નવી દિલ્હી, તા. 2 : નીટ પેપર
લીક અને છાત્રોનાં આંદોલન અને આક્રોશની પૃષ્ઠભૂમિમાં કેન્દ્ર સરકારે 30 ઓગસ્ટના યોજાનારી નીટ-પીજી
2026 પરીક્ષામાં વ્યાપક સુધારાઓની
જાહેરાત કરી છે. આ સુધારાઓમાં ઉમેદવારોને તેમનાં નિવાસસ્થાનની નજીક પરીક્ષા કેન્દ્ર
ફાળવવું, પરીક્ષા શહેરની અગાઉથી જાણકારી આપવી,
એક જ શિફ્ટમાં પરીક્ષા યોજવી અને દરેક પ્રશ્ન માટે વધુ સમય આપવા સહિતનો
સમાવેશ થાય છે. આ પગલાંનો હેતુ ઉમેદવારોનો તણાવ ઘટાડવાનો તેમજ આધારકાર્ડ વેરિફિકેશન,
બાયોમેટ્રિક ચકાસણી, એક્રિપ્શન અને લાઈવ મોનિટારિંગ
દ્વારા પરીક્ષાની સુરક્ષા વધુ મજબૂત બનાવવાનો છે.
નીટ-પીજીના ઉમેદવારોને તેમનાં ઘર નજીક પરીક્ષા કેન્દ્ર મળવાની વધુ શક્યતા રહેશે,
પરીક્ષા શહેરની જાણ અગાઉથી કરવામાં આવશે, દરેક
પ્રશ્ન માટે વધુ સમય મળશે અને પરીક્ષામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે કડક સુરક્ષા
વ્યવસ્થા રહેશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા
કરીને અધિકારીઓને સૂચના આપી હતી કે, પરીક્ષા કોઈ પણ અવરોધ વિના,
સુરક્ષિત અને આધુનિક ટેક્નોલોજીના આધારે યોજવામાં આવે. આ વર્ષે નીટ-પીજી 2026 માટે કુલ 2,73,183 ઉમેદવારે નોંધણી કરાવી છે, જે ગયા વર્ષની સરખામણીએ 12.5 ટકા કરતાં વધુ વૃદ્ધિ દર્શાવે
છે. સૌથી મોટો ફેરફાર પરીક્ષા કેન્દ્રની ફાળવણી પ્રક્રિયામાં કરવામાં આવ્યો છે. અગાઉ
વહેલા તે પહેલાના ધોરણે પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતું હતું, પરંતુ હવે આ પ્રથા બંધ કરવામાં આવી છે. નવી
વ્યવસ્થા મુજબ ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર માટે ત્રણ પસંદગીનાં રાજ્યો પસંદ કરવા પડશે,
જેમાં પોતાનાં રાજ્યને પ્રથમ પ્રાથમિકતા આપવી ફરજિયાત રહેશે. - ત્રણ સપ્તાહ પૂર્વે ઉમેદવારોને
સ્થળ અપાશે : ઉમેદવારોને
30 ઓગસ્ટે યોજાનારી પરીક્ષા પહેલાં
અંદાજે ત્રણ અઠવાડિયા અગાઉ તેમને ફાળવાયેલાં પરીક્ષા શહેરની માહિતી આપવામાં આવશે, જેથી તેઓ મુસાફરી અને રહેવાની યોગ્ય વ્યવસ્થા
સમયસર કરી શકે. અત્યાર સુધી ઉમેદવારોને પરીક્ષા પહેલાના થોડા દિવસો અગાઉ જ શહેર અને
કેન્દ્રની માહિતી મળતી હોવાથી તેમને આયોજનમાં મુશ્કેલી અને વધારાનો ખર્ચ સહન કરવો પડતો
હતો. - વૈકલ્પિક પ્રશ્નોની સંખ્યા
ઘટાડાઈ : નેશનલ બોર્ડ ઓફ એકઝામિનેશન્સ ઈન મેડિકલ
સાયન્સીસ એનબીઈએમએસએ પરીક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કર્યો છે, હવે ઉમેદવારોએ 180 બહુવિકલ્પીય પ્રશ્નોના જવાબ
210 મિનિટમાં આપવા રહેશે. અગાઉ
પરીક્ષામાં 200 પ્રશ્ન પૂછાતા હતા, જેના કુલ 800 ગુણ હતા. જો કે, પરીક્ષાનો કુલ સમય યથાવત્ રાખવામાં આવ્યો છે,
પરંતુ હવે પ્રશ્નોની સંખ્યા ઘટાડાતાં ઉમેદવારોને દરેક પ્રશ્ન માટે અગાઉ
કરતાં વધુ સમય મળશે. છેલ્લાં કેટલાક વર્ષોમાં
કેટલીક પરિસ્થિતિઓને કારણે પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવતી હતી, પરંતુ હવે પરીક્ષા માત્ર એક જ શિફ્ટમાં યોજાશે. કેન્દ્ર સરકારે પરીક્ષાની સુરક્ષા
અને પારદર્શિતા વધારવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકી છે. અરજીથી લઈને પરીક્ષાના
દિવસ સુધી આધાર આધારિત ઓળખ ચકાસણી કરવામાં આવશે. જો ફિંગરપ્રિન્ટથી ઓળખ શક્ય નહીં બને,
તો આઈરિસ બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. પ્રશ્નપત્રોની સુરક્ષા
માટે બહુસ્તરીય એક્રિપ્શન ટેક્નોલોજી, સુરક્ષિત ઓફલાઇન તૈયારી
અને પરીક્ષા શરૂ થાય તે પહેલાં નિયંત્રિત રીતે ડિજિટલ ડિક્રિપ્શન કરવામાં આવશે. ઉપરાંત
નકલ, ખોટા ઉમેદવારો અને અન્ય ગેરરીતિઓ અંગે ફરિયાદ કરવા માટે
અલગ ઈ-મેઇલ વ્યવસ્થા પણ શરૂ કરી છે. 2026ની પરીક્ષા દેશના આશરે 340 શહેરમાં આવેલાં 1,300થી વધુ પરીક્ષા કેન્દ્ર પર એક જ શિફ્ટમાં યોજાશે. પરીક્ષા માટે
60,000થી વધુ કર્મચારીની નિમણૂક કરવામાં
આવશે. સુરક્ષા વ્યવસ્થામાં પરીક્ષા કેન્દ્રોની પૂર્વ તપાસ, સીસીટીવી દેખરેખ, બાયોમેટ્રિક
ચકાસણી, ઉમેદવારોની તપાસ, સિગ્નલ જામર,
કમ્પ્યુટરની સુરક્ષિત ફાળવણી અને લાઈવ મોનિટારિંગ જેવી સુવિધાઓનો સમાવેશ
કરવામાં આવશે.