ભુજ, તા. 2 : કચ્છના સૂકા વિસ્તારોમાં જળસમૃદ્ધિની નેમ સાથે વિવિધ કાર્યો
હાથ ધરી રહેલા ગ્લોબલ કચ્છ - ક્રીડા અને કચ્છમિત્રની નવતર ઝુંબેશ હવે છેવાડાના લખપત તાલુકા સુધી પહોંચી છે. અંતરિયાળ પુનરાજપર ગામનાં
જગાસર તળાવને ફરી જીવંત કરવાની હાથ ધરાયેલી મુશ્ક્ઁલ કામગીરી 8પ ટકા પૂર્ણ થઈ ગયા બાદ હવે તળાવ અને તેની
આસપાસના વિસ્તારનાં સૌંદર્યીકરણનાં કામો હાથ ધરવાનું આયોજન તૈયાર થઈ ગયું છે. આ પ્રોજેક્ટ
પૂરો થયા બાદ તળાવમાં વરસાદી પાણીના સંગ્રહની ક્ષમતામાં 1.પ6 કરોડ લિટરનો વધારો થઈ શકશે. લખપત વિસ્તારના દુર્ગમ વિસ્તારોમાં
સામાજિક વિકાસનાં કાર્યો હાથ ધરી રહેલાં ગુજરાત ખનિજ વિકાસ નિગમ (જીએમડીસી)ના સહયોગથી
હાથ ધરાઈ રહેલા આ પ્રોજેક્ટથી પુનરાજપર ગામનાં જગાસર તળાવને ઊંડું કરવાની કામગીરી પૂરી
થયા બાદ આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે. આનાથી ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિકના રહેવાસીઓને સીધો ફાયદો
થશે અને સમગ્ર વિસ્તારનાં પર્યાવરણ સંતુલનને જાળવવામાં મદદ મળશે. - ઝીણવટભર્યાં અધ્યયન બાદ કામ
: જગાસર તળાવની કામગીરી શરૂ કરતાં પહેલાં
સંસ્થા દ્વારા ઝીણવટભર્યું અધ્યયન હાથ ધરીને વિગતવાર વિકાસ અહેવાલ (ડીપીઆર) તૈયાર કરાયો
હતો. આ માટે હાઈડ્રોલોજિકલ સર્વે, ભૂસ્તરીય વિશ્લેષણ અને વૈજ્ઞાનિક સર્વે કરાયો
હતો. ડીપીઆર તૈયાર કરાયા બાદ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરતાં પહેલાં ઓટો લેવલ સાધન દ્વારા
વિગતવાર લેવલ સર્વે કરાયો હતો, જેના આધારે ખોદકામની ઊંડાઈ અને
તળાવનાં પ્રોફાઈલ નક્કી કરાયાં હતાં. - કામ પહેલાંની હાલત : જગાસર તળાવમાં દાયકાઓથી કાંપ અને માટીનાં સ્તર જમા થઈ ગયાં હતાં. સાથોસાથ, આસપાસ આડેધડ ઊગી નીકળેલી બાવળ અને અન્ય જંગલી વનસ્પતિને લીધે તળાવનાં અસ્તિત્વ
સામે જોખમ ઊભું થયું હતું. આખી સ્થિતિને જોતાં જીએમડીસીએ તેની લખપત તાલુકા તરફની સામાજિક
જવાબદારીને ઉપાડી લઈને જગાસર તળાવને ફરી જીવંત કરવાનો પ્રોજેક્ટ મંજૂર કર્યો હતો. - 85 ટકા કામગીરી પૂર્ણ : ગ્લોબલ કચ્છ - ક્રીડા - કચ્છમિત્ર દ્વારા
જગાસર તળાવની આ પડકારરૂપ કામગીરી હાથ પર લઈને સતત ટેક્નિકલ દેખરેખ હેઠળ તળાવની સફાઈ
અને તેની ક્ષમતા વધારવાનાં કામો સફળતા સાથે આગળ વધાર્યાં છે. તળાવની ક્ષમતા વધારવા 1પ,600 ઘન મીટર માટીનાં ખોદકામના લક્ષ્યાંકમાંથી
13,260 ઘન મીટર માટીનાં ખોદકામનું
લક્ષ્ય હાંસલ કરી લેવાયું છે અને બાકીનું કામ ઝડપભેર ચાલી રહ્યંy છે. સાથોસાથ, તળાવની આસપાસના 7,200 ચો.મીટર જેટલા વિસ્તારમાં ગાંડા બાવળ અને જંગલી ઝાડીની સફાઈ
કરી દેવાઈ છે. આને લીધે તળાવ ઊંડું થઈ રહ્યંy છે અને તેની રમણીયતા વધુ સ્પષ્ટ બની રહી છે. - બીજો તબક્કો સૌંદર્યીકરણનો
: જગાસર તળાવનાં કામના બીજા તબક્કામાં તેની
પાળને સુદૃઢ બનાવવાની સાથોસાથ પેવર બ્લોકના વોક - વે બનાવવા, સિમેન્ટની બેન્ઁચો લગાવવા, તળાવના ઢોળાવનું ફિનિશિંગ કરાશે. આ કામગીરીથી તળાવ જળસંચયના કેન્દ્રની સાથોસાથ
સ્થાનિક લોકો અને પ્રવાસીઓની માટે હરવા - ફરવા અને કુદરતી વાતવરણનો આનંદ માણવાનાં સ્થળ
તરીકે ઓળખ ઊભી કરશે. - જળસંચય અને
પર્યાવરણનાં રક્ષણની નેમ : કચ્છભરમાં
જળસંચય અને પર્યાવરણનાં જતનની વ્યાપક કાર્યવાહી હાથ ધરી રહેલા ગ્લોબલ કચ્છ - ક્રીડા
- કચ્છમિત્ર દ્વારા અત્યાર સુધી 484 કરોડ લિટર
પાણીના વધારાના જળસંગ્રહની ક્ષમતાનું સર્જન કરાયું છે. આ માટે 170થી વધુ ગામોનો વૈજ્ઞાનિક સર્વે હાથ ધરીને 120થી વધુ ગામોમાં જળસંચયનાં કામો
હાથ ધરાયાં છે. ઉલ્લેખનીય છે કે ભૂખી, ખારી, નાગમતી, રુકમાવતી અને કંકાવટી
જેવી નદીઓનાં પુનર્જીવનનાં કામો સંસ્થા દ્વારા હાથ ધરાઈ રહ્યાં છે. બોરવેલ રિચાર્જ,
ચેકડેમોના વિકાસ, તળાવોના સંગ્રહને વધારવાનાં,
મિયાવાકી વનોનાં નિર્માણ જેવાં કાર્યો હાથ ધરીને કચ્છને જળસમૃદ્ધ અને
હરિયાળું બનાવવાનાં લક્ષ્યને સાકાર કરાઈ રહ્યં છે.