રજનીકાંત કોટડિયા દ્વારા : ગાંધીધામ, તા. 2 : લોકશાહીને જીવંત રાખવા માટે મતદારોએ લોકશાહીનાં મહાપર્વમાં ઉત્સાહપૂર્વક
સહભાગી થવું અત્યંત જરૂરી છે, પરંતુ
26 એપ્રિલ 2026ના ગાંધીધામ કોર્પોરેશનની ચૂંટણીમાં
મતદાનમાં નિરાશા જોવા મળી હતી. માત્ર 46 ટકા મતદાન થયું હતું, પણ ખર્ચ વ્યાપક આવ્યો છે. મહાનગરની ચૂંટણીમાં એક મત 33 રૂપિયામાં પડયો છે. કોર્પોરેશન વિસ્તારમાં 13 વોર્ડમાં 2,15,313 મતદારની સામે 54849 પુરુષ તથા 44213 સ્ત્રી મતદારો સહિત માત્ર 99062 મતદારે મતદાન કર્યું હતું.
આ કોર્પોરેશનની ચૂંટણીમા કુલ 32,74,850 રૂપિયાનો
ખર્ચ થયો છે, જેમાં એક મત 33 રૂપિયામાં પડયો છે. સરેરાશ
એક કોર્પોરેટરને ચૂંટવાનો ખર્ચ 62,977 રૂપિયા
આવ્યો છે. ચૂંટણીમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, કર્મચારીઓનો સ્ટાફ રોકાયો હતો. આ ઉપરાંત બૂથ ઉપર જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં
આવી હતી. પરિણામે મહાનગરની ચૂંટણીમાં જંગી ખર્ચ થયો છે. કોર્પોરેશન દ્વારા આ ચૂંટણીમાં
સ્વભંડોળમાંથી રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. સરકારમાંથી ચૂંટણી ખર્ચની ગ્રાન્ટ આવી નહીં
એટલે આ ખર્ચ સ્વભંડોળમાંથી કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ કહ્યું હતું.ચૂંટણીમાં મતદારો
ઉત્સાહપૂર્વક ભાગ લઈને મતદાન કરે તે માટે વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોએ પ્રયાસ અને
પરિશ્રમ કર્યો હતો. તેમ છતાં 50 ટકા પણ મતદાન થયું નહીં અને ખર્ચ વ્યાપક થયો છે. કોર્પોરેશનના
188 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં
દરેક વોર્ડમાં 22,000થી વધુ વસ્તી છે. 13 વોર્ડમાં કુલ 3.29 લાખની વસ્તી છે અને 2.15 લાખ મતદાર છે. - એક વોર્ડ
પાછળ 2.51 લાખથી વધુનો ખર્ચ : કોર્પોરેશનમાં ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો
અને શિણાય, અંતરજાળ, કિડાણા,ભરાપર,ગળપાદર,પડાણા, ખારીરોહર, ચુડવા,
મીઠીરોહર, મેઘપર બોરીચી અને મેઘપર કુંભારડીનો સમાવેશ
થયો છે. બે શહેર અને 11 ગામડાં વચ્ચે
13 વોર્ડ છે. મહાનગરની ચૂંટણીમાં
એક વોર્ડ પાછળ 2,51,911 રૂપિયાનો ખર્ચ આવ્યો છે. - એક બૂથ દીઠ 14000નો ખર્ચ : કોર્પોરેશનના 13 વોર્ડમાં 234 મતદાન બૂથ છે, જેમાં સૌથી વધુ વોર્ડ નં.-1માં 30 મતદાન બૂથ છે. જ્યારે સૌથી ઓછા વોર્ડ નં.-12માં 11 મતદાન બૂથ છે. મહાનગરની ચૂંટણીમાં એક વોર્ડનો 13995 રૂપિયાનો ખર્ચ આવ્યો છે. ચૂંટણી
દરમિયાન વોર્ડ નંબર ચારમાં સૌથી વધુ 66 ટકાથી ઉપર મતદાન થયું હતું,
ત્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર-3માં લગભગ 35.13 ટકા મતદાન થયું હતું, પણ સરેરાશ ખર્ચ 14 હજાર રૂપિયા આવ્યો હોવાનું
જાણવા મળ્યું હતું. - ગણતરી પૂર્ણ
થયા બાદ વસ્તી-મતદારો વધવાની સંભાવના : ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરી શરૂ કરવામાં
આવી છે. પ્રારંભિક તબક્કામાં ઘરની ગણતરી થઈ છે ત્યારપછી વસ્તી ગણતરી અને આકલન શરૂ થશે. વસ્તી ગણતરી પૂર્ણ થયા પછી લગભગ પાંચ લાખથી વધુની
વસ્તીનો આંકડો સંભવ છે અને મતદારો પણ વધવાની સંભાવના છે. મહાનગરપાલિકાની ચૂંટણી એસઆઈઆર
પહેલાં થઈ હતી. એસઆઈઆરની પ્રક્રિયા બાદ મતદારોની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ વસ્તી ગણતરી પૂર્ણ થયા બાદ આખું ચિત્ર
સ્પષ્ટ થશે તેવું જાણકારો કહી રહ્યા છે.