નવી દિલ્હી, તા. 2 : ભારતમાં ધીમી શરૂઆત બાદ ચોમાસાંએ જમાવટ કરી લીધી છે અને ઘણા
રાજ્યોમાં તો ભારે વરસાદને લીધે જનજીવન ખોરવાઈ રહ્યું છે. કેરળમાં અનરાધાર વરસાદ બાદ
પૂર અને ભૂસ્ખલનને લીધે કમસે કમ આઠ જણ માર્યા ગયા છે, તો આઠ જણ લાપતા છે. કર્ણાટકમાં પણ ત્રણ જણનાં
મૃત્યુ થયાં છે. ઝારખંડમાં વીજળી પડતાં ત્રણ જણ માર્યા ગયા છે. બીજી તરફ વિશ્વ હવામાન
વિજ્ઞાન સંગઠન (ડબલ્યુએમઓ)ના જણાવ્યા અનુસાર હિન્દ મહાસાગરમાં પોઝિટિવ ઈન્ડિયન ડિપોલ રચાય તેવી શક્યતા છે, જેને લીધે અલ નીનોની
અસર ઓછી થઈ જશે. અલ નીનોને લીધે ભારતમાં ચોમાસું
અત્યાર સુધી નબળું રહ્યું છે, પણ હવે એવી આશા છે કે, પોઝિટિવ આઈઓડીની સિસ્ટમ રચાવાને લીધે અલ નીનોની અવળી અસર ઓછી થઈ જશે. તે હિન્દ
મહાસાગરમાં પશ્ચિમથી પૂર્વની સપાટી પરના તાપમાનને લગતી પેટર્ન છે. દરમ્યાન,
કર્ણાટકના શિવમોગા જિલ્લામાં આજે સવારે ભૂસ્ખલનને લીધે એક જ પરિવારના
ત્રણ જણનાં મોત થઈ ગયાં હતાં. બીજી તરફ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં છતરુ વિસ્તારમાં
ગઈકાલે વાદળ ફાટયા બાદ અચાનક પૂર આવ્યું હતું. અનેક મકાનો અને દુકાનોને નુકસાન થયું
હતું. બે કાર ધસમસતાં પાણીમાં વહી ગઈ હતી. કેરળમાં પણ ભારે વરસાદે કહેર મચાવ્યો છે.
ભૂસ્ખલન સહિતના અલગ-અલગ બનાવોમાં કમસે કમ આઠ જણ માર્યા ગયા છે. સરકારે 209 રાહત કેમ્પ ઊભા કર્યા છે, જેમાં પ792 લોકોને આશ્રય અપાયો છે.