મુંદરા, તા. 2 : બંગાળની ખાડી સહિતની અલગ-અલગ સિસ્ટમ સર્જાયાને પગલે ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી કરાઈ અને લગભગ
કચ્છમાં પણ ચોમાસાંનો ખેડૂતોને લાભદાયક વરસાદ થયો,
પણ બીજા દિવસની આગાહીમાં માત્ર મુંદરામાં અને એ પણ સવારે પોણો કલાકમાં
એક ઈંચની ધમાકેદાર હાજરી નોંધાઈ હતી. ગઈકાલના
ત્રણ ઈંચ પછી રાતે પોરો ખાધા બાદ રવિવાર સવારથી વરસાદી માહોલ જામ્યો અને શાનદાર રીતે
બપોરે 11 વાગ્યા સુધીમાં જ એક ઇંચ પાણી
પડી ગયું હતું. રસ્તાઓ પર થોડીવાર માટે પાણી વહી નીકળતાં અને ઠંડક પ્રસરી જતાં નગરજનો
ખુશ થયા હતા. સત્તાવાર આંક મુજબ, સવારે
6થી 12 દરમિયાન 27 મિ.મી વરસાદ
સાથે મોસમનો કુલ વરસાદ 142 મિ.મી. એટલે
કે છ ઈંચ જેવો થઈ ગયો છે. સવારે શહેરના જવાહર ચોક,
માંડવી ચોક, વાંકલ બજાર, નવલખા બંગલા સહિત અનેક વિસ્તારમાં પાણી વહ્યાં હતાં. મુંદરા તાલુકા વિસ્તારના અહેવાલ મુજબ નાના કપાયા
અને ધ્રબ વિસ્તારમાં પણ એક ઈંચ જેટલો સવારે વરસાદ થયો હતો. સમાઘોઘામાં સવારે 10 વાગ્યા આસપાસ સાધારણ અડધો ઈંચ
જેટલો નોંધાયો હતો. કારાઘોઘા ડેમ હજુ 1 મીટર જેટલો ભરાવાનો
બાકી છે. બાકી, તાલુકામાં અન્ય મોટેભાગે
સવારે માત્ર ઝરમર રહી હતી. ખેડૂતોએ જણાવ્યું
કે, 8-10 દિવસ પહેલાં મુંદરામાં પડેલા
પ્રથમ વરસાદે દુષ્કાળની ભીતિ વચ્ચે નવી આશા જગાડી છે. ગઇકાલે પડેલો વરસાદ જાણે મીઠાઈ
પર ચાંદીની વરખ ચડાવ્યા સમાન છે, પણ હજુ
આપણે ચોમાસાંના અડધે પહોંચ્યા છીએ, ઘણી આશા છે.