• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

રેતાળ માંડવી પર શ્યામલ સાવરાનો હેતાળ હાથ

દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 15 : ગઇકાલે આગમનની આલબેલ પોકારીને પધારેલા મેઘરાજાએ રાતભર ઝરમર, હળવાં ઝાપટાં અને વહેલી સવારે અસવાર થઇને બાર કલાકમાં સાડા સાત ઇંચનો ધૂમધબાકો કરીને શહેરને પાણી-પાણી કરી દીધું હતું. આ સાથે આ લખાય છે ત્યાં લગી મોસમનો એકંદર આંકડો 335 મિ.મી. સવા તેર ઇંચ અંક્તિ કરી દીધો છે. લોહાણા બોર્ડિંગ, જૈન આશ્રમ વિસ્તાર, નીચાણવાળા સોસાયટી વિસ્તારો જાણે ટાપુમાં ફેરવાઇ ગયા. મુંદરાને જોડતી પટ્ટીમાં શહેરથી ઓછો પરંતુ ઉત્તરાદી-આથમણી દિશાઓ કરતાં બળૂકો સાડા ચારથી પાંચ ઇંચ ધરતીનો ધણી વરસ્યો હોવાના વાવડ મળ્યા હતા. કન્ટ્રોલ રૂમમાંથી ભૂપેન્દ્ર સલાટની માહિતી પ્રમાણે રાત્રે અઢી આસપાસ મોસમનો આંકડો 142 મિ.મી. હતો તે વહેલી સવારથી ઊંચકાઇને બપોર થતાં 273 મિ.મી. નોંધાતાં દસ-બાર કલાકમાં સાત-સાડા સાત ઇંચ અંકિત થયો હતો. નવાપુરાથી આઝાદ ચોક જતા રસ્તે એક કાર કમરભેર વહેણમાં ફસાઇ ગઇ હતી. પોસ્ટ ઓફિસ પરિસર, લોહાણા બોર્ડિંગ જાણે તરતા સંકુલ દેખાતા હતા. માધવનગર, મસ્કા રસ્તેનો સોસાયટી વિસ્તાર, જોગીવાસ, કલવાણ રોડ, દીનદયાળ ઉપાધ્યાય ગ્રાઉન્ડ, ઝૂંપડપટ્ટીઓ, નીચાણવાળી વસાહતો સમેત જળબંબોળ દશામાં ફેરવાતાં નાગરિકોનું આવાગમન રુંધાયું હતું. જળ નિકાસ માર્ગ ગૂંગળામણ અનુભવી રહ્યો. ઠેર ઠેર વૃક્ષ ઊખડી જવાનાં દૃશ્યો પાધરા થયા હતા. ગાજવીજ છતાં શાંતિપૂર્ણ મેઘવૃષ્ટિને લીધે હાશકારો લેવાયો છતાં હજુ આભ ગોરંભાયેલું-અંધારિયું હોવાથી ત્રાટકવાનો અણસાર છે. - ઉગમણી પટ્ટી બળૂકી : બિદડાથી ભરતભાઇ સંઘારે આપેલી જાણકારી પ્રમાણે રાત્રે અને સવારે સાડા પાંચથી સાડા નવ દરમ્યાન સાડાચારથી પાંચેક ઇંચ ભારે-જોશીલા ઝાપટાંએ જમાવટ કરીને નદી-નાળાં છલકાવી દીધા છે. શાંત સ્વરૂપ હોવાથી રાજીપો છે. બિદડા, નાની-મોટી ખાખર, પીપરી, તલવાણા, ફરાદી, ભાડિયા વગેરે પંથક તરબોળ છે. બાડાથી પ્રિ. રશેષ રાવલે આપેલી વિગતો પ્રમાણે રાતથી બપોર લગી બે-સવા બે આસપાસ મેઘવૃષ્ટિ થતાં ટોપણસર તળાવમાં નવાં નીરની આવક થઇ છે. બાડા, જનકપુર, ભીંસરા, માપર, ભાડા, બાંભડાઇ વગેરે ઉપર જળાભિષેક થયો છે. નાના રતડિયાથી મુરુભા જાડેજાએ આપેલી માહિતી પ્રમાણે નાના-મોટા રતડિયા, હમલા, મંજલ, પ્યાકા, ગાંધીગ્રામ, રાજડા, નાગ્રેચા વિસ્તારમાં બેથી અઢી ઇંચ વરુણદેવે હેતાળ હાથ ફેરવતાં રાજડા ડેમમાં એકાદ ફૂટ નવાં નીર આવ્યાં છે. આસંબિયાથી ભરતસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ખેતરોએ ધરાઇને પાણી પીધું છે. પાણી ભરાણા પણ ડેમો ખાલી છે. નાના-મોટા આસંબિયા, પુનડી વિગેરે વિસ્તારમાં મેઘકૃપા છે. ડોણ પાટિયાથી ખીમજીભાઇ કેરાઇએ કહ્યું કે, ત્રણેક ઇંચ વર્ષાથી ઓવરઓલ આનંદ છે. ડોણથી ગઢ તરફ જતાં પ્રમાણમાં જોર ઓછું અનુભવાયું હતું. ડોણ, રાયણ, દુર્ગાપુર, રતનપર બાજુ અઢી-ત્રણ ઇંચનો આસરો મુકાયો હતો. ગુંદિયાળીથી ભગવાનજીભાઇ બોડાએ કહ્યું કે, મોજ આવી ગઇ. જળાશયમાં નવાં નીરની આવક થઇ છે. ચરિયાણનો સવાલ સુલઝી ગયો છે. દબાણોને કારણે વહેણ રુંધાતાં પુલ વિસ્તારમાં પાણી ભરાતાં હાડમારી સામે આવી હતી. ગુંદિયાળી, મોઢવા, નાના-મોટા ભાડિયા, બાગ, શેખાઇ બાગ, મસ્કા, નાગલપર વગેરે વિસ્તારો પોંખાયા હતા. ખેડૂતોના ખર્ચા નીકળશે એવું લાગે છે. શિરવા, મેરાઉ, કાઠડા, ઢીંઢ, જેવા પાદરનાં ગામો પણ `મોજ-એ-દરિયા' છે. બે ખભા ઊંચકીને બેટિંગ થઇ છે. અત્યાર લગી અઘટિત ઘટનાઓ સામે નહીં આવતાં તંત્રે હાશકારો લેતાં સંભવિત પડકારો સામે સાવધાની રાખી હોવાનો દાવો જાણવા મળ્યો હતો. - વિજયસાગરમાં નવાં નીર : કોડાયથી અમારા પ્રતિનિધિ જીવરાજ ગઢવીના હેવાલ પ્રમાણે જળાસિંચન પેટા વિભાગના ઓપરેટર એ.કે. બકાલીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, માંડવી તાલુકાના ઐતિહાસિક વિજયસાગર ડેમમાં  દોઢ ફૂટ જેટલાં નવાં નીરનો વધારો થયો છે. ઉપરાંત વાઢ ડેમમાં 12 ફૂટ, ઘોડાલખ ડેમમાં ચાર ફૂટ તથા ખારોડ (શેરડી) ડેમમાં સાડા નવ ફૂટ જેટલાં નવાં પાણીની આવક થઈ છે. વણોઠી ડેમમાં પણ સારા પ્રમાણમાં પાણી આવ્યું છે. પિયાવાના  ખેડૂત કલ્યાણજી ગાજપરિયાએ જણાવ્યું હતું કે, પિયાવા વિસ્તારમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. દુર્ગાપુરના ઈશ્વરભાઈ રૂડાણી, મદનપુરાના ખેડૂત અગ્રણી રમેશ લાલજીએ જણાવ્યું શ્રી ઉમિયા સરોવર પાણીથી ઓવરફ્લો થયું હતું. બિદડાથી સામાજિક અગ્રણી ભાવેશભાઈએ જણાવ્યું હતું બિદડા-માંડવી હાઇવે પરના રતન સાગરને અદાણી ફાઉન્ડેશન અને રાજ્ય સરકાર દ્વારા ઊંડો કરવામાં આવ્યો હતો ડેમ ઓગની ગયો હતો. માંડવી-ભુજ હાઈવે પર વીરાયતન વિદ્યાપીઠ (હરીપર)ના ગેટ પાસે ભારે વરસાદનાં પગલે હાઈવે પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલી સર્જાઈ હતી. પાણીના નિકાલ માટે વીરાયતન સંસ્થા દ્વારા જેસીબી મશીન બોલાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોટા ભાડિયાથી પ્રતિનિધિ કરશન ગઢવીના જણાવ્યા પ્રમાણે મોટા ભાડિયા પંથકનાં ગામોમાં સરેરાશ પાંચેક ઈંચ જેટલો વરસાદ વરસતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો. મોટા ભાડિયામાં વહી નીકળેલી લોકમાતાને નિહાળવા ગ્રામજનો ટોળે વળ્યા હતા, તો પંથકના નાના ભાડિયા, નાની ખાખર સહિતનાં ગામોમાં શ્યામલ સાવરાએ હેતાળ હાથ ફેરવતાં પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. - કાઠડાની નદી બે કાંઠે : કાઠડાથી અમારા પ્રતિનિધિ રમેશ ગઢવીના હેવાલ પ્રમાણે કાઠડા, શિરવા, નાના લાયજા, મોટા લાયજા, મેરાઉ સહિતના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહ્યો હતો. નદી-નાળાં વહી નીકળ્યાં હતાં અને ખેતરોમાં પણ પાણી ફરી વળ્યાં હતાં. કાઠડાના પ્રવેશદ્વાર પાસે આવેલી મુખ્ય નદી બે કાંઠે વહેતી થઈ હતી. નદીના પટમાં આવેલાં તળાવો તથા ચેકડેમો પણ પાણીથી ભરાઈ જતાં ખેડૂતો અને માલધારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ પાક માટે જીવનદાન સમાન સાબિત થયો છે. નાના લાયજાના સરપંચ વિરમ ગઢવીએ જણાવ્યું હતું કે, `પાક માટે આ વરસાદ ખૂબ જ ઉપયોગી નિવડયો છે. શિરવાના સરપંચ પરેશભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું કે, `વરસાદથી ચારા અને પાણીના બંને પ્રશ્નનો હલ થયો છે. મેરાઉથી પ્રેમકુમાર ખાખલાએ મેઘરાજાનાં વધામણા કર્યાં હતાં. દુર્ગાપરથી ધારાશાસ્ત્રી વલ્લભભાઈ વેલાણીએ જણાવ્યું હતું કે, આ વરસાદથી હવે ખેડૂતોનાં મોઢા ઉપર રોનક જોવા મળશે. - માંડવીમાં ટોપણસર છલકાવાનો ઈંતેઝાર અને વસવસો ! : માંડવી, તા. 15 : શહેરની આન, શાન અને અસ્મિતા સાથે અકબંધ ઐતિહાસિક ટોપણસર તળાવમાં એકાદ વર્ષના વિરામ પછી પાલરપાણી ઠલવાઈ રહ્યું હોવાના વાવડ મળતાં નાગરિકોમાં આનંદ-હાશકારો અનુભવાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બે વર્ષો અગાઉ તત્કાલીન પ્રમુખ હરેશભાઈ વિંઝોડાના હાથે જળાશય ઓગનતાં તેને વધાવાયું હતું, તેવી વિગતો હેડક્લાર્ક મનજીભાઈ પરમારે આપી હતી. પ્રારંભિક તબક્કે 35 એકર કરતાં વધારે ઘેરાવો ધરાવતાં અને સમયાંતરે વિકાસકામો, રસ્તા વગેરેના વિસ્તરણના નામે કદ સંકોચાઈને હવે માંડ આઠેક એકર જેટલું સાંકડાં બની ગયેલાં ટોપણસર તળાવની આવ સંબંધે જળભરાવ સહિતની સમસ્યા અને તે સમસ્યાના નિવારણ કાજે કેનાલ-લાઈન દુરસ્તી વગેરે કથિત કામોસર ગત વર્ષે ટોપણસરની આવને બંધ કરી કે વાળી દેવાની કથિત ફરજને પરિણામે વર્ષ સારું જવા છતાં જળાશય તરસ્યું રહ્યું હતું. થોડા સમય પહેલાં પરંપરાગત આવને ખુલ્લી કરી દેવાઈ હોવાથી સોમ-મંગળના ભારે વરસાદને લીધે જીવંત આવ થકી નવા નીર ઠલવાતાં તળાવ અડધાથી વધારે ભરાઈ ગયું છે તેવો દાવો કરાયો હતો. આટલા વરસાદે રુકમાવતી નાચતી થઈ હોય છતાં ટોપણસર છલકાયાનાં ઈંતેઝારમાં રહ્યું છે. કહે છે કે હવે આવ ધીમી પડી રહી છે. બે વર્ષો અગાઉ તત્કાલીન પાલિકા પ્રમુખ હરેશભાઈ વિંઝોડાના હાથે જળાશયને વધાવવામાં આવ્યું હતું તેવી જાણકારી મનજીભાઈ પરમારે આપી હતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd