• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

કચ્છીઓનાં તરસતાં મન ભાદરવાના આરંભે ભીંજાયાં

ભુજ, તા. 14 : છેલ્લા ત્રણ મહિનાથી કાગડોળે રાહ જોઈ બેઠેલા કચ્છીઓની આખરે મેઘરાજાએ થોડી - થોડી પણ ધા સાંભળી હોય તેમ ભાદરવાના પ્રારંભે માણસોનાં સૂકાઈ ગયેલાં મનને પલાળ્યાં હતાં. સીમાડામાં ઘાસ ખલાશ અને સૂકાતાં તળાવોનાં દૃશ્યો જોઈ કચ્છમાં અછત જાહેર કરવાની ચોમેરથી માગણીઓ ઊઠી છે, તેની વચ્ચે એક મોટી આંશિક રાહત મળી છે. બે દિવસથી હળવા-ભારે ઝાપટાં પડયાં, તો આજે જિલ્લા મથક ભુજ-ગાંધીધામમાં દોઢ ઈંચ, માંડવી, મુંદરા, નખત્રાણામાં એક ઈંચ વરસાદ પડયો, તો ભચાઉ, રાપર, અબડાસા, ખાવડા વિસ્તારમાં ઝાપટાંરૂપી હાજરી પૂરાવી હતી. રવિ-સોમવારે મેઘકૃપા થઈ હતી, સામે હજુ પણ આવનારા બે દિવસ સુધી વરસાદ હળવાથી ભારે પડવાની હવામાન વિભાગે આગાહી જારી કરી છે.

ઉકળાટથી રાહત

છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યમાં ગરમી-ઉકળાટમાં મોખરે રહેલા ભુજમાં આજે સવારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ સવારે ધોધમાર અને તે પછી ધીમીધારે સાંજ સુધી દોઢ ઈંચ સુધીની મેઘકૃપા વરસતાં લોકોને ઉકળાટમાંથી રાહત મળી હતી. સવારે પોણા અગિયાર વાગ્યાના અરસામાં વરસાદી મહેર વરસવાનું શરૂ થયા બાદ એકાદ કલાક સુધી ધોધમાર ઝડી વરસી હતી. એક કલાકમાં એક ઈંચ વરસાદ પડયા બાદ ફરી બપોરે કાળા ડિબાંગ વાદળોએ આકાશમાં ઘેરાબંધી કરી ધોળા દિવસે અંધકારનો માહોલ સર્જી વધુ અડધો ઈંચની કૃપા વરસાવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટથી ત્રસ્ત લોકોનાં હૈયાં આ મેઘકૃપાથી પુલકિત થયા હતા. ધોધમાર વરસાદનાં પગલે બસ સ્ટેશન રોડ, વાણિયાવાડ, જ્યુબિલી સર્કલ, એનસીસી કચેરી રોડ, મંગલમ ચાર રસ્તા, વોકળા ફળિયાં, હોસ્પિટલ રોડ, કોલેજ રોડ સહિતમાં રાબેતા મુજબ જળભરાવ થયો હતો. વરસાદની સાથે કેટલાક સ્થળે ગટરનાં પાણી વહેવાં લાગતાં લોકોને હાલાકી વેઠવી પડી હતી. વરસાદનાં પગલે ગણેશોત્સવનાં આયોજનમાંય થોડો વિક્ષેપ થયો હતે. લોકોએ વરસતા વરસાદમાં ગણેશ સ્થાપનની વિધિ હાથ ધરી હતી.

ગાંધીધામ એક ઇંચ વરસાદથી પાણી પાણી

ગાંધીધામ સંકુલમાં દિવસ દરમિયાન વાદળછાયાં વરસાદી વાતાવરણ પછી સાંજના સમયે 6:00 વાગ્યાના અરસામાં વરસાદ શરૂ થયો હતો અને લગભગ અડધાથી પોણા કલાકમાં શહેરમાં 32 એમએમ પાણી પડ્યું હતું જેના પગલે જોડિયા શહેરોના લગભગ માર્ગો પાણી પાણી થઈ ગયા હતા. ઘણી જગ્યાઓ પર ગોઠણ ડૂબ પાણી ભરાતા દ્વિચક્રિય વાહનો બંધ થઈ ગયાં હતાં અને ચાલકોને પોતાનાં વાહનો દોરીને લઈ જવાની ફરજ પડી હતી. ગાંધીધામમાં પડેલા 32 એમ.એમ. વરસાદથી એન્જિનીયરોના આયોજનના વિકાસના કામોની પોલ ખુલ્લી પડી ગઈ હતી. માનીતી એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોએ બનાવેલા વરસાદી નાળાંઓમાંથી પાણીનો નિકાલ થયો નથી. માર્ગો  ઉપર પાણી ફરી વળતાં શહેરીજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. લોકો મહાનગરપાલિકાના વહીવટીતંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા. જોડિયા શહેરોના એક પણ માર્ગ એવા નથી જેની ઉપર પાણી ન ભરાયું હોય. તમામ માર્ગો જળમગ્ન થતાં પગપાળા જતા લોકોને દ્વિચક્રીય વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ગાંધીધામમાં ભારત નગર તથા સુંદરપુરી તેમજ મહાત્મા ગાંધી માર્કેટથી લઈને મુખ્ય બજાર અને સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ પાસે તો રીતસર નદી જેવો માહોલ સર્જાયો હતો. ચાવલા ચોકથી મહાનગરપાલિકા તરફ જતો માર્ગ જળબંબાકાર હતો. શહેરી વિસ્તારમાં બનેલા વરસાદી નાળાંઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો છે તે એળે ગયો છે.

અંજારમાં ધીમીધારે મેઘકૃપા

અંજાર શહેર સહિત તાલુકા વિસ્તારમાં લાંબા સમયના વિરામ બાદ ભાદરવા મહિનાની શરૂઆત થતાં જ મેઘરાજાએ ધીમીધારે પધરામણી કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સોમવારે સાંજના સમયે અંજાર શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં ઉકળાટ અને ગરમીથી ત્રસ્ત લોકોને મોટી રાહત અનુભવાઈ હતી. વરસાદનાં આગમન સાથે જ શહેરના માર્ગો પર ચહલપહલ વચ્ચે વરસાદી માહોલ છવાઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારથી જ સમગ્ર કચ્છ સાથે અંજાર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, શહેરમાં આશરે 12 મિ.મી. એટલે કે અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સાથે ચાલુ ચોમાસાની સિઝનમાં અંજાર શહેરનો કુલ વરસાદ આશરે 4.5 ઇંચ સુધી પહોંચ્યો છે. સતાપર, લાખાપર, સિનુગ્રા, નાગલપર, ખેડોઈ, હીરાપર, આંબાપર, ચંદિયા સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. અનેક ગામોમાં ખેતીલાયક વરસાદ થતાં ખેતરોમાં ઊભા પાકને જીવનદાન મળ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ચોમાસા દરમિયાન સમયસર વરસાદના વિરામ વચ્ચે ખેતી માટે જરૂરી ભેજ જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે. હાલ પડેલો ધીમીધારે વરસાદ ખેતરમાં પાક માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અંજાર સહિત કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હોવાથી આગામી દિવસોમાં હજુ વધુ વરસાદ વરસવાની આશા બંધાઈ છે.

મુંદરામાં ઝાપટાંઓનો દોર

મુંદરામાં ગઈકાલે રાતે ઝાપટું વરસ્યા બાદ સોમવારે દિવસભર આગાહી મુજબ મેઘમાહોલ છવાયો હતો પણ ભારે વરસાદ પડ્યો ન હતો. અંધારપટ અને ગાજવીજ વચ્ચે વરસાદનું જોર ગણું હતું પણ, ભાદરવાના ભૂસાકાની  જેમ ટકી શક્યો ન હતો. જો કે, રસ્તા ઉપર પાણી ભરાયાં હતાં. મુંદરાના સત્તાવાર મળતા આંકડા મુજબ સવારે આઠ વાગ્યાથી આજે રાત્રિના આઠ વાગ્યા સુધીમાં 20 મિ.મી. વરસાદ નોંધાયો હતો. રવિવાર રાત પછી દિવસ દરમિયાન ત્રણેક વાર મેઘરાજાએ જમાવટ કરી હતી. જો કે, એ થોડી મિનિટો માટે રહેતાં આતુરતાપૂર્વક રાહ જોતાં ખેડૂતો નિરાશ થયા હતા. જો કે, આ મેઘકૃપાને કેટલાક ખેડૂતોએ ઊભા પાક માટે જીવતદાન ગણાવ્યું હતું. ગણેશ ચતુર્થીના દિવસે શોભાયાત્રા વચ્ચે સવારે 10 વાગ્યે, પછી લગભગ 11.30 વાગ્યે અને અઢી વાગ્યાના અરસામાં ઝાપટાં આવ્યાં હતાં. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.. સાંજે 5 વાગ્યે  અંધારાં જેવું વાતાવરણ ગોરંભાયું અને ગાજવીજ સાથે વધુ એક ઝાપટું પડતાં રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં. શહેરના નીચાણવાળા વિસ્તારો, ખાસ કરીને ગામની અંદરના વિસ્તારમાં જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં. દરમિયાન, પત્રીથી સરપંચ ભરતભાઈ આહીરે જણાવ્યું હતું કે પત્રી અને આસપાસના ગામોમાં સવારથી અત્યાર સુધીમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. ભદ્રેશ્વર, વવાર, વડાલા વિસ્તારમાંથી મળતા અહેવાલો મુજબ દિવસભર વાતાવરણ એકદમ ગોરંભાયેલું રહ્યું હતું, પણ  ધારણાથી  ઓછું કટકે કટકે લગભગ અડધા ઈંચ જેટલું પાણી પડયું હતું.

માંડવી પંથક મેઘમહેરથી મલકાયો

દેવેન્દ્ર વ્યાસના અહેવાલ અનુસાર રિદ્ધિ-સિદ્ધિ-સમૃદ્ધિના દેવતા, વિઘ્નહર્તા ગણપતિ બાપાના મહોત્સવ સાથે સાચા સ્વરૂપમાં વિઘ્નનું પાંદડું હડસેલાયું હોય તેમ આજે બપોર પહેલાં મોટું પેટ રાખીને દુષ્કાળના ડાકલા વગાડતા દિવસોને ન્યાલ કરી શહેરમાં સવા ઇંચ જ્યારે મહદઅંશે ગામડાંઓમાં અડધો-પોણો કે એક સવા ઇંચ શાંત સ્વરૂપે પાલર પાણી વરસાવતાં વરસ 30-35 ટકા સુધારી લીધું છે. ધરતી અને ધરતીપુત્રોના ચહેરા ચમકી ઊઠયા છે. વાતાવરણમાં જમાવટ બરકરાર હોતાં હજુ આભ સામે નજર મંડાયેલી રહી છે. તરસ્યો કંઠ સૂકાતો હોય ત્યારે ટીપે ટીપે હોઠ ભીંજવવાની અદાએ છાંટણા કરતાં મેઘરાજાએ આજે બપોર પહેલાં માતા બાળકને ગોદમાં લે તેવી અદાએ બપોરે અડધો અને સાંજ થતાં લગભગ પોણો એમ 31 મિ.મી. (સવા ઇંચ) મહેર કરીને મોસમનો એકંદર આંકડો 112 મિ.મી. ઉપર અંકિત કરી દીધો હોવાની જાણકારી કન્ટ્રોલ રૂમમાંથી ભૂપેન્દ્ર સલાટે આપી હતી. રસ્તાઓ જોશભેર વહી નીકળ્યા હતા. રસ્તાના લેવલિંગ વગેરે કારણોસર જળવહન-જળભરાવ પ્રમાણમાં વધારો કરતું અનુભવાયું. આઝાદ ચોક, ભીડ વિસ્તાર, લાકડા બજારમાંથી જાણે નહેરો વહી હતી. શહેરના માર્ગો-શેરીઓ પણ જોશભેર વહી રહી હોવાથી જાણે આનંદોત્સવ પથરાયો હતો. બિહામણી આગાહીઓથી ગભરાયેલી જનતા શાંત વરસાદને લીધે હાશકારો અનુભવતી જોવા મળી હતી.

મોટી રાયણથી શાંતિલાલભાઇ રામજિયાણીએ આપેલી જાણકારી પ્રમાણે વરુણદેવે વહાલ વરસાવી, અરદાસ સાંભળીને પોણોથી એક- સવા ઇંચ સોના જેવી લહાણી કરી હતી. રાયણ, દુર્ગાપુર, ભારાપર, ડોણ, રતનપર વગેરે પંથકમાં હેત વરસાવી ચહેરાઓને હતાશામાંથી ઉગારી લીધા છે. ગુંદિયાળીથી ભગવાનજી બોડાએ જણાવ્યું કે, ગુંદિયાળી, બાગ, ત્રગડી, મોઢવા, શેખાઇબાગ, નાના ભાડિયા વગેરે પંથકની ધરતીની તરસ છીપાવી છે. ખેતરોએ પાણી પીધું છે. પાણી બહાર નથી વહ્યાં. ચારાનો પ્રશ્ન હળવો થયો. પોણોથી એકાદ ઇંચની કૃપા થતાં વર્ષ 25-30 ટકા સુધર્યું છે.

બિદડાથી ભરતભાઇ સંઘારે આપેલા વાવડ પ્રમાણે બિદડા, તલવાણા, ખાખર, ભાડિયા, પીપરી, ફરાદી પંથકમાં બે તબક્કે એક-સવા ઇંચ મેઘમહેરનો આનંદ છે.

ગોધરાથી અરવિંદભાઇ જોશી, શબ્બીરભાઇ ચાકી વગેરેની જાણકારી મુજબ ગોધરા, મેરાઉ, શિરવા, લાયજા, ડોણ, ઉનડોઠ વગેરે ગામોમાં એકાદ ઇંચ વરુણદેવની કૃપા થઇ છે. અત્યારે હળવાં ઝાપટાં ચાલુ છે. બીજા રાઉન્ડમાં ખેડૂતો રાજી રાજી થયા છે. ડોણ પાટિયાથી ખીમજીભાઇ ધનજી કેરાઇએ કહ્યું હતું કે, મૂરઝાતા મોલની પરિસ્થિતિ હવે સારી થાય એવા એંધાણ છે. 30-35 ટકા વરસ સુધર્યું, બાકી નસીબજોગે ડેમો ભરાય તો સુધારો 40-45 ટકાએ પહોંચે. ડોણ, રતનપર, ભાડઇ, દુર્ગાપુર, રાજડા, રતડિયા પંથકમાં ભૂખી ધરતી ભીંજાઇ હતી.

મોટા આસંબિયાથી ભરતસિંહ જાડેજાએ વિગતો વર્ણવતાં કહ્યું હતું કે, આસંબિયા, ગોણિયાસર બાજુ હળવાં ઝાપટાં છે. પોણા ઇંચ વરસાદ નાના-મોટા આસંબિયા, કોજાચોરા બાજુ અંદાજાય છે. કોડાય-તવલણા પટ્ટીમાં પ્રમાણ થોડું વધારે રહ્યું છે. મૂંગા પશુઓના ઘાસચારાની ઉપાધિ ઘણા અંશે હળવી થશે એવી આશા છે. બાડાથી પ્રિ. રશેષભાઇ રાવલે કહ્યું હતું કે, આથમણી પટ્ટીમાં બાડા, જનકપુર, ભીંસરા, બાંભડાઇ, માપર વગેરે વિસ્તારમાં પાણી વહી નીકળ્યાં, ઝરમરિયો માહોલ જારી છે. પોણો ઇંચ આસપાસ વરસાદ છે. નાના રતડિયાથી મુરુભા જાડેજાએ વરસાદી વાવડ આપતાં જણાવ્યું કે, ધીમીધારે, ઝરમરિયા રૂપે નાના-મોટા રતડિયા, હમલા-મંજલ, પ્યાકા, નાગ્રેચા, શેરડી વગેરે ગ્રામ્ય પંથકમાં એકાદ ઇંચ ધરતીનો ધણી મોજ કરાવી રહ્યો છે.

નખત્રાણા તાલુકામાં સાર્વત્રિક મેઘકૃપા

ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના બીજા દિવસે નખત્રાણા તાલુકામાં પોણોથી સવા ઈંચ મેઘમહેરથી વરસાદ માટે તડપતા માકપટ્ટમાં જનજીવનમાં ખુશીની લહેર ફરી વળી હતી. વિઘ્નહર્તા સુંઢાળા દેવ ગણપતિ મહોત્સવના પ્રથમ દિવસના સાંજના તથા રાત્રિના મનોરંજનના કાર્યક્રમો રદ કરવા પડયા હતા, તેવું છગનભાઈ ઠક્કરના અહેવાલમાં જણાવ્યું હતું. નખત્રાણા શહેરમાં સાંજે પોણા પાંચ વાગ્યાના સમયે ગાજવીજના કડાક ભડાકા વચ્ચે એક ઈંચ જોશભેર મેઘ મહેર વરસતાં શહેરમાં પાણી પાણી થયું હતું. બસ સ્ટેશન પાસેની ઉપરવાસથી આવતી નદીમાં જોશભેર પાણી વહેતાં 1 કલાક સુધી વાહનવ્યવહાર થંભી ગયો હતો. વિરાણી રોડ પર બે ફૂટ જેટલા પાણી ભરાયાં હતાં. આષાઢ-શ્રાવણ માસમાં ખરાખરીના સમય વરસાદ ન વરસતાં ખેડૂત-માલધારીઓમાં ઉચાટ સાથે ચિંતાનાં વાદળો ઘેરાયાં હતા, ત્યારે પાછોતરા ભાદરવા માસની શરૂઆતથી તાલુકામાં સર્વત્ર પોણાથી સવા ઈંચ વરસાદ વરસતાં ખેતર-વાડીમાં સુકાતા મોલ તથા સીમાડામાં ઘાસચારા માટે સોના જેવા વરસાદથી ખુશીની લહેર ફરી વળી છે. નખત્રાણા મામલતદાર કચેરીના વરસાદમાપક યંત્રમાં 21 સે.મી. વરસાદ નોંધાયો હતો. નાની બન્નીમાં સર્વત્ર 1થી સવા ઈંચ મેઘમહેર વરસી હતી.

મંગવણાથી સરપંચ પ્રતિનિધિ ધર્મેન્દ્રગિરિના અહેવાલ મુજબ પટ્ટીના તમામ ગામોમાં અડધાથી એક ઈંચ વરસાદથી વાડી-ખેતરોને પાલરપાણીનો ડોઝ મળતાં ખેતીને ફાયદો થશે.

મથલથી - નેત્રા, રામપર-સરવા, ઉખેડા, રસલિયા, ખોંભડી, ટોડિયા, ધીણોધર, દેવીસર, નાની અરલ, થાન, ગોધિયાર સમગ્ર વિસ્તારમાં સચરાચર પોણા ઈંચ જેટલો વરસાદ વરસતાં પશુઓ માટે ઘાસચારાને ફાયદાકારક હોવાનું અશ્વિન ઠક્કરએ જણાવ્યું હતું.

મોટી વિરાણીમાં સાંજે સાડાચાર વાગ્યાના સમયે એક ઈંચ જેટલો ઝડપભેર વરસાદ પડતાં ગામમાં જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં. રામદેવપીર આખ્યાન મુલતવી રહ્યાનું સંસ્થાના પ્રમુખ જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

માલધારી ખેડૂતો ખુશ

નખત્રાણાના મથલ, કાદિયા, ઉખેડા, ખાંભલા સહિતના વિસ્તારમાં દોઢથી બે ઈંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદના કારણે માલધારી અને ખેડૂતવર્ગમાં નવી આશા જાગી ગઈ છે અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાપર સહિત તાલુકામાં સમીસાંજે મેઘરાજાની પધરામણી

ગણેશ ચતુર્થીના સવારે ગણપતિ બાપ્પા અને સાંજે મેઘરાજાની પધરામણી થતાં આખો માહોલ ભક્તિથી ભીંજાયો હતો. બપોરથી ધીમીધારે વરસતો વરસાદ સાંજે સાત વાગ્યે બરાબર ગણપતિ બાપ્પાની સંધ્યા આરતી સમયે જ ધોધમાર વરસવો શરૂ થયો હતો, જે અડધા કલાક સુધી સાર્વત્રિક વરસ્યો હતો. તાલુકાના લગભગ તમામ ગામોમાં વરસાદ હોવાના સમાચાર મળી રહ્યા છે. હાઈવેપટ્ટીનાં પલાંસવા, ગાગોદર વગેરે ગામોમાં અડધાથી એક ઈંચ વરસ્યો હોવાનું વેલજીભાઈ સોલંકીએ જણાવ્યું હતું, તો પ્રાંથળનાં બાલાસર, જાટાવાડા, લોદ્રાણી, બેલા વગેરે ગામોમાં પણ સાંજે ધોધમાર પડ્યો હોવાનું બાલાસરથી જયેન્દ્રાસિંહ વાઘેલા અને બેલાથી ભૂપતાસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. ગેડી, ફતેહગઢ, પ્રાગપર, હમીરપર, ભીમાસર, આડેસર, વરણુ, સણવા, સુખપર સહિત તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થતાં ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી વ્યાપી હતી. ખડીરમાં પણ વરસાદી ઝાપટાં પડયા હોવાનું અને આ લખાય છે ત્યારે ઝરમર ચાલુ હોવાનું ધોળાવીરા સરપંચ જીલુભા સોઢાએ જણાવ્યું હતું. વાવેતર કરવામાં આવેલા પાકને આ વરસાદથી જીવતદાન મળી ગયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

ભચાઉમાં હાજરી

ભચાઉ નગરમાં સવારે ઝાપટું પડયા બાદ સાંજથી અત્યાર સુધી ઝરમર ઝાપટાં પડતાં પાણી વહી નીકળ્યાં હતાં. ગણપતિ ચોથના અમીરૂપી વરસાદથી સૌકોઈમાં ખુશી ફેલાઈ હતી. ગણપતિ સ્થાપન પૂર્વે વરસાદી માહોલથી ભાવિકો- આમ પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ હતી. આધોઈ, વોંધ, શિકરાપટ્ટીમાં પણ વરસાદનું આગમન થતાં બચી ગયેલા મોલ માટે થોડો ઉપયોગી થશે.

ગઢશીશા પંથકનું દુષ્કાળનું વિઘ્ન હરાયું...

માંડવી તાલુકાના ગઢશીશા પંથકમાં રવિવાર અને સોમવાર બે દિવસથી વરસાદી ઝાપટાંરૂપે કુદરતે વિઘ્ન હર્યું હોય તેમ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદની આશ મુકેલ આ પંથકમાં છેલ્લા બે દિવસથી ભારે ઉકળાટ બાદ રવિવારે બપોર બાદ અને સોમવારે સવારના ભાગ સુધી અંદાજિત 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.   રામપર-વેકરા વિસ્તારમાં ગઢશીશાથી પણ વધારે વરસાદના સમાચાર દામજીભાઈ લીંબડાએ આપ્યા છે. આ વરસાદના કારણે `નેસે' પાણી તો નથી આવ્યા, પણ અબોલ જીવો માટે ઘાસચારા માટે ફાયદાકારક ગણાવી શકાય તો `રામમોલ'ને પણ મહદઅંશે ફાયદાકારક રહી શકશે. વરઝડી, મઉં, રત્નાપર, મકડા, પોલડિયા, કોટડી, દુજાપર, વડવા કાયા, રાજપર, ભેરૈયા, વિરાણી નાની, આશરાણી, ફિલોણ - શેરડી, ગંગાપર, હમલા-મંજલ, ગાંધીગ્રામ, નાની-મોટી  ભાડઈ વિગેરે ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

રતનાલમાં રાત્રે ધોધમાર

રતનાલમાં દિવસભર ઝરમર વરસાદની સાથે રાત્રે 9 વાગ્યા બાદ અડધો કલાક સુધી મેઘરાજાએ ગાજવીજ સાથે ધમાકેદાર બેટિંગ કરી હતી. બે દિવસથી ભારે ઉકળાટ અને ગરમી-બફારામાંથી રાહત મળી હતી તેવું રસિક આહીરે જણાવ્યું હતું.

માંડવીની કાંઠાળપટ્ટી પલળી

કાઠડાથી રમેશ ગઢવીના અહેવાલ અનુસાર માંડવી તાલુકાની કાંઠાળપટ્ટીના કાઠડા, શિરવા, નાના-મોટા લાયજા, મેરાઉ સહિતના વિસ્તારોમાં રવિવારની સાંજથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો, જે સોમવારની સાંજ સુધી અવિરત ચાલુ રહેતાં અનેક વિસ્તારમાં અડધાથી પોણા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ખેડૂતોમાં વરસાદથી રાહતની લાગણી જોવા મળી હતી. વરસાદને કારણે ખેતરોમાં ઊભેલા પાકને  જીવતદાન મળ્યું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. જો કે, પાકને સારો ઉતારો મળે તે માટે હજુ પણ સારો વરસાદ જરૂરી હોવાનું ખેડૂતોનું કહેવું છે. શિરવાના ખેડૂત લખમશીબાપા વાડિયાએ જણાવ્યું હતું કે, રવિવારની સાંજથી સોમવારના બપોર સુધીમાં શિરવા વિસ્તારમાં આશરે 18 મિ.મી. વરસાદ નોંધાયો છે.

પચ્છમમાં મેઘકૃપા

ખાવડાથી હીરાલાલ રાજદેના અહેવાલ મુજબ બે-ત્રણ દિવસથી સખત ઉકળાટ અને તાપથી ત્રાહિમામ પોકારી ગયેલી પચ્છમ વિસ્તારની પ્રજાને સાંજે ચાર વાગ્યા પછી વરસાદનું આગમન થતાં રાહત થઇ હતી. મુખ્યમથક ખાવડામાં 11 મિ.મી. અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. ઉત્તર તરફના ગામડા કુરન, ધ્રોબાણા સહિત કાળા ડુંગર પર તેમજ પાસી તરીકે ઓળખાતા ખારી, અંધૌ, દદ્ધર વિ. ગામોમાં પણ અડધા ઇંચ જેટલો વરસાદ પડયો હોવાના અહેવાલ મળ્યા છે. કુરનના સુરૂપાજી સોઢાએ મુરઝાઇ રહેલા મોલને જીવતદાન મળવાની સાથે ઘાસચારાની સંભાવનાથી નિરાશ માલધારીઓ અને ખેડૂતોમાં નવી આશા બંધાઇ હોવાનું જણાવ્યું હતું. પૂર્વ તરફના ગામોમાં વરસાદ પડયો નથી.

નખત્રાણા તાલુકામાં પાણી વહ્યાં

મોટી વિરાણીથી પ્રતિનિધિ ઉમર ખત્રીએ જણાવ્યું હતું કે, મોટી વિરાણી, રામેશ્વર, સુખપર, ગડાપોઠા, ભારાપર, વાંઢ વિસ્તારમાં 20 મિનિટ જોરદાર વરસાદ વરસતાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. નેત્રા, લક્ષ્મીપર, બાડિયા વિસ્તારમાં બપોર બાદ વરસાદી હેલી આવતાં પાણી વહી નીકળ્યાનું હારૂન કુંભારે જણાવ્યું હતું.

આમારાથી માજી ઉપસરપંચ વેરશી આહીરે જણાવ્યું હતું કે, આમારા, કરોલપીર, રતડિયા વિસ્તારમાં પાણી વહી નીકળ્યાં હતાં. ટોડિયાથી સરપંચ સુરૂભાભાઇએ 20 મિનિટ જોરદાર વરસાદથી પાણી વહી નીકળ્યાના સમાચાર આપ્યા હતા.

ભુજ તાલુકામાં અડધાથી એક ઇંચ

ભુજ તાલુકાના વિવિધ પંથકમાં સવારથી સાંજ સુધી મેઘરાજાએ મહેર વરસાવતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લાખોંદ, પદ્ધર, કાળી તલાવડી, લેર, કોટડા ચકાર, રેહા સહિતના વિસ્તારોમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો. પદ્ધરના રમેશભાઇ ખેતાભાઇ આહીરે જણાવ્યું કે, મેઘરાજા મન મૂકીને વરસી જાય તો ખેડૂતોના પાકને જીવતદાન મળી શકે તેમ છે. રેહા સરપંચ ગેલુભા જાડેજાએ જણાવ્યું કે, હાલના વરસાદથી ખેડૂતોમાં આશા જાગી છે. કોટડા આથમણા સરપંચ મનસુખભાઇ માકાણીએ જણાવ્યું હતું કે, વન-વગડામાં ઘાસચારો અને પાણીની તંગી હળવી થઇ શકે છે.

હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે હજુ બે દિવસ એટલે કે મંગળ અને બુધવારે પણ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે મંગળવારે ઓરેન્જ તો બુધવારે યલો એલર્ટ જારી કર્યું છે. ચોમાસું ધરી પણ કચ્છના નલિયા નજીકથી પસાર થતી હોવાની સાથે ચાર અલગ અલગ સિસ્ટમના પ્રભાવથી કચ્છ સહિત રાજ્યમાં સારો વરસાદ વરસી શકે છે.

વાગડમાં વીજળી પડવાથી બે યુવાનનાં મોત

વાગડમાં વીજળી પડવાની બે અલગ-અલગ ઘટનામાં બે યુવાનનાં મોત નીપજ્યા છે. રાપરના જીલારવાંઢ ગામે સાંજે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે આકાશી વીજળી પડતાં કેસાભાઈ કોળીનું મોત નીપજ્યું હતું. જીલારવાંઢ ગામના કેશાભાઈ કોલી નામના યુવાન સાંજના સમયે સીમ વિસ્તારમાં ગયા હતા. દરમિયાન અચાનક ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. આકાશી વીજળી પડતાં તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું, તો બીજા બનાવમાં આડેસરના જયંતીભાઈ ભવાન પરમાર પર વીજળી પડતાં તેમનું મોત નીપજતાં પરિવારજનો શોકમાં મૂકાયા હતા. દરમિયાન અબડાસા તાલુકાના ઉમિયા મા મંદિર પર વીજળી પડતાં શિખરને નુકસાન થયું હતું.

થોડા જ વરસાદમાં ફરી ભાનુશાલીનગરમાં જળભરાવ

ભુજ, તા. 14 : આજે સવારે થોડા સમય માટે પડેલા વરસાદથી બદામી છેલા નજીક આવેલા ભાનુશાલીનગરમાં જળભરાવ થતાં રહેવાસીઓ પરેશાન થયા હતા. એકાદ ઇંચ વરસાદમાં જ અનેક શેરીઓમાં પાણીના ભરાવા માટે રહેવાસીઓએ આડેધડ બાંધકામ અને પાણી નિકાલના રસ્તે દબાણને જવાબદાર લેખાવી તાત્કાલિક પગલાં ભરવાં માંગ કરી હતી. આ રહેવાસી વિસ્તારમાં દરવર્ષે ચોમાસામાં જળભરાવની સ્થિતિ નિર્માણ પામે છે. આશરે એક દશક કરતાં વધુ સમયથી આ સમસ્યા યથાવત્ જ રહ્યાનો બળાપો રહેવાસીઓએ વ્યક્ત કર્યો હતો. રહેવાસીઓએ જણાવ્યું કે, રેતી-કાંકરીના ઢગલાંને કારણે બદામી છેલામાં જતું પાણી રોકાઇ જતાં છેલા નજીકની શેરીના અનેક ઘરમાં પાણી ઘૂસી આવ્યાં હતાં.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd