• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

ચોમાસું આવતાં તાડપત્રીની માંગ વધી, પરંતુ યુદ્ધની અસરનાં કારણે ભાવવધારો નડયો

ભુજ, તા. 2 : ચોમાસાની સિઝનમાં માલસામાનની જાળવણી અને સુરક્ષા માટે ઉપયોગી પ્લાસ્ટિક અને કોટનની તાડપત્રીની કિંમતમાં ગત વર્ષની સરખામણીમાં પ્લાસ્ટિકના દાણાના ભાવ યુદ્ધનાં કારણે વધી જતાં તાડપત્રીમાં 10 ટકાથી  15 ટકાનો વધારો આવ્યો છે, જ્યારે કોટન-કેનવાસની તાડપત્રીના ભાવ ગત વર્ષ હતા તે મુજબ રહ્યા છે. માધાપર હાઇવે ઉપર આવેલા વેપારી પરિન રાજગોરે જણાવ્યું હતું કે, અમેરિકા-ઇરાન યુદ્ધનાં કારણે જે રીતે પેટ્રોલના ભાવ વધ્યા છે તે રીતે પેટ્રોલિયમ પેદાશ પ્લાસ્ટિકના દાણામાં ભાવ વધારાથી તાડપત્રી મોંઘી થઇ છે. તેમણે વધુમાં કહ્યું કે, વર્તમાન સમયમાં કોટનની તાડપત્રી કરતાં પ્લાસ્ટિકની તાડપત્રીનું વેચાણ વધી ગયું છે. ભુજનાં વેચાણની વાત કરતાં તેમણે ખાવડામાં આવેલા સોલાર-મીઠાં ઉદ્યોગનાં કારણે વેચાણ વધ્યું છે. ખેતીવાડીમાં હોજમાં પણ ખેડૂતો પ્લાસ્ટિક તાડપત્રીનો ઉપયોગ કરી રહ્યા છે. સિમેન્ટ કોંક્રીટના ભાવે બનતા હોજ કરતાં તાડપત્રીના ઉપયોગથી બનતા પાણી સંગ્રહ માટેના હોજ સસ્તા બની રહ્યા છે. બાકી ટ્રાન્સપોર્ટ અને ખનિજ ઉદ્યોગમાં મોટેપાયે પ્લાસ્ટિકની તાડપત્રીનો ઉપયોગ થઇ રહ્યો છે. કચ્છમાં 110 જીએસએમથી લઇને 400 જીએસએમ સુધીની વર્જિન તાડપત્રીની માંગ રહી છે. પ્લાસ્ટિક તાડપત્રીની સાથે એલડી સીટનો લોકો માલસામાનને કલર કરવા અને બાંધકામને મજબૂત કરવા ઉપયોગ કરી રહ્યા છે. એક સમયે પ્લાસ્ટિકની તાડપત્રીનો વેપાર સિઝનેબલ હતો, પરંતુ ધરતીકંપ પછી કચ્છની વિકાસયાત્રાએ તાડપત્રીના વેપારને બારમાસની શ્રેણીમાં લાવી દીધો છે. તાડપત્રીની સાથે મીઠાંનું પરિવહન કરતાં વાહનો ગ્રીનનેટનો પણ આવરણ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. નાસ્તાની લારીવાળા પણ વરસાદી વાતાવરણ અને ઉનાળામાં તાડપત્રી અને ગ્રીનનેટને પસંદ કરી રહ્યા છે. 

Panchang

dd