વિશેષ પ્રતિનિધિ તરફથી : નવી દિલ્હી, તા. 15 : દેશના રાજકારણમાં
આજકાલ અનેક મોરચા પર હલચલ છે. સંસદના સંભવિત વિશેષ સત્રને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ
થઈ રહી છે. તો સમાન નાગરિક ધારો (યુસીસી)ને લઈને એનડીએની અંદર પણ ભિન્ન-ભિન્ન મત પ્રવર્તી
રહ્યા છે. રાજસ્થાનની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ, પંજાબમાં ભાજપ અને શિરોમણી અકાલી દળ (એસએડી)
વચ્ચે વધતી નીકટતા તથા બિહારના ગઠબંધનના રાજકારણે પણ આગામી ચૂંટણી સમીકરણો અંગેની ચર્ચાઓને
વેગ આપ્યો છે. વિશેષ સત્રને લઈને વધી હલચલ : સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ થયા બાદ પણ
હજુ સુધી સત્ર સમાપ્તિની ઘોષણા થઈ નથી. આ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા વિપક્ષી દળોનો
સંભવિત વિશેષ સત્ર અંગે સંપર્ક કરવામાં આવી રહ્યો હોવાના અહેવાલોએ રાજકીય વર્તુળોમાં
ઉત્તેજના વધારી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,
નવરાત્રિ પહેલાં વિશેષ સત્ર બોલાવવા અને સીમાંકન સાથે સંકળાયેલા મહિલા
અનામત બિલને આગળ ધપાવવા પર વિચારણા ચાલી રહી છે. જોકે, સરકાર
તરફથી હજુ સુધી વિશેષ સત્ર બોલાવવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મહિલા
અનામત અને સીમાંકનનો મુદ્દો આગામી ચૂંટણી સમીકરણો સાથે સીધો જોડાયેલો છે. તેથી સંસદમાં
જો આ વિષય પર ચર્ચા થાય તો તેની રાજકીય અસર વ્યાપક બની શકે છે. બ્રિક્સ ડિનરને લઈને
ભાજપ-કોંગ્રેસ વચ્ચે તકરાર : બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન આયોજિત રાત્રિ ભોજનમાં ત્રણ કોંગ્રેસ
શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોની ગેરહાજરી રાજકીય ચર્ચાનો વિષય બની છે. તેલંગણાના મુખ્ય
પ્રધાન રેવંત રેડ્ડી, કેરલમથી વી.
ડી. સતીશન અને કર્ણાટકથી ડી. કે. શિવકુમારને આમંત્રણ અપાયું હતું, પરંતુ ત્રણેય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા નહોતા. રેવંત રેડ્ડીએ અગાઉ આમંત્રણ
સ્વીકાર્યું હતું, પરંતુ બાદમાં અનિવાર્ય સંજોગોનું કારણ આપીને
તેઓ ગેરહાજર રહ્યા હતા. આ મુદ્દાને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીખી રાજકીય નિવેદનબાજી
શરૂ થવાની શક્યતા છે.