• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

પ. કચ્છમાં ફોરલેન માટે 363 કરોડની મંજૂરી

અમદાવાદ, તા. 14 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અતિમહત્વના ધોરીમાર્ગોને 7 મીટર માંથી 10 મીટર જેટલા પહોળા કરવા કચ્છ જિલ્લાને 363 કરોડ તેમજ 10 મીટર માર્ગને ફોરલેન કરવા માટે બનાસકાંઠા જિલ્લાને 229 કરોડ રૂપિયા મળીને કુલ 692 કરોડ રૂપિયા ફાળવ્યા છે. તદઅનુસાર, હાઈ સ્પીડ કોરિડોર અંતર્ગત કચ્છ જિલ્લામાં પાન્ધ્રો નારાયણ સરોવર રોડ, લખપત નારાયણ સરોવર રોડ અને દયાપર-સુભાષપર પાન્ધ્રો રોડ એમ ત્રણ માર્ગોને 7 મીટરથી 10 મીટર પહોળા કરવાના કામો માટે 363 કરોડ રૂપિયાના કામો મંજૂર થયા છે. એટલું જ નહીં, ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં શિહોરી, પાટણ રોડને 10 મીટરથી પહોળો કરીને ફોરલેન કરવા માટે 229 કરોડ રૂપિયાનું કામ મંજુર કર્યું છે. કચ્છ અને બનાસકાંઠાના આ રસ્તાઓ આજુબાજુના તાલુકાઓને એકબીજા સાથે જોડતા હોવાથી ગ્રામજનો માટે અત્યંત મહત્વના પુરવાર થશે. તેમજ 10.00 મીટર પહોળા અને ફોરલેન બનવાથી આસપાસના નાના-મોટા ઔદ્યોગિક, તથા વાણિજ્ય વિસ્તારોમાં અવરજવર કરતાં ભારે વાહનો વધુ ઝડપથી અને સુરક્ષિત રીતે પસાર થઈ શકશે. પરિણામે સ્થાનિક ઉદ્યોગો, વેપાર-ધંધા તથા કૃષિ ઉત્પાદનોના પરિવહનમાં પણ નોંધપાત્ર સરળતા થશે. કચ્છ જિલ્લામાં આ માર્ગોના પહોળા થવાથી તથા સુદ્રઢીકરણથી નારાયણ સરોવર, કોટેશ્વર જેવા યાત્રાધામો તથા આસપાસના પ્રવાસન સ્થળો સુધી પહોંચવું વધુ સરળ અને આરામદાયક બનશે અને પરિણામે આ વિસ્તારમાં પ્રવાસન ક્ષેત્રનો પણ સારો એવો વિકાસ થવાની સંભાવના છે. મહત્વનું છે કે, રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ વધારીને સર્વગ્રાહી વિકાસની પ્રતિબદ્ધતા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ મકાન વિભાગને 692 કરોડ રૂપિયા રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવ્યા છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી કચ્છ અને બનાસકાંઠાના સર્વાંગી વિકાસને વેગ મળશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd