ભુજ, તા. 15 : બંગાળની ખાડીમાં સર્જાયેલ હવાના
હળવા દબાણની અસર તળે રાજ્યની સાથે કચ્છમાં પણ સાર્વત્રિક મેઘકૃપા વરસી છે. 7મી જુલાઈના કચ્છમાં ચોમાસાએ વિધિવત પ્રવેશ
કર્યો ત્યારથી જિલ્લામાં સિઝનનો માત્ર 29 ટકા વરસાદ પડયો હતો. પણ છેલ્લા બે દિવસ દરમિયાન વરસેલી મેઘવૃષ્ટિ
બાદ કચ્છના સરેરાશ વરસાદનો આંકડો 56.40 ટકાએ પહોંચ્યો છે. આમ બે દિવસમાં કચ્છમાં સિઝનનો 27 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.
કચ્છનો સરેરાશ વરસાદ 499.80 કિ.મી.
એટલે કે 20 ઈંચ જેટલો છે, જેની સામે અત્યાર સુધી 281 મિ.મી. એટલે કે 11 ઈંચ કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો
છે. જિલ્લામાં સૌથી વધુ 79 ટકા વરસાદ
રાપરમાં વરસ્યો છે, તો સૌથી ઓછો
સિઝનનો 37.85 ટકા વરસાદ અબડાસા તાલુકામાં
નોંધાયો છે. નખત્રાણા અને લખપતને બાદ કરતાં બાકીના છ તાલુકામાં 50 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો
છે. કચ્છમાં છેલ્લા છ વર્ષથી સરેરાશ કરતાં વધુ વરસાદ વરસી રહ્યો છે. આ વખતે અછતના મંડરાતા
સંકટ વચ્ચે અત્યાર સુધી સિઝનનો અડધો વરસાદ જ પડયો છે. આ બે દિવસની મેઘકૃપાનાં કારણે
કચ્છની વરસાદી ઘટ થોડી હળવી થઈ છે. - સક્રિય સિસ્ટમ રિટર્ન થઇ કચ્છ
તરફ આવવાનો વર્તારો : ભુજ, તા. 15 : કચ્છમાં સાર્વત્રિક મેઘકૃપા વરસાવ્યા બાદ આજે બપોર બાદથી જિલ્લામાં
વરસાદે વિરામ લીધો છે. હજુ આગામી 24 કલાક દરમ્યાન મેઘવિરામની આ સ્થિતિ જળવાયેલી રહેશે. દરમ્યાન, પશ્ચિમ તરફ અરબી સમુદ્ર તરફ આગળ વધેલું લો પ્રેશર
24 કલાક પછી ફરીથી કચ્છ પ્રદેશ
તરફ ફરી શકે છે, તેવો વર્તારો હવામાન વિભાગે
આપ્યો છે. આગામી 24 કલાકમાં ભારે
વરસાદની શક્યતા નથી, પરંતુ તે પછી
કચ્છમાં ફરી એકવાર વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. હવામાન કેન્દ્ર-અમદાવાદના જણાવ્યા
મુજબ, હાલ વાતાવરણમાં એકસાથે 3 મહત્ત્વની સિસ્ટમ સક્રિય થઈ છે. બંગાળની ખાડીમાં રચાયેલું લો
પ્રેશર એરિયા, પશ્ચિમથી પૂર્વ તરફ લંબાયેલી
મોન્સૂન ટર્ફ લાઈન અને ઉત્તર ભારતમાં સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના
હવામાન પર સીધી અસર પાડી રહ્યા છે. ભેજવાળા પવનો દરિયાકિનારેથી સીધા ગુજરાત તરફ ધકેલાઈ
રહ્યા હોવાથી સાત દિવસ સુધી રાજ્યના જુદા-જુદા
વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળશે.