સુધીમાં 1993 આરસી બુક પરત આવી હતી જેમાંથી
1621 આરસી બુક અરજદારો લઈ ગયા છે
અને 372 જેટલી આરસી બુક હજુ પણ કચેરીમાં
પડી છે. એ જ રીતે 744 લાયસન્સ પરત
આવ્યા હતા જેમાંથી 663 લાયસન્સ પરત
આપી દેવાતાં હાલમાં 81 લાયસન્સ લેવાલના
અભાવે પડયાં છે. - અંજાર કચેરીએ
517 લાયસન્સ પાછાં ફર્યાં : અંજાર આરટીઓ કચેરીમાંથી મળતા આંક મુજબ અત્યાર
સુધીમાં 670 નોન ટ્રાન્સપોર્ટ અને 170 ટ્રાન્સપોર્ટ આરસી બુક અરજદારને
મળ્યા વિના પરત આવી હતી જ્યારે 517 જેટલાં લાયસન્સ
પણ પરત ફર્યા હતા. જોકે આ બંને પરત આવેલા દસ્તાવેજમાંથી કેટલા દસ્તાવેજ તેના મૂળ માલિક
લઈ ગયા તેની વિગતો કચેરીમાંથી મળી શકી ન હતી.