અંજાર, તા. 21 : શહેરના વોર્ડ નં.4માં જાહેરમાં કચરો ફેંકનારા અને બિનજરૂરી
પાણીનો વ્યય કરનારા સામે દંડાત્મક કાર્યવાહીના મુદ્દે સ્થાનિક નગરસેવકોએ પાલિકાના મુખ્યઅધિકારી
સમક્ષ રજૂઆત કરી હતી. વોર્ડ નં.4ના નગરસેવક
રાજેન્દ્રસિંહ જાડેજા, દીપકભાઈ આહીર,
મીનાક્ષીબેન પ્રજાપતિ અને હમીલાબેન ખત્રીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું
કે, અમારા વિસ્તારોમાં નિયમિત કચરા એકત્રિત કરવાની ગાડી આવતી
હોવા છતાં કેટલાક લોકો દ્વારા જાહેરમાં કચરો
નાખવામાં આવે છે, જેના કારણે ગંદકીના ગંજ ખડકાયા છે. ખાસ કરીને
વીર ભગતસિંહનગરના માર્ગ પાસેના મુખ્ય માર્ગ, દેવનગર મુખ્ય રોડ,
ગંગોત્રી ગરબી ચોક, જલારામમાં રેલવે પાટા પાસે,
સ્વામી વિવેકાનંદનગર હાઉસિંગ બોર્ડની છેલ્લી શેરી, ગાયત્રી સોસાયટીની છેલ્લી લાઈન તેમજ એકતાનગર વિગેરે સ્થળોએ કચરાના ઢગલા જોવા
મળે છે. આ ઉપરાંત જાહેર રસ્તા ઉપર બિનજરૂરી પાણી ઢોળવામાં આવે છે, જેને લઈને કાદવ કીચડ થાય છે અને રસ્તાઓને નુકસાન થાય છે. પાલિકાની ટીમ દ્વારા
વોર્ડમાં નિરીક્ષણ કરી સંબંધિત સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી
હતી. આગામી 15 દિવસમાં આ
અંગે પાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે,
તો વોર્ડના હિતમાં અને સ્વચ્છતા
મુદ્દે લોકશાહીઢબે આંદોલન કાર્યક્રમ આપવાની ચીમકી પણ વિપક્ષે ઉચ્ચારી હતી.