નવી દિલ્હી, તા. 15 : ભારતના ટોચના
રિકર્વ તીરંદાજ ધીરજ બોમ્માદેવરાએ આર્ચરી વર્લ્ડ કપમાં ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યો છે.
તેણે જાપાનના નાકાનિશી જુન્યાને રોમાંચક શૂટ-ઓફમાં હરાવીને વર્લ્ડ કપ ફાઇનલમાં ગોલ્ડ
મેડલ મેળવનાર પ્રથમ ભારતીય પુરુષ રિકર્વ તીરંદાજ બન્યો છે. આ રોમાંચક ખિતાબી મુકાબલામાં
ધીરજ બોમ્માદેવરાએ વિશ્વના 20મા ક્રમાંકના
ખેલાડી નાકાનિશીને 6-5 (28-28, 28-29, 29-28, 28-30, 28-27) થી પરાજય આપ્યો હતો. પાંચ સેટનો મુકાબલો રોમાંચક રહ્યો હતો.
પહેલા બંનેનો સ્કોર 5-5થી બરાબરી
પર હતો, ત્યારબાદ નિર્ણાયક શૂટ-ઓફમાં ધીરજે 10-9થી શાનદાર જીત નોંધાવી હતી.
આ ઐતિહાસિક જીત સાથે ધીરજ વર્લ્ડ કપ ફાઇનલમાં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય પુરુષ
રિકર્વ તીરંદાજ બની ગયો છે. આ અગાઉ જયંત તાલુકદાર એવા છેલ્લા ભારતીય પુરુષ રિકર્વ તીરંદાજ
હતા, જેમણે વર્ષ 2010માં એડિનબર્ગ ખાતે રમાયેલી
સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ધીરજ એશિયન ગેમ્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ
કરવાનો છે. અગાઉ 2022માં તે સિલ્વર
મેડલ જીતનાર ટીમનો હિસ્સો પણ હતો. ધીરજ સિવાય ડોલા બેનર્જી વર્લ્ડ કપ ફાઇનલમાં ગોલ્ડ
મેડલ જીતનાર અન્ય એકમાત્ર ભારતીય તીરંદાજ છે. તેણે 2007માં દુબઈ ખાતે મહિલા વ્યક્તિગત વર્ગમાં ગોલ્ડ જીત્યો હતો. વર્લ્ડ
કપ ફાઇનલમાં ભારત તરફથી સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ દીપિકા કુમારીના નામે છે. તેણે
વર્લ્ડ કપ ફાઇનલમાં આઠ વખત ભાગ લઈને કુલ પાંચ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પોતાના નામે
કર્યા છે.