• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

તાડપત્રી વિનાના વેસ્ટ ક્લે ભરેલાં ડમ્પરોથી હાઇવે પર થતું પ્રદૂષણ

ભુજ, તા. 12  :  ભુજ-ભચાઉ હાઈવે પર નાડાપા, ધાણેટી, મમુઆરા સહિતના વિસ્તારોમાંથી સફેદ પાઉડર (વેસ્ટ કલે) ભરેલાં ડમ્પરો તાડપત્રી (કવર) વગર ખુલ્લેઆમ દોડતાં જોવા મળી રહ્યાં છે. નિયમોનું ઉલ્લંઘન કરતાં આવાં વાહનોના કારણે હાઈવે પર અકસ્માતનો ભય તો વધી જ રહ્યો છે, સાથેસાથે ધૂળ પ્રદૂષણની સમસ્યા પણ ગંભીર બની રહી છે.    ખુલ્લા ડમ્પરમાંથી સતત ઊડતા સફેદ પાઉડર (વેસ્ટ કલે)ના કારણે પાછળથી આવતા વાહનચાલકોને રસ્તો સ્પષ્ટ દેખાતો નથી. ખાસ કરીને બાઈકચાલકો, કારચાલકો અને અન્ય નાનાં વાહનચાલકો માટે આવી સ્થિતિ જોખમી બની રહી છે. એટલું જ નહીં, ડમ્પરમાંથી રસ્તા પર ખનિજ પડી જવાથી માર્ગ લપસણો બનવાની શક્યતા પણ વધી જાય છે, જેના કારણે અકસ્માત સર્જાઈ શકે છે. ભુજ-ભચાઉ હાઈવે પર દરરોજ હજારો વાહનોની અવરજવર રહે છે. ભારે માલવાહક વાહનો ઉપરાંત ખાનગી વાહનો, બસો અને એમ્બ્યુલન્સ જેવાં જરૂરી વાહનો પણ આ માર્ગ પરથી પસાર થાય છે. મોટર વાહન નિયમો અનુસાર છૂટો માલ લઈ જતાં વાહનોમાં માલને તાડપત્રીથી ઢાંકવો ફરજિયાત છે, જેથી રસ્તા પર માલ ન પડે અને ધૂળનું પ્રદૂષણ પણ અટકે. તેમ છતાં નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવા છતાં  આવાં વાહનો આર.ટી.ઓ., ટ્રાફિક પોલીસ અને સંબંધિત તંત્રની નજરે કેમ પડતાં નથી ? તેવા સવાલો જાગૃત નાગરિકોમાં ઊઠી રહ્યા છે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં કોઇ ગંભીર અકસ્માત સર્જાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

Panchang

dd