ભુજ, તા. 21 : તાજેતરમાં ભુજ ખાતે આશાપુરા
ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના પ્રણેતા અને સ્વપ્નદૃષ્ટા નવનીતલાલ રતનજી શાહની 100મી જન્મજયંતી રંગેચંગે ઊજવાઇ
હતી. જે અંતર્ગત આશાપુરા ફાઉન્ડેશન દ્વારા એક દિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આર્ષ અધ્યયન કેન્દ્રના પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ ઉદ્બોધન આપી સર્વેને આશીર્વચન આપ્યા
હતા. સમગ્ર ગ્રુપના કર્મચારીઓનાં બાળકોનો સરસ્વતી સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ
યોજાયો હતો. આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના પ્રણેતા બાપુજીના શતાબ્દી મહોત્સવની યાદગાર
ઉજવણી કરાઇ હતી. સ્ટાફ પરિવારના સંતાનો કે જેઓ ધો. 10-12, સ્નાતક, ઉચ્ચ
સ્નાતક તેમજ મેડિકલ, એન્જિનીયરિંગ જેવા અન્ય શૈક્ષણિક ક્ષેત્રે
તેજસ્વી દેખાવ કરવા બદલ તેઓને સન્માનવામાં આવ્યા હતા. 50 બાળકોમાં છુપાયેલા હુન્નરને
ઉજાગર કરવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો, જેઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આશાપુરા
ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ પરિવારના દિનાબેન ચેતનભાઇ શાહ તેમજ ચૈતાલીબેન હાજર રહી તેઓના
શરૂઆતી સમયની કપરી પરિસ્થિતિથી કંપનીને કઇ રીતે આગળ લાવ્યા તેના સંસ્મરણો વાગોળ્યાં
હતાં. ગ્રુપના દરેક પ્લાન્ટમાંથી અધિકારી વર્ગ તથા સમગ્ર સ્ટાફ પરિવાર સહિત હાજર રહી
કાર્યક્રમનો આસ્વાદ લીધો હતો. આમ, સમગ્ર દિવસ કાર્યક્રમોની હારમાળા
સાથે આશાપુરા ગ્રુપના પ્રણેતાની 100મી જન્મજયંતીની ઉજવણી યાદગાર બની હોવાનું જણાવાયું હતું. આશાપુરા
પરિવારના ચેતનભાઇ શાહ, દિનાબેન શાહ
તેમજ મનનભાઇ શાહની પ્રેરણાથી કંપનીના વિવિધ વિભાગ આશાપુરા ફાઉન્ડેશન-વંદે માતરમ્ મેમોરિયલ,
એપીએલ, ભુજોડી-લેર, બરાયા,
પદ્ધર, મમુઆરા, હમલા-મંજલની
ટીમના દરેક ઉચ્ચ અધિકારી સહિતના કર્મચારીઓની મહેનત રંગ લાવી હતી.