નવી દિલ્હી, તા. 15 ધારણા મુજબ
બીજી ટી-20માં પણ શાનદાર જીત મેળવીને ભારતે શ્રેણી
કબજે કરી હતી. અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની સિરીઝની આજે બીજી ટી-20 મેચમાં ભારતે અફઘાનિસ્તાનને
159 રનમાં ઓલ આઉટ કરી દીધું હતું.
જવાબમાં માત્ર 14.5 ઓવરમાં ભારતે આ લક્ષ્યને પાર
પાડી લીધું હતું. ભારત તરફથી સંજુ સેમસને ફક્ત 22 દડામાં 57 રનની જોરદાર
ઈનિંગ્સ રમી હતી, જેમાં સાત
ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત અભિષેક શર્માએ 19 દડામાં 39, શ્રેયસ ઐયરે 11 દડામાં 11 રન, ઈશાન કિશને 23 દડામાં અણનમ 38 રન અને તિલક વર્માએ 14 દડામાં 15 રન કરીને ભારતની આસાન જીત સુનિશ્ચિત
કરી હતી. અફઘાનિસ્તાનનું બાટિંગ પ્રદર્શન કંઈ
ખાસ રહ્યું ન હતું અને બેટ્સમેનોનાં નાના-મોટા યોગદાન થકી ટીમ માંડ સન્માનજનક સ્કોર
સુધી પહોંચી શકી હતી. અફઘાનિસ્તાનનો કોઈ પણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો ન હતો.
જ્યારે ભારત તરફથી શિવમ દુબે સિવાય તમામ બોલરોને વિકેટ ઝડપવામાં સફળતા મળી હતી. ભારતની
મજબૂત શરૂઆત થઈ હતી. છ ઓવરમાં 82 રન વિના વિકેટે
કર્યા હતા. સંજુએ 19માં 47 અને અભિષેકે 17માં 33 રન કર્યા હતા. અફઘાનિસ્તાન તરફથી કેપ્ટન ઇબ્રાહિમ ઝાદરાન સૌથી
વધુ 33 બોલમાં છ ચોગ્ગાની મદદથી 37 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો
હતો. તેના સિવાય આક્રમક બેટ્સમેન રાશિદ ખાને 28, ડારવિશ રસુલીએ 26, મોહમ્મદ નબીએ 20, સેદિકુલ્લાહ અટલે 12, અઝમતુલ્લાહ ઓમરઝઈએ 11 અને ગુલબદ્દીન નઇબે 10 રનનું સામાન્ય યોગદાન આપ્યું હતું. ભારત તરફથી મેન ઓફ ધ મેચ નીતીશકુમાર રેડ્ડીએ શાનદાર
પ્રદર્શન કરતાં સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહે બે મહત્ત્વની સફળતા મેળવી
હતી હતી. આ ઉપરાંત અનુભવી જસપ્રીત બુમરાહ, સ્પિનર અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈએ ચુસ્ત બાલિંગ કરતાં એક-એક વિકેટ પોતાનાં
નામે કરી હતી.