ઢાકા, તા. 15 : બાંગલાદેશની આંતરરાષ્ટ્રીય
અપરાધ ટ્રિબ્યુનલ (આઇસીટી)એ 2024ના બાંગલાદેશ
વિદ્યાર્થી આંદોલનથી જોડાયેલા માનવતા વિરુદ્ધ અપરાધોના મામલામાં પૂર્વ વડાપ્રધાન શેખ
હસીનાના પક્ષ આવામી લીગના સાત વરિષ્ઠ નેતાને મોતની સજા સંભળાવી છે, જેમાં પક્ષના મહામંત્રી અને પૂર્વ મંત્રી ઓબૈદુલ
કાદરનો પણ સમાવેશ થાય છે. ન્યાયમૂર્તિ નજરૂલ ચૌધરીની અધ્યક્ષતાવાળી ટ્રિબ્યુનલ-2એ આ ચુકાદો આપ્યો હતો. બેન્ચમાં ન્યાયમૂર્તિ
મો. નજરૂલ બશિદ અને નૂરમોહમ્મદ શાહરિયાર કબીરનો સમાવેશ થાય છે. ટ્રિબ્યુનલે જણાવ્યું
કે, આરોપ સાબિત થતાં સૌથી મોટી સજા સંભળાવવામાં
આવી હતી. અહેવાલ અનુસાર સજા પામનારા તમામ સાત અપરાધી હાલમાં ફરાર છે. તેમની ગેરહાજરીમાં
કેસ ચાલ્યો હતો. અદાલતે તેમના માટે સરકારી વકીલ નિયુક્ત કર્યા હતા. જેમને મોતની સજા
સંભળાવવામાં આવી છે તેમાં આવામી લીગના મહામંત્રી ઓબૈદુલ કાદર, પક્ષના સંયુક્ત મહામંત્રી એએફએમ બહાઉદ્દીન નસીમ, માહિતી
અને પ્રસારણના પૂર્વ રાજ્યમંત્રી મોહમ્મદઅલી અરાફત, જુબો લીગના
અધ્યક્ષ શેખ ફઝલ શમ્સ પરાશ, મહામંત્રી મૈનુલ હુશેનખાન નિખિલ,
છાત્ર લીગના અધ્યક્ષ સદ્દામ હુશેન અને મહામંત્રી શેખ અલી આસીફ એનાંનો
સમાવેશ થાય છે. અદાલત અનુસાર જુલાઇ-ઓગસ્ટ 2024માં તત્કાલીન વડાપ્રધાન શેખ
હસીનાની સરકાર વિરુદ્ધના વિદ્યાર્થી આંદોલન દરમ્યાન આ નેતાઓ પર હત્યા, હિંસા ભડકાવવા, ઉશ્કેરવા
અને કાવતરું રચવાના આરોપ હતા.