દયાપર (તા. લખપત), તા. 14 : લખપત તાલુકાનું
સૌથી મોટું ડાયવર્ઝન પાનધ્રો-ઘડુલી રોડ પર છે. આઠ કિ.મી.નો ફોગટ ફેરો અને તેમાંય પાનધ્રો
નદી પર પુલ નહીં બનતાં દર ચોમાસે રસ્તો બંધ થતાં 18 ગામડાંના મુસાફરો રખડે છે. વર્ષ 2000માં અકરી લિગ્નાઇટ માઇન્સ તેમજ
ફુલરા પાસે લિગ્નાઇટ ખાણનું ઉત્ખનન કાર્ય થતાં જૂનો રસ્તો ઘડુલી વાયા ધારેશી, અકરી, ફુલરા ફાટકથી પાનધ્રો
જતો પાકો રસ્તો બંધ કરાયો અને તેના બદલે આઠ કિ.મી. ફેરાવાળો રસ્તો ચાલુ થયો. જી.એમ.ડી.સી.ના
ખર્ચે આ રસ્તાનું નિર્માણ 15 વર્ષ પહેલાં થયું. લોકમાગણી પ્રમાણે પાનધ્રો પર પુલ બન્યો નહીં
પરિણામે જ્યારે વરસાદ આવે ત્યારે 15 દિવસ કાચો રસ્તો સંપૂર્ણ બંધ થઇ જાય છે. એસ.ટી. બસ, ખાનગી બસ, નાના વાહનચાલકો
વાયા સુભાષપર થઇ દયાપર આવે અને રસ્તે આવતા ગામડાં તથા તેની આસપાસના 18 ગામડાંના મુસાફરોને મોંઘા ભાડાં
ખર્ચી દયાપર આવવું પડે... આવું છેલ્લા 20 વર્ષથી ચાલે છે. તાલુકાના આગેવાન જશુભા જાડેજાએ જી.એમ.ડી.સી.
અને માર્ગ-મકાન વિભાગમાં જે-તે સમય વારંવાર રજૂઆતો કરી હતી. ઘડુલીની નેતાગીરી આ બાબતે
બહાર આવે તે જરૂરી છે. વર્ષો પહેલાં એસ.ટી. બસ ઘડુલી, વિરાણીને બાયબાય કરી વાયા સુભાષપર જતી ત્યારે
ઘડુલીના પૂર્વ સરપંચ સ્વ. મૂળજીભાઇ પટેલ દ્વારા ગામલોકોને સરદાર રેસ્ટોરન્ટ ત્રણ રસ્તા
પાસે ટ્રેક્ટરો, વાહનો રાખી રસ્તો બંધ કર્યો હતો અને એસ.ટી.ના
અધિકારીઓ અહીં દોડી આવ્યા હતા. ઘડુલી, વિરાણીથી પુન: એસ.ટી. બસની
આવન-જાવન ચાલુ થઈ હતી. હાલમાં ઘડુલીથી પાનધ્રો રસ્તો અતિ બિસ્માર છે અને ઠેરઠેર ખાડા
પડી ગયા છે. વધુમાં ડેમ વિસ્તાર પાસે ખેડૂતોએ મજા આવે તેમ હાઇવે રોડ ખોદીને પાણીની
લાઇનો નાખતાં મોટા ખાડા પડી ગયા છે. 10 દિવસ સુધી મરંમત ન થઈ. ખરેખર હાઇવેને તોડી પાણીની લાઇન લેતા
ખેડૂતોએ માર્ગ-મકાન વિભાગની મંજૂરી લેવી જોઇએ અને તેમાં રકમ પણ ભરવાની થાય છે પણ અફસોસ
વ્યક્ત કરતાં નાગરિકો કહે છે કે આ નિયમો લાગુ નથી પડતા. માર્ગ-મકાન પેટા વિભાગ નખત્રાણાના
પત્ર દ્વારા જનરલ મેનેજર પાનધ્રોને લખાયેલા પત્ર મુજબ ઘડુલી-ફુલરા-પાનધ્રો રોડ વચ્ચે
ડિપોઝિટ વર્ક પેટે 31,06,800ની
માગણી કરાઇ છે જેના જવાબરૂપે ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિ. દ્વારા ના.કા.ઇ. નખત્રાણાને
રકમ ભરવાનું સમર્થન આપી સર્વે કરવા જણાવાયું છે. પાનધ્રો લિગ્નાઇટ પ્રોજેક્ટના જનરલ
મેનેજર શ્રી દવેનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, માર્ગ-મકાન વિભાગ દ્વારા પ્રથમ 30 લાખની દરખાસ્ત આવી, સર્વે કરવાનું કહ્યું હતું, ત્યારબાદ સીધી 60 લાખની દરખાસ્ત
આવી, સમય વીતતાં બજેટ વધી ગયું હોવાનું જણાવાયું
તે પણ ભરી દીધા છતાં રસ્તાની મરંમત થતી નથી. રસ્તો જીએમડીસીનો છે જ નહીં, માર્ગ-મકાન વિભાગ હસ્તક જ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. બીજીબાજુ માર્ગ-મકાન
વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સી. વી. બોરડનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે,
પોતાની પાસે માહિતી નથી. જીએમડીસીએ પત્રવ્યવહાર કર્યો છે કે રકમ ભરી
છે તે જોઇને કહેશે. ટૂંકમાં, પાનધ્રો પાસે આ નદી પર ત્વરિત પુલ
બની જાય અને બંને સાઇડમાં ગાંડા બાવળની પુષ્કળ ઝાડી ઊગી નીકળી છે તે પણ સફાઇ થાય તેની
જરૂરત છે.