નખત્રાણા, તા. 2 : શનિવારે તાલુકા સંકલનની બેઠક
પ્રાંત કચેરી ખાતે મળી હતી, જેમાં ગત સંકલનમાં
રજૂ કરાયેલા પ્રશ્નોનો ઉકેલ આવતો ન હોય તો આવી બેઠકોનો શું અર્થ તેવો પ્રશ્ન ઉઠાવાયો
હતો. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં નાયબ કલેક્ટર ઉત્સવ ઉજ્જવલના અધ્યક્ષસ્થાને
મળેલી તાલુકાની સંકલન ફરિયાદ બેઠકમાં વરસાદી સિઝનમાં મચ્છરજન્ય રોગો સામે આરોગ્ય તંત્ર
દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ, પાણી પુરવઠાના પાણીના ટાંકાની સફાઈ, ક્લોરીન દવાઓ,
સ્વચ્છતા જાળવવા, પશુઓ માટે રાહત ભાવે માલધારીઓને
અપાતા ઘાસ વિતરણની મુદત વધારવા, પશુપાલકોના કાર્ડ ઈશ્યૂ કરવા,
જાહેર માર્ગો પર વધેલી બાવળની ઝાડી દૂર કરવા, એસ.ટી.
રૂટની અનિયમિત સેવા સુધારવા, પશુ દવાખાનામાં આવશ્યક દવાઓ ઉપલબ્ધ
કરાવવા, નર્મદા લાઈનમાંથી થતી પાણીની ચોરી અટકાવવા, જળાશયોની સફાઈ, પશુઓને અપાતી ઘાસની ગાંસડીમાં આવતી ઘાટીની
તપાસ કરવા, કસ્તૂરબા ગાંધી કન્યા છાત્રાલયના નબળા કામ મુદ્દે
તપાસ કરી કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ કરવા, સ્ટ્રીટ લાઈટ સમસ્યા
નિવારવા, દારૂનું દૂષણ નાથવા, ભુજ-મકડા
રૂટની બસ જે વિદ્યાર્થીઓ-દર્દીઓ માટે જરૂરી છે તે નિયમિત દોડાવવા સહિતના પ્રશ્નો રજૂ
કરાયા હતા. જો કે, નગરપાલિકા પ્રમુખ વસંત વાઘેલાએ આક્રોશ સાથે
જણાવ્યું હતું કે, ગત સંકલનમાં રજૂ થયેલા પડતર પ્રશ્નોનો નિકાલ
થતો ન હોય તો આવી બેઠકનો શો અર્થ તેવો વેધક સવા ઉઠાવ્યો હતો. આ બેઠકમાં તાલુકા પંચાયત
પ્રમુખ ભારતીબેન ગોસ્વામી, તાલુકા મામલતદાર આર.કે. પટેલ,
તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવી સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત
રહ્યા હતા. આભારવિધિ શિવજીભાઈ પાયણે કરી હતી.