• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

ધ્રબના યાર્ડમાં ફોરક્લિપથી અકસ્માતમાં યુવાનનું મોત

ભુજ/ગાંધીધામ, તા. 2 : ગઈકાલે મુંદરાના ધ્રબ ખાતેના યાર્ડમાં ફોરક્લિપના અકસ્માતથી મૂળ બિહારના 21 વર્ષીય યુવાન દીપકકુમાર ઉમેશ રાયનું ગંભીર ઈજાનાં પગલે મૃત્યુ થયું હતું. બીજી તરફ અંજારના વરસામેડીથી ગાંધીધામ આવતી બાઈકને પાછળથી ટેમ્પોએ ટક્કર મારતાં બાઈક પર સવાર ગાયત્રીબેન ઉર્ફે સીમા સાજણકુમાર અશોક ઠક્કરનું મોત થયું હતું. આ ઉપરાંત ભચાઉમાં અજાણ્યા વાહનની હડફેટે 40 વર્ષીય અજાણ્યા યુવાને જીવ ખોયો હતો.મુંદરાના ધ્રબ ખાતેના અદાણી પોર્ટ ઓલ કાર્ગો સી.એફ.એસ. યાર્ડમાં ગઈકાલે સાંજે દીપકકુમાર તેના હાઈડ્રા મશીનથી કામ પૂર્ણ કરી ઊભો હતો ત્યારે ફોરક્લિપ નં. જી.જે.-12-સીએમ-3011વાળાના ચાલકે પૂરઝડપે ચલાવી દીપકકુમારને અડફેટે લેતાં લોખંડની ક્લિપ સાથળમાં ભટકાવી દેતાં નસ ફાટી ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ દીપકકુમારને પ્રથમ સ્થાનિક, બાદમાં ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ નસ ફાટવાના લીધે વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા ત્યારે આજે વહેલી સવારે જ દીપકકુમારે દમ તોડી દીધો હતો. આ બનાવ અંગે  દીપકકુમારના ભાઈ મુનાકુમારે મુંદરા પોલીસ મથકે ફોરક્લિપના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. વરસામેડીની અંબિકા-1 સોસાયટીમાં રહેનાર ફરિયાદી બાબુ ઉર્ફે રાજુ રામશિવજી ટીકરિયા પોતાના ઓળખીતા સાજણ ઠક્કરના ઘરે અંબિકાનગર-બેમાં ગયા હતા. જ્યાં સાજણભાઈના પત્ની ગાયત્રીબેન તથા માતા સંકુતલાબેન હાજર હતા. ગાયત્રીબેનએ ગાંધીધામ ડી-માર્ટમાં રાશન લેવા જવાનું કહેતાં ફરિયાદી તથા આ મહિલા બાઈક નંબર જી.જે.-12-ઈ.એન.- 3187 લઈને ગાંધીધામ જવા નીકળ્યા હતા. બાઈક એરપોર્ટ જતાં રોડ પર વળાંક પાસે પહેંચતાં ત્યારે પાછળથી આવતા ટેમ્પો નંબર જી.જે.-12-સી.વી.-1305એ ટક્કર મારતાં બાઈકસવાર બંને નીચે પટકાયા હતા જેમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મોત થયું હતું. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વધુ એક બનાવ ભચાઉમાં પટેલ ટ્રેક્ટર શો-રૂમ સામે હાઈવે રોડ પર ગત તા. 25/7ના બન્યો હતે. અહીંથી પસાર થતા 40 વર્ષીય અજાણ્યા યુવાનને અજાણ્યા વાહનચાલકે હડફેટમાં લેતાં તેનું મોત થયું હતું. અજાણ્યા વાહનચાલક સામે હસમુખ ગાંગજી સુથારએ પોલીસ મથકે ફરિયાદ નેંધાવી હતી. 

Panchang

dd